સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને AIIMS ટ્રોમા સેન્ટરની તૈયારીઓ તથા વિશેષ કોવિડ-19 હોસ્પિટલની સમીક્ષા કરી


"કસોટીના સમયમાં આપણાં આરોગ્ય યોદ્ધાઓના ભારે ઉત્સાહ અને ઊંચા મનોબળના સાક્ષી બનવું આનંદની વાત છે": ડૉ. હર્ષવર્ધન

"મને આનંદ છે કે કોવિડ દર્દીઓના આરોગ્ય માપદંડોની દેખરેખ રાખવા AIIMS 24x7 અત્યાધુનિક ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે": ડૉ. હર્ષવર્ધન

"લૉકડાઉન અને સામાજિક અંતરઃ કોવિડ-19 સામેની અસરકારક સામાજિક રસી છે"

Posted On: 26 APR 2020 7:24PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે નવી દિલ્હી ખાતે આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના જયપ્રકાશ નારાયણ એપેક્ષ ટ્રોમા સેન્ટર (JPNATC)ની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે હાથ ધરાયેલી તૈયારીઓની સાથે સાથે વિશેષ કોવિડ હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી સારવાર અને મદદની રૂબરૂ માહિતી પણ મેળવી હતી.

ડૉ.હર્ષવર્ધને જણાવ્યું હતું કે, "AIIMS JPNATC 250 બેડના આઇસોલેશન વોર્ડ સાથે વિશેષ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કામગીરી કરી રહી છે, જે આઇસોલેશનમાં રહેલા અને અદ્યતન તબીબી સહાયતાની જરૂરિયાત ધરાવતાં કોવિડ-19ના પોઝિટીવ દર્દીઓની ત્વરિત સારવાર સુનિશ્ચિત કરે છે." વધુમાં તેમણે જણાવ્યું હતું કે," ઉપરાંત AIIMS JPNATCના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી બ્લોકને કોવિડના સંભવિત દર્દીઓને રાખવા માટે નિરીક્ષણ અને આપાતકાલીન સારવાર વિસ્તારમાં ફેરવવામાં આવી રહ્યો છે." પોતાની મુલાકાત દરમિયાન તેમણે અત્યાધુનિક ઇમારતમાં આવેલા ઇમર્જન્સી વોર્ડ, ડોફિંગ એરિયા, ખાનગી વોર્ડ, ICU, HDU, SARI વોર્ડ અને ILI વોર્ડની પણ મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલના વોશરૂપમાં જાળવવામાં આવતી સ્વચ્છતાં કામગીરીનું પણ નિરીક્ષણ કર્યુ હતું.

હોસ્પિટલમાં પોતાની મુલાકાત દરમિયાન મંત્રીએ કોવિડ-19 પ્રભાવિત કેટલાક દર્દીઓ સાથે વીડિયો કોલિંગ મારફતે મોબાઇલ ફોન ઉપર વાર્તાલાપ કર્યો હતો, જેમાં દર્દીઓને રોબોટ દ્વારા સહાયતા કરવામાં આવી રહી હતી. દરમિયાન તેમણે દર્દીઓના આરોગ્ય અંગે પૂછપરછ કરી હતી. તેમણે AIIMSમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે તેમના પ્રતિભાવો પણ માંગ્યા હતાં, જેથી જરૂરી સુધારા હાથ ધરી શકાય.

હોસ્પિટલના વિવિધ વોર્ડ અને સુવિધાઓની વિગતવાર સમીક્ષા અને નિરીક્ષણ બાદ, ડૉ. હર્ષવર્ધને વિશેષ કોવિડ હોસ્પિટલની કામગીરી અંગે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે કોવિડ-19ના પોઝિટીવ અને શંકાસ્પદ દર્દીઓની સુખાકારી માટે 24x7 દેખરેખ સુનિશ્ચિત કરવા AIIMS JPNATCની કામગીરી બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, "મને તે જોઇને આનંદ થાય છે કે AIIMS 24x7 ધોરણે કોવિડ દર્દીઓના આરોગ્ય માપદંડો ઉપર દેખરેખ રાખવા અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે." તેમણે ઉમેર્યું હતું કે, "છેલ્લા કેટલાક દિવસોથી હું કોવિડ-19 સામેની તૈયારીની સમીક્ષા માટે AIIMS ઝજ્જર, લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJPNH), ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલ (RML), સફદરજંગ હોસ્પિટલ (SJH), રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને હવે દિલ્હીમાં AIIMS-JPNATC જેવી વિવિધ વિશેષ કોવિડ હોસ્પિટલ અને સુવિધાઓની મુલાકાત લઇ રહ્યો છું."

