પ્રવાસન મંત્રાલય
પ્રવાસન મંત્રાલય દ્વારા "દેખો અપના દેશ" સિરિઝના 8મા વેબીનારનું
"પૂર્વોત્તર ભારત- વિશિષ્ઠ ગામડાંનો અનુભવ કરો" વિષયે આયોજન
વેબીનારે લોકોમાં સારી રૂચિ પેદા કરી કારણ કે ઘણાં દેશોના લોકો વેબીનારમાં સામેલ થયા હતા
Posted On:
25 APR 2020 2:27PM by PIB Ahmedabad
ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે "દેખો અપના દેશ" સિરિઝ હેઠળ વિવિધ વેબીનાર સિરીઝ યોજવાની પરંપરા ચાલુ રાખીને સંખ્યાબંધ વેબીનારનુ આયોજન કર્યુ છે. આ સિરીઝનો તેમનો 8મો વેબીનાર " પૂર્વોત્તર ભારત- વિશિષ્ઠ ગામડાંનો અનુભવ કરો " વિષયે તા. 24 એપ્રિલ, 2020ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આસામ અને મેઘાલયનાં ઓછાં જાણીતાં ગામડાં ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ હતું.
પૂર્વોત્તર ભારતએ ઉત્કૃષ્ટ સૌંદર્યની ભૂમિ છે, જે હરિયાળા પ્રદેશો આસમાની જળાશયો, અદ્દભૂત શાંતિ, અવિરત વિપુલતા, અને મન મોહી લે તેવા સ્થાનિક લોકોની પણ ભૂમિ છે. અહીં ભિન્ન પ્રકારે છવાયેલા ભૌગોલિક સૌંદર્યની અને તેની વિશેષ રચના તથા તેની ભિન્ન પ્રકારનાં વનસ્પતિ, જળ, પશુ પંખી વૈવિધ્ય, લોકોનો ઈતિહાસ તથા તેની વિવિધ સ્થાનિક પ્રજાતિઓ અને તેમનો સમૃધ્ધ વારસો અને જીવન શૈલી, તેમના તહેવારો અને કલા, કસબ વગેરે અહીં ગાળેલી રજાઓ અજાયબ ભૂમિનો પરિચય કરાવે છે, જેને વારંવાર, નવેસરથી વધુને વધુ ફંફોસવાનું ગમે તેમ છે. પૂર્વોત્તરનુ અજાયબ વૈવિધ્ય તેને દરેક સિઝનમાં રજા ગાળવા માટે ઉત્તમ સ્થાન બનાવે છે.
આ વેબીનારની રજૂઆત કોયેલી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (પ્રા.) લિ.ના સીઈઓ, અરિજીત પુરકાયસ્થ અને લેન્ડ્સકેપ સફારીના ચીફ ઓપરેટીંગ ઓફિસર ડો. શ્રેયા બાર્બરાએ કરી હતી.
વેબીનારનો આસામ અને મેઘાલયનાં નીચે દર્શાવેલાં ગામોની વિશિષ્ઠ બાબતોનો સમાવેશ થાય છે.
આસામનાં ગામો :
સુઆલકુચી - ગૌહાતીથી 35 કિ. મી. દૂર બ્રહ્મપુત્રા નદીના ઉત્તર કાંઠે આવેલુ સુઆલકાચી અએ કામરૂપ જીલ્લામાં આવેલો તાલુકો છે. એને દુનિયાનુ સૌથી મોટા વણાટકામ કરતા ગામ તરીકે ઓળખવામાં વે છે. અહીંના 75 ટકા પરિવારો ગોલ્ડન મુગાથી માંઢીને આઈવરી વ્હાઈટ પેટ સુધીનાં રેશમના કાપડના ઉત્કૃષ્ટ વણાટ માટે જાણીતાં છે. અહીંનુ એરી અથવા તો એન્ડી સિલ્ક તેના વણાટના સદીઓ જૂના વારસાને કારણે જાણીતુ છે. લોકો અહીંયાં અહિંસાના અભિગમમાં માને છે. રેશમ ઉછેરમાં રેશમનના કીડાને માર્યા વગર રેશમ મેળવવામાં આવે છે. ઈકો – ફ્રેન્ડલી પર્યાવરણ જાળવવા માટેનું આ એક ઉમદા કદમ છે.
