નાણા મંત્રાલય

ભારતે કોવિડ -19 સંબંધી તત્કાળ પ્રયાસોમાં આવશ્યક સહયોગ માટે એડીબી સાથે 1.5 અબજ ડૉલર લોનના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

Posted On: 28 APR 2020 4:50PM by PIB Ahmedabad

ભારત સરકારે આજે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી $ 1.5 અબજની લોન માટે હસ્તાક્ષર કર્યા છે જે નોવલ કોરોના વાયરસ બીમારી (કોવિડ-19) મહામારી સામે ભારત સરકારની પ્રતિક્રિયામાં મદદરૂપ થશે. ખાસ કરીને બીમારીના નિયંત્રણ અને નિરાકરણ, સમાજમાં મહિલાઓ અને વંચિત સમૂહો સહિત ગરીબ અને આર્થિક રીતે મુશ્કેલમાં મુકાયેલા વર્ગોની સામાજિક સુરક્ષા જેવી તાકીદની પ્રાથમિકતાઓ પર લોનમાં વિશેષરૂપે ધ્યાનમાં રાખવામાં આવી છે.

ADBના કોવિડ-19 સક્રિય પ્રતિક્રિયા અને ખર્ચ સહાય કાર્યક્રમ (CARES કાર્યક્રમ) માટે લોનના કરાર પર હસ્તાક્ષર કરનારાઓમાં શ્રી સમીરકુમાર ખારે, અધિક સચિવ (ભંડોળ બેંક અને ADB), ભારતના નાણાં મંત્રાલયમાં આર્થિક બાબતોનો વિભાગે અને કેનિચી યોકોહામા, ભારતમાં ADBના કન્ટ્રી ડાયરેક્ટર હતા.

અગાઉ, ADBના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે મહામારીના કારણે દેશમાં ઉભી થયેલી આરોગ્ય અને સોશિયો-ઇકોનોમિકની પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરવા અને તેને ઘટાડવા માટે બજેટમાં સહાય કરવા લોનને મંજૂરી આપી હતી.

શ્રી ખારેએ જણાવ્યું હતું કે, “સરકારને કોવિડ મહામારી સામે તાત્કાલિક પ્રતિક્રિયાના પગલાંરૂપે (i) ઝડપથી ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ ક્ષમતા વધારવા માટે કોવિડ-19 નિયંત્રણ યોજના અને (ii) આગામી ત્રણ મહિના સુધી 800 મિલિયનથી વધુ ગરીબો, નિઃસહાય લોકો, મહિલાઓ અને વંચિત સમૂહોને સામાજિક સુરક્ષા આપવા માટે વિવિધ યોજનાના અમલ માટે તાત્કાલિક મદદ કરવા બદલ અમે ADBના આભારી છીએ.” “ADBની આર્થિક સહાય અને ટેકનિકલ સહકાર માર્ચ 2020માં શરૂ કરાયેલા સરકારના દૂર સુધીની પહોંચ ધરાવતા તાત્કાલિક પ્રતિક્રિયા કાર્યક્રમોના શ્રેષ્ઠ અમલીકરણ માટે ઘણું યોગદાન આપશે.”

શ્રી યોકોયામાએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 મહામારીમાં ખાસ કરીને હેરફેરના પ્રતિબંધોને કારણે સૌથી નિઃસહાય લોકોને મદદ કરવા માટે ભારતે લીધેલા હિંમતપૂર્ણ પગલાંમાં મદદ કરવા માટે, ઝડપી ટ્રેકિંગ અને ભારતને અત્યાર સુધીની સૌથી મોટી લોન આપવામાં ADB આનંદની લાગણી અનુભવે છે. આરોગ્ય સેવાઓ ને સામાજિક સુરક્ષા કાર્યક્રમની દેખરેખ અને મૂલ્યાંકન સિસ્ટમ સહિત અમલીકરણના માળખા અને ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે અમે સતત સરકારના સંપર્કમાં રહીશું જેથી ગરીબો, મહિલાઓ અને અન્ય વંચિત સમૂહો સુધી તેનો લાભ પહોંચી શકે.”

