ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

શ્રીમતી હરસિમરતકૌર બાદલે FICCI અને ઉદ્યોગજગતના અગ્રણી સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી


કેન્દ્રીય FPI મંત્રીએ ખેડૂતોના લાભાર્થે ખાદ્યાન્ન અને અન્ય ઝડપથી બગડી જાય તેવી ચીજોની ખરીદી કરવા માટે આગળ આવવા ઉદ્યોગજગતના સભ્યોને અનુરોધ કર્યો

Posted On: 29 APR 2020 10:56AM by PIB Ahmedabad

કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસિમરતકૌર બાદલની અધ્યક્ષતામાં આજે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) અને તેના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અને લૉકડાઉન પછી ઉદ્યોગની જરૂરિયાતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીય FPI મંત્રીને FICCIના મહાસચિવ શ્રી દિલીપ ચિનોયે આવકાર્યા હતા અને લૉકડાઉનની શરૂઆત થઇ ત્યારથી ખાદ્ય ઉદ્યોગને તેમણે આપેલા અવિરત સહયોગ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે લેવામાં આવેલા પગલાંમાં કોઇપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર ઉદ્યોગના કાર્યચાલનને સંપૂર્ણ ક્ષમતાએ ફરી બેઠું કરવા માટેનું મહત્વ જણાવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓ અને ઇન્વેસ્ટ ઇન્ડિયાના સભ્યોના નેતૃત્વ હેઠળની મંત્રાલયની ટાસ્ક ફોર્સે પહેલાંથી ઉદ્યોગના સભ્યો સાથે સંકલન સાધવાનું તેમજ તમામ રાજ્યોમાં પડી રહેલી મુશ્કેલીઓ/ પડકારોનું આકલન કરવાનું શરૂ કરી દીધું છે.

શ્રીમતી હરસિમરતકૌર બાદલે દેશના વિવિધ ભાગોમાં લણવામા આવેલા પાક અને ઝડપથી બગડી જાય તેવી ખાદ્યચીજોમાં થઇ રહેલા નુકસાનનો મુદ્દો ખાસ ટાંક્યો હતો. 28 એપ્રિલ 2020ના રોજ યોજાયેલી વીડિયો કોન્ફરન્સ દરમિયાન તેમણે લણી લેવામાં આવેલા ઘઉં, ડાંગર, ફળ અને શાકભાજી તેમજ ઝડપથી બગડી શકે તેવી અન્ય ચીજોની ખરીદી માટે ઉદ્યોગજગતના સભ્યોને આગળ આવવા અનુરોધ કર્યો હતો જેથી ખેડૂતોને ઓછામાં ઓછુ નુકસાન થાય અને તેમને કોઇપણ પ્રકારે લાભ પહોંચાડી શકાય.

ઉદ્યોગજગતના સભ્યોએ કેટલાક હાલના એવા પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં મંત્રાલયને હસ્તક્ષેપ કરવાની જરૂર છે. પ્રશ્નોમાં અલગ અલગ ચેપગ્રસ્ત ઝોનમાં પરિચાલન સુવિધાઓમાં SOPની જરૂરિયાત, રાજ્ય સ્તરે ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે સમર્પિત નોડલ અધિકારીની નિયુક્તિ જેથી વિવિધ પડકારોનો સામનો કરી શકાય, સુવિધાઓના પરિચાલન માટે કામદારોને પાસ ઇશ્યુ કરવા અંગે આદર્શ પ્રોટોકોલ, પૂરવઠા સાંકળ જાળવવી, કોવિડ ક્લસ્ટર/ પ્રદેશોની ઓળખ માટેની પ્રક્રિયાનું ફરી મૂલ્યાંકન વગેરે સામેલ છે.