રનથલી – રનથલી એ નોગોન જીલ્લાનું ઘણું નાનુ ગામ છે. આ ગામ હાથ બનાવટના ઝવેરાત માટે જાણીતુ છે. આ ઝવેરાતમાં મોટોભાગે આ વિસ્તારના ખજાના સમાન વનસ્પતિ અને પશુ પંખીની ડિઝાઈન કરવામાં આવેલી હોય છે. આસામના ઝવેરાતની પરંપરાગત ડિઝાઈન ખૂબ જ સરળ હોય છે અને એમાં ચમકતા લાલ કિંમતી પત્થરો, રૂબી અથવા મીનાથી સુશોભન કરવામાં આવ્યુ હોય છે.
હાજો – હાજો ગૌહત્તી શહેરથી 25 કિ. મી. દૂર આવેલુ છે અને તે હિંદુ, બૌધ્ધ અને મુસ્લીમોના પવિત્ર ધામ તરીકે જાણીતુ છે. અહીનું પૌરાણિક હયગ્રીવા માધવ મંદીર તથા પ્રસિધ્ધ પોવા મક્કા અહીં આવેલી છે. એવી માન્યતા છે કે ભગવાન બુધ્ધ હયગ્રીવા માધવ મંદિરમાં નિર્વાણ પામ્યા હતા. આ મંદિર પાસે એક સરોવર આવેલુ છે, જેને કાળા ને સફેદ કાચબા માટે સલામત સ્વર્ગ સમાન ગણવામાં આવે છે. કોઈ કાચબાને જરાક પણ નુકશાન કરતુ નથી. કારણ કે તેમને ભગવાન વિષ્ણુના અવતાર સમાન ગણવામાં આવે છે.
દાદારા – આસામમાં જે નામની વિસરતી પ્રજાતિનું પક્ષી ગણવામાં આવે છે, તે હરગ્રીલા અહીં લોકો વચ્ચે વસવાટ કરતુ હોય છે. દાદારા તેમનુ વિશેષ ઘર છે. દુનિયામાં આ પ્રકારનાં માત્ર 1500 પક્ષીઓ જ બચેલાં છે. આ ગામ તેમના માટે સલામત ભૂમિ છે. અહી તેમની 500 પક્ષીની વસતિ છે. અહી તેમના માળાની મોટી વસાહત આવેલી છે. આ પક્ષીઓની પ્રજાતિને જાળવી રાખવા માટે ઝૂંબેશ ચલાવનાર શ્રીમતી પૂર્ણીમા દેવી બારમાનને ગરીન ઓસ્કાર એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
સારથબેરી - અહીંનો બેલ મેટલ ઉદ્યોગ એ વાંસ કલા પછીનો આસામનો બીજા નબરનો સૌથી મોટો હસ્તકલા ઉદ્યોગ છે. બેલ મેટલ એ ત્રાંબા અને કલાઈ મિશ્રીત ધાતુ છે અને આ ધાતુનુ કામ કરનાર કસબીઓને ‘કહાર’ અથવા ‘ઓરજા’ તરીકે ઓળખવામાં આવે છે.
આસામના નીચાણવાળા પ્રદેશનો નાલબારી વિસ્તાર - એક સમાન કડીથી જોડાયેલાં આ ગામડાંના સમૂહ સામુદાયિક રીતે જાતિગત સમુદાય પ્રમાણે રોજગારી મેળવે છે. તેને આસામની પ્રસિધ્ધ જાપીનુ ઉત્પાદન મથક ગણવામાં આવે છે. અહીં શંકુ આકારનુ એક હાટ ભરાય છે. આ સ્થળ અગાઉ ખેત પેદાશોને તડકાથી બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતુ હતું. હાલમાં રંગબેરંગી સુશોભન ધરાવતા આ વિસ્તારને આસામના સાંસ્કૃતિક પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે.