અગાઉ, 09 એપ્રિલ 2020ના રોજ નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી અને ADBના ગવર્નર શ્રીમતી નિર્મલા સીતારમન સાથે ટેલીફોનિક ચર્ચા વખતે ADBના પ્રમુખ શ્રી માસેત્સુગુ અસાકાવાએ મહામારીના આર્થિક પ્રભાવને ઘટાડતી વખતે આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતમાં તેમજ દેશમાં ઉપલબ્ધ આર્થિક વિકલ્પો ઉજાગર કરીને ગતિશીલ આર્થિક વૃદ્ધિ ફરી સ્થાપિત કરવા માટે ટુંકા અને મધ્યમ ગાળાના પગલાં લેવામાં ભારતને મદદ કરવાની ADBની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. CARES કાર્યક્રમ સરકારની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સૌથી પહેલી સહાય છે.

CARES કાર્યક્રમનું નિર્માણ કરવા સાથે, ADB આર્થિક વેગ માટે, ઝડપથી વૃદ્ધિમાં રીકવરી માટે અને ભાવિ આંચકાઓ સામે ટકી રહેવા માટે સરકાર સાથે વધુ શક્ય હોય તેવો સહકાર આપવા માટે ચર્ચામાં છે. આમાં અસરગ્રસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને સહાય જેમાં ખાસ કરીને માઇક્રો, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME)ને ક્રેડિટ ગેરેન્ટી યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ માટે ઉદ્યોગ વિકાસ અને ધિરાણ ઉન્નતી દ્વારા વૈશ્વિક અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે MSME એકીકૃતતા સામેલ છે. સાર્વજનિક સેવાની ડિલિવરી અન્ય એક મહત્વપૂર્ણ એજન્ડા છે જેમાં PPP મોબિલિટી દ્વારા શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રાથમિક આરોગ્ય સેવાઓ અને બીજા તેમજ ત્રીજા સ્તરના વિસ્તારોમાં આરોગ્ય સંભાળ વ્યવસ્થાતંત્ર વધારવાનું પણ સામેલ છે.

કોવિડ-19 મહામારીને અંકુશમાં લેવા માટે ભારતે કેટલાક નિર્ણાયક પગલાં લીધા છે જેમાં હોસ્પિટલ સુવિધાઓના વિસ્તરણ, ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટમાં ઝડપ માટે આરોગ્ય ક્ષેત્રમાં $2 અબજનો ખર્ચ સામેલ છે અને કેશ ટ્રાન્સફર, ગરીબોને જેમાં ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને સામાજિક રીતે વંચિત સમૂહોને મૂળભૂત વપરાશની ચીજો પૂરી પાડવી અને મફત રાંધણગેસના સિલિન્ડર આપવા જેવી યોજનાઓ માટે $23 અબજનું ગરીબલક્ષી પેકેજ પણ સામેલ છે. ઉપરાંત કોવિડ-19 પ્રતિક્રિયામાં સંકળાયેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓને વીમા કવચ પણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંકે, પોલીસી દરો ઘટાડ્યા છે, અસ્કયામત ગુણવત્તા માપદંડો હળવા કર્યા છે, લોનમાં રાહતનો લાભ આપ્યો છે, નિકાસકારોને સહકાર માટે પગલાં લીધા છે અને રાજ્યોને તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા વધુ ધિરાણ કરવાની મંજૂરી આપી છે. તેણે બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સને સહાય માટે મોટાપાયે તરલતાના પગલાં લીધા છે અને MSME તેમજ કોર્પોરેટ ક્ષેત્રમાં નાણાંનો પ્રવાહ વધારવા માટે પગલાં લીધા છે.

અત્યંત ગરીબી દૂર કરવા માટેના પ્રયાસો દરમિયાન સમૃદ્ધિપૂર્ણ, સહિયારો, મજબૂત અને ટકાઉક્ષમ એશિયા અને પ્રશાંત પ્રદેશના નિર્માણ માટે ADB પ્રતિબદ્ધ છે. તેની સ્થાપના 1966માં કરવામાં આવી છે અને 68 સભ્યોની તેમાં માલિકી છે જેમાંથી 49 સભ્યો પ્રદેશના છે.

 

 

GP/DS



(Release ID: 1619062) Visitor Counter : 338