દેશમાં કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ અંગે જાણકારી આપતાં ડૉ હર્ષવર્ધને જણાવ્યું હતું કે ભારતમાં અત્યાર સુધી કોવિડ દર્દીઓનો મૃત્યુ દર વૈશ્વિક સ્તરે 7%ની સરખામણીમાં 3.1% છે. વધુમાં અત્યાર સુધી દેશમાં 5,913 લોકો સાજા થયા છે જે 22%ના રિકવરી દરમાં પરિણમે છે. બાબત પણ અન્ય મોટાભાગના દેશોની સરખામણીમાં વધુ સારી છે. તેમણે જણાવ્યું હતું કે, "દેશમાં કેસો બમણા થવાના દરમાં નિયમિત સુધારો દેખાઇ રહ્યો છે જે 3 દિવસના સમયગાળાની સામે તુલના કરવામાં આવે તો 10.5 દિવસ, 7 દિવસના સમયગાળાની સામે 9.3 દિવસ અને 14 દિવસના સમયગાળાની સામે 8.1 દિવસ છે. સૂચકોને ક્લસ્ટર મેનેજમેન્ટ અને ચેપ નિયંત્રણ વ્યૂહરચનાઓની સાથે દેશમાં લૉકડાઉનના સકારાત્મક પ્રભાવ તરીકે ગણી શકાય છે."

દેશમાં કોવિડ-19ની પરિસ્થિતિ વિશે પોતાના અપડેટ્સ ચાલુ રાખતા તેમણે જણાવ્યું હતું કે, “આજની તારીખે, દેશમાં 283 જિલ્લા એવા છે જ્યાં આજદિન સુધીમાં કોવિડનો કોઇ કેસ નોંધાયો નથી, 64 જિલ્લામાં છેલ્લા 7 દિવસથી કોઇ કેસ નોંધાયો નથી, 48 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી નવો કોઇ કેસ નોંધાયો નથી અને 33 જિલ્લામાં છેલ્લા 21 દિવસથી જ્યારે 18 દિલ્લામાં છેલ્લા 28 દિવસથી કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એકપણ દર્દીનો નવો કેસ નોંધાયો નથી.”

દેશમાં તબીબી ઉપકરણો અને સુવિધાઓની ઉપલબ્ધતાની સ્થિતિ અંગે, ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “અમારી પાસે રાજ્ય સ્તરે પહેલાંથી પૂરતા પ્રમાણમાં વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE) છે અને હવે અમારી પાસે અંદાજે 106 ઉત્પાદન એકમો છે જેઓ ભારતમાં પોતાની રીતે ઉપકરણો તૈયાર કરવા સક્ષમ છે અને દેશમાં ભવિષ્યમાં વધતી માંગને પહોંચી વળવા માટે તે પૂરતા હશે. ઉપરાંત દેશમાં હવે N-95 માસ્કના ઉત્પાદકોની સંખ્યા 10 થઇ ગઇ છે.” વેન્ટિલેટર્સની ઉપલબ્ધતા અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે, “સરકાર અને અમારી વિવિધ સંશોધન લેબોરેટરીઓ દ્વારા ચાલી રહેલા પ્રયાસોના માધ્યમથી ઘરેલું ઉત્પાદકો દ્વારા વેન્ટિલેટર્સનું ઉત્પાદન કાર્ય શરૂ થઇ ગયું છે અને 9 ઉત્પાદકો દ્વારા તેના ઉત્પાદન માટે 59,000થી વધુ વેન્ટિલેટર્સનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.”

વેન્ટિલેટર્સ, ઓક્સિજન પૂરવઠા અને ICU જે કેન્દ્ર અને રાજ્યો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તેની પર્યાપ્તતા અંગે વિગતવાર જણાવતા તેમણે કહ્યું હતું કે, “હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા સક્રીય દર્દીઓની સંખ્યાની અમે તુલના કરી ત્યારે અમને જાણવા મળ્યું કે, માત્ર 2.17% દર્દીઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 1.29% દર્દીઓને ઓક્સિજન સહાયની જરૂર પડી હતી જ્યારે માત્ર 0.36% દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આપણે લડાઇ જીતી રહ્યા છીએ અને તબક્કાવાર આપણે કોવિડ-19 સામેનું સંપૂર્ણ યુદ્ધ જીતી જઇશું કારણ કે આપણે આપણા દુશ્મનને, તેની સંખ્યાને અને તેના ચોક્કસ સ્થાનોને સારી રીતે જાણીએ છીએ અને પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”

કોરોના વાયરસ અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે, “કસોટીના સમયમાં આપણા આરોગ્ય યોદ્ધાઓ કોરોના સામે ખૂબ ઊંચા મનોબળ સાથે તત્પરાતા પૂર્વક લડી રહ્યા છે તે જાણીને ઘણો આનંદ થાય છે.” મહામારી સામે અસરકારક રીતે લડવા માટે હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે પોતે સંતુષ્ટ હોવાનું કહેતા તેમણે નર્સો, ડૉક્ટરો, ટેકનિશિયનો અને અન્ય તમામ આરોગ્ય સંભાળ પ્રોફેશનલો સહિત અગ્ર હરોળમાં રહીને લડત આપી રહેલા તમામ યોદ્ધાઓ કોવિડ-19 સામે જે પ્રકારે દૃઢતા, સખત પરિશ્રમ, સમર્પણ અને કટિબદ્ધતાથી ઝઝુમી રહ્યા છે તેની પ્રશંસા કરી હતી.

 

 

 

GP/DS


(Release ID: 1618511) Visitor Counter : 282