બાંસબારી – ગૌહત્તીથી 140 કિ.મી. દૂર ભૂતાનની સરહદે પર્વતીય પ્રદેશમાં આવેલુ બાંસબારી યુનેસ્કોના કુદરતી વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવેશ પામે છે. અહીંના અનેક વનસ્પતિ અને પશુ પંખીના નિવાસ સ્થાન સમાન મનસ નેશનલ પાર્ક ખૂબ જાણીતો છે અહીં ઘણી દુર્લભ અને બચી ગયેલી વન્ય પ્રજાતિઓ જોવા મળે છે.
આસામના ટી બંગલોઝ – વિવિધ જાતિઓનો તથા આદિવાસીઓનો સમુદાય ધરાવતું આ સ્થળ અહિંના ચા ઉદ્યોગમાં રોકાયેલા કામદારોને કારણે જાણીતું છે. ચા ઉદ્યોગ આસામનો સૌથી મોટો ઉદ્યોગ છે. અહિંના ચાના વિવિધ બગીચાઓએ પ્રવાસીઓ માટે પોતાના દ્વાર ખોલી દીધા છે અને લોકો અહિંયા બ્રિટીશ કાળના ચાના બગીચાના સૌંદર્યનો અનુભવ કરે છે.
મઝૌલી – મઝૌલીને દુનિયાના સૌથી મોટા નદીઓના ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. આ ટાપુ બ્રહ્મપુત્રા નદીની મધ્યે આવેલો છે. મઝૌલી એ આસામની નીઓ-વૈષ્ણવાઈટ સંસ્કૃતિનું મથક છે, જેનો પ્રારંભ આશરે 15મી સદીમાં પ્રસિધ્ધ આસામી સંત શ્રીમંતા શંકરાદેવ અને તેમના શિષ્ય માધવ દેવ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સ્થળને આસામીઝ સંસ્કૃતિના પારણાં સમાન ગણવામાં આવે છે.
નામફાકે ગામ – આ ગામ સુંદર ટાઈ- ફાકે ગામ તરીકે પણ જાણીતું છે. અહિંયા આસામની અત્યંત સન્માનનિય અને સૌથી જૂના બૌધ્ધ મઠ આવેલા છે. અહિંનો બૌધ્ધ સમુદાય મૂળ થાઈલેન્ડનો છે અને તે થાઈ ભાષા જેવી જ ભાષા બોલે છે અને થાઈ પ્રજાતિઓના રિવાજ અને પરંપરાઓનું હજુ પણ પાલન કરે છે. આ સમુદાય આસામમાં 18મી સદીમાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
મેઘાલયનાં ગામો – ‘વાદળોની ભૂમિ’ તરીકે ઓળખાતું આ સ્થળ શાંત, તાજગીપૂર્ણ પર્વતોના રાજ્ય તરીકે જાણીતું છે. એક બીજાને છેદીને ઉપર બહાર નિકળતી અહિંની પર્વતમાળા, ઊંડા કોતરો અને ખીણ પ્રદેશો નાટ્યાત્મક ચિત્રનું સર્જન કરે છે. આ રાજ્યમાં ઓર્કિડ (શતાવરી) ની 300 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. આ રાજ્ય પ્રાણી સૃષ્ટિથી પણ સમૃધ્ધ છે. ભારતના પ્રવાસનના નકશામાં મેઘાલય તથા તેના સુંદર સ્થળોનો કોઈ અલગ પરિચય આપવાની જરૂર નથી.
મોફલંગ – આ સુંદર ખીણ પ્રદેશ તેના વન વિસ્તારને કારણે જાણીતો છે. તે કુદરતના પોતાના મ્યુઝિયમ સમાન છે અને અનોખી વનસ્પતિ સૃષ્ટિનો અહિં જે ખજાનો જોવા મળે છે તેવો દુનિયાના કોઈ ભાગમાં ઉપલબ્ધ નથી. અહિંની સ્થાનિક ખાસી જાતિ વૃક્ષોને ખૂબ જ પવિત્ર ગણે છે અને તેમની માવજત કરે છે. આ ખાસી જાતિ વન્ય સુરક્ષાનો 500 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. ડેવિડ સ્કોસ્ટ ટ્રેઈલ તરીકેનો વિસ્તાર અહિંયા ટ્રેકીંગ ઝોન તરીકે જાણીતો છે અને મેઘાલયની નયનરમ્ય ભૂમિ વચ્ચેથી પસાર થતા ઝરણાંઓ, ખડકો, જંગલ અને સ્થાનિક ગામડાંઓ અદ્દભૂત સૌંદર્યનું દર્શન કરાવે છે.
કોંગથોંગ – આ ગામને વ્હિસલીંગ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે. અહિંયા દરેક ગામનું નામ એવું હોય છે કે જેનો ઉચ્ચાર વ્હિસલ વડે થઈ શકે છે. જ્યાર કોઈ બાળક જન્મે છે ત્યારે માતા તેનું નામ વ્હિસલથી ઉચ્ચાર થઈ શકે તેવું નામ આપે છે. આ પરંપરા અહિંયા યુગોથી જાણીતી છે.
જાકરેમ – શિલોંગ- માયકરવાટ માર્ગ ઉપર શિલોંગથી 64 કી.મી. દૂર આવેલું આ સ્થળ ગંધકના ગરમ પાણીના ઝરાને કારણે જાણીતું છે. આ ઝરાંનું પાણી તબીબી ગુણધર્મો ધરાવે છે. જાકરેમ હવે સક્ષમ હેલ્થ રિસોર્ટ તરીકે વિકસ્યું છે અને તે રાફ્ટીંગ, હાઈકીંગ અને સાયક્લીંગ જેવી તેની સાહસિક પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે.
નોન્ગરીયાટ – આ ગામ જીવંત રૂટ બ્રીજને કારણે જાણીતું છે. અહિંનો પૂલ મોટા જાડા મૂળિયાથી બનેલો છે, જેની ઉપરથી સેંકડો લોકો એક સાથે પસાર થઈ શકે છે. આ બ્રીજ ખૂબ જ ઉપયોગી છે અને તે 500 થી 600 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. આ ડબલ ડેકર જીવંત રૂટ બ્રીજ તમામ રૂટ બ્રીજમાં સૌથી મોટો ગણવામાં આવે છે અને અહિંયા સર્જાતું મેઘ ધનુષ સુંદર ધોધના પ્રદેશ અદ્દભૂત સૌંદર્ય દર્શાવે છે.
શોનોનપડેંગ - મેઘાલયની જૈનિશિયા પર્વતમાળા વચ્ચે આવેલું આ સુંદર ગામ તેની પવિત્ર ઉમંગો નદીના કારણે જાણીતું છે. આ ઉમંગો નદી તેના સુંદર અને સ્વચ્છ પાણીને કાણે જાણીતી છે. અહિંનું પાણી એટલું ચોખ્ખું છે કે ખૂબ ઉંચીથે પણ તળિયા સુધી જોઈ શકાય છે. તેમાં હોડી ચાલે ત્યારે હોડી હવામાં તરતી હોય તેવો આભાસ થાય છે.
જોવાઈ – જૈનિશિયા પર્વતિય જીલ્લામાં આવેલું આ સ્થળ તેના કુદરતી સૌંદર્યને કારણે જાણીતું છે અને આ વિસ્તાર તેની પગદંડીઓને કારણે પણ જાણીતો છે. તેની ત્રણેય બાજુએ મિંતડુ નદી આવેલી છે. અહિંનો શિયાળો ખૂબ જ ઠંડો હોય છે તથા ઉનાળો અત્યંત ખુશનુમા હોય છે. આ સૌંદર્ય ખાસી અને જૈનિશિયા પર્વતમાળાની સાથે સાથે સળંગ જોવા મળે છે. અહિંયા નાર્ટીંગ બજારની આસપાસ નાના મોટા રંગીન પત્