ચેપગ્રસ્ત ઝોનમાં ખાદ્ય ફેક્ટરીઓના પરિચાલન માટે વિગતવાર માર્ગદર્શિકાની જરૂરિયાત તેમજ જો ઉદ્યોગ તેમના કામદારોની સુરક્ષા માટે જરૂરી માપદંડોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા માટે સક્ષમ હોય તો, 60-75% કામદારોને પરિચાલન માટે મંજૂરી આપવાના વિચાર સાથે કેન્દ્રીય મંત્રી સંમત થયા હતા. ઉદ્યોગને ફરી બેઠો કરવા માટેના વિવિધ વિચારો પણ ઉદ્યોગજગતના સભ્યો પાસેથી મેળવવામાં આવ્યા હતા.

સભ્યોએ ઉલ્લેખ કર્યો હતો કે, ખાદ્ય ઉદ્યોગને અપેક્ષા છે કે, મોટા વેલ્યૂ ખાદ્ય પેકની ઇન-હોમ માંગ વધવાથી તેમાં વધારો થશે અને પૂરવઠા સાંકળ ફરી સામાન્ય સ્થિતિમાં સ્થાપિત થાય એટલે તુરંત ઉદ્યોગ બેઠો થવાનું શરૂ કરી દેશે.

FPIના સચિવ શ્રીમતી પુષ્પા સુબ્રમણ્યમે, FICCI અને તેના તમામ સભ્યોનો કટોકટીના સમયમાં ખાદ્યચીજોનો પૂરતો પૂરવઠો સતત જાળવી રાખવા માટે તેમણે આપેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. લોજિસ્ટિક, ગોદામોના પરિચાલન, કામદારો અને વાહનોની હેરફેર વગેરે સંબંધિત પડકારોનો ઉકેલ લાવવા માટે સરકાર દ્વારા પહેલાંથી જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તે માહિતી અહીં આપવામાં આવી હતી. FPIના સચિવે ઉદ્યોગના સભ્યોને સલાહ આપી હતી કે, તેઓ પોતાના કોઇ ચોક્કસ પ્રશ્નો ફરિયાદ સેલ સમક્ષ રજૂ કરે જેથી તેમની ટીમ ઉકેલ લાવી શકે. કાર્યસ્થળે વધુ સંખ્યામાં લોકોને કામ કરવાની મંજૂરી આપવા સંબંધે ઉદ્યોગજગત પાસેથી સરકારના વિચાર અર્થે કામકાજનું મોડેલ પણ મંગાવવામાં આવ્યું હતું. ખાદ્ય ઉદ્યોગને સહકાર આપવા માટે યોજના ઘડવા અંગે પણ સભ્યો પાસેથી વિચારો માંગવામાં આવ્યા હતા.

FICCI ખાદ્ય પ્રસંસ્કરણ સમિતિના અધ્યક્ષ અને ITC ફુડ વિભાગના CEO શ્રી હેમંત મલિક તેમજ કારગીલ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી સીમોન જ્યોર્જ, કોકાકોલા ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી ટી. ક્રિશ્નાકુમાર, કેલોગ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મોહિત આનંદ, મોન્ડેલેઝ ઇન્ટરનેશનલના ભારતના પ્રેસિડેન્ટ શ્રી દીપક ઐયર, MTR ફુડ્સના CEO શ્રી સંજય શર્મા, અમુલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી આર. એસ. સોઢી, ઝાયડસ વેલનેસના CEO શ્રી તરુણ અરોરા સહિત અન્ય સંખ્યાબંધ સભ્યોએ બેઠકમાં વર્તમાન સમયમાં ઉદ્યોગની સ્થિતિ અંગે ઇનપુટ્સ આપ્યા હતા અને આગામી પગલાં અંગે વિચારો રજૂ કર્યા હતા.

ઉદ્યોગના સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા કે, ભલામણો પહેલાંથી જરૂરી પગલાં લેવા માટે સંબંધિત મંત્રાલયો સમક્ષ રજૂ કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગના સભ્યોને ખાતરી આપી હતી કે, મંત્રાલય તરફથી તેમને જરૂરી સહકાર મળતો રહેશે અને તમામ સભ્યોને સલાહ આપી હતી કે, કોઇપણ મદદ માટે તેઓ ટાસ્કફોર્સના સંપર્કમાં રહે.

 

 

GP/DS



(Release ID: 1619260) Visitor Counter : 201