સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

શ્રી નીતિન ગડકરીએ વિદેશી ભારતીય વિદ્યાર્થીઓને કોવિડ-19 મહામારીને તકમાં રૂપાંતરિત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવવા કહ્યું


સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવેલા નવા ધોરીમાર્ગો રસ્તાની બાજુમાં સંખ્યાબંધ સુવિધાઓ અને બસ પોર્ટ સાથે રોકાણની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડે છે: શ્રી નીતિન ગડકરી

શ્રી ગડકરીએ અત્યાર સુધીમાં વેબિનાર, વીડિયો કોન્ફરન્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી 1.3 કરોડથી વધુ લોકો સુધી પહોંચીને લોકોનું મનોબળ વધાર્યું અને કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે સરકારના પ્રયાસો વિશે માહિતી આપી

Posted On: 26 APR 2020 10:46PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ તેમજ MSME મંત્રી શ્રી નીતિન ગડકરીએ છેલ્લા કેટલાક દિવસથી વેબિનાર, વીડિયો કોન્ફરન્સ અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમોથી સમાજના વિવિધ વર્ગો અને ક્ષેત્રોના લોકો સાથે વ્યાપકપણે સંપર્ક કરવાની કવાયત હાથ ધરી છે. આના પરિણામે અત્યાર સુધીમાં તેમણે 1.3 કરોડથી વધુ લોકો સાથે સંદેશાવ્યવહાર સ્થાપિત કર્યો છે.

શ્રેણીના ભાગરૂપે, વૈશ્વિક મહામારીને ભારતીય પ્રતિક્રિયા: ભારતનો રોડમેપ થીમ અંતર્ગત યુકે, કેનેડા, સિંગાપોર અને અન્ય યુરોપીયન દેશો તેમજ ઓસ્ટ્રેલિયા સહિત વિવિધ દેશોમાં અભ્યાસ અર્થે ગયેલા વિદેશી ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે, ભારત માટે અમારા મનમાં ઘડાયેલો માર્ગ સ્પષ્ટપણે સકારાત્મક છે અને પ્રતિકૂળતાને તકમાં રૂપાંતરિત કરવાના નક્કર પ્રયાસો કરી રહ્યા છીએ. સાથે સાથે, અમે વિવિધ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે આગળ વધી રહ્યા છીએ ત્યારે, આપણે સૌ જાણીએ છીએ કે, કોવિડ-19 વાયરસનો ફેલાવો રોકવા માટે આરોગ્ય પ્રોટોકોલ સંબંધિત તમામ સાચવેતીઓ અનુસરવી જરૂરી છે. આપણા ઉદ્યોગોમોટા, મધ્યમ અને નાના તેમજ માઇક્રો તમામે માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ અને સામાજિક અંતરના માપદંડોનું પાલન કરવાનું સુનિશ્ચિત કરવા ઉપરાંત તેમના વ્યાવસાયિક પરિચાલનમાં ધરમૂળથી પરિવર્તન લાવવું પડશે, શ્રમિકો માટે સામાજિક અંતર જાળવીને ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરવી પડશે, આયાતનો વિકલ્પ શોધવા માટે પ્રયાસો કરવા પડશે, મુખ્ય શહેરોથી દૂર નવા વિસ્તારોમાં વ્યવસાય અને ઉદ્યોગો શરૂ કરવા પડશે જેથી મેટ્રો શહેરોમાં ગીચતા ઘટાડી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં કંપનીઓએ સંયુક્ત સાહસો ઉભા કરવા માટે વૈશ્વિક કંપનીઓ સાથે નવી ભાગીદારી માટે તેમને આકર્ષવાની જરૂર છે. શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, આપણા પ્રયાસો માત્ર ભારતની માંગને પહોંચી વળવા પૂરતા હોવા જોઇએ પરંતુ વૈશ્વિક બજારોને પણ પહોંચી વળવા માટે હોવા જોઇએ કારણ કે, સંખ્યાબંધ કંપનીઓ ચીનમાંથી ભારતમાં સ્થળાંતરીત થવાની સંભાવનાઓ ચકાસી રહી છે. વિદેશમાં ભણતા યુવાન વિદ્યાર્થીઓને તેમણે કહ્યું કે, તેઓ લક્ષ્યમાં ઘણું મોટું યોગદાન આપે કારણ કે, ભારતમાં યુવાનો માટે સ્પર્ધાનો માહોલ છે અને દુનિયાને આગળ વધારી રહ્યાં છે.

શ્રી ગડકરીએ ઉલ્લેખ કર્યો હતો કે, 22 ગ્રીન એક્સપ્રેસ ધોરીમાર્ગોનો વિકાસ થઇ રહ્યો છે અને નવા દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેનું કામ ચાલી રહ્યું છે. આના પરિણામે ઔદ્યોગિક ક્લસ્ટરો, ઔદ્યોગિક પાર્કો, લોજિસ્ટિક પાર્કો વગેરેમાં ઉદ્યોગો માટે ભાવિ રોકાણની તકોનું સર્જન થયું છે. તેમણે કહ્યું કે, અંદાજે 2000 રસ્તાની બાજુએ ઉપલબ્ધ સુવિધાઓ ધોરીમાર્ગો પર વિકાસવવામાં આવશે અને દેશમાં 2000 બસ પોર્ટ ઉભા કરવાની પણ યોજના છે.

શ્રી નીતિન ગડકરીએ ભારતની વિકાસગાથામાં સહભાગી થવા અને સંશોધન, નાવીન્યતા, વ્યવસ્થાપન, ચિકિત્સા, ઉચ્ચ અભ્યાસ વગેરે બહુવિધ ક્ષેત્રોમાં નવી તકોનો લાભ લેવા માટે વિદેશમાં વસતા યુવાન તેજસ્વી વિદ્યાર્થીઓ અને ભારતીય મૂળના વૈજ્ઞાનિકોને આમંત્રિત કર્યા હતા. અલગ અલગ દેશોની 43 યુનિવર્સિટીના વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ સાથે આજે વીડિયો કોન્ફરન્સથી વાર્તાલાપ કરતી વખતે તેમણે સૌને ખાતરી આપી હતી કે, PPP હોય કે પછી સંયુક્ત સાહસ, વિવિધ પ્રકારના માધ્યમોમાં આવા સાહસો માટે સરકાર અત્યંત સહાયક છે.

શ્રી ગડકરીએ અંદાજે 8000 વ્યાવસાયિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો સાથે અત્યાર સુધીમાં ચર્ચા કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા છે અને નાણાં, વાણિજ્ય અને ઉદ્યોગ, રેલવે, શ્રમ અને રોજગાર વગેરે સહિત સંબંધિત વિવિધ મંત્રાલયો તેમજ વિભાગો સુધી તેમની સમસ્યાઓ પહોંચાડી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેમનું મંત્રાલય સાહસો શરૂ કરવા માટે 3 મહિનામાં જરૂરી માન્યતાઓ મેળવવા માટે મદદરૂપ થશે. તેમણે કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને તેમજ ગ્રામીણ, આદિજાતિ અને કૃષિ ક્ષેત્ર/ વિસ્તારોના વિકાસ માટે ઘણો મોટો વેગ આપવામાં આવી રહ્યો છે. મંત્રીશ્રીએ ટાંક્યું હતું કે, તમામ હિતધારકોએ સાથે મળીને કામ કરવું પડશે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોરોના વાયરસ સામેની લડાઇ આપણે જીતીશું અને આર્થિક મોરચે પણ લડાઇમાં આપણે વિજયી થઇશું.

શ્રી નીતિન ગડકરીએ વિવિધ દેશોમાં આવેલી 43 યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ તેમજ NASAમાં ભારતીય મૂળના વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી હતી. FICCI, SME, CREDAI મુંબઇ, ક્લબ ઓફ ઇન્ડિયાના CEO, AIPMA, ભારતીય શિક્ષણ મંડળ, યંગ પ્રેસિડેન્ટ્સ ઓર્ગેનાઇઝેશન, મહારાષ્ટ્ર આર્થિક વિકાસ પરિષદ, ASSOCHAM, PHD ચેમ્બર ઓફ કોમર્સ, ભારત ચેમ્બર ઓફ કોમર્સ વગેરે સહિત વિવિધ સંગઠનોના સભ્યો અને પ્રતિનિધિઓએ શ્રી ગડકરી સાથે અગાઉ યોજાયેલા ચર્ચા સત્રોમાં ભાગ લીધો છે.

 

 

GP/DS

 



(Release ID: 1618605) Visitor Counter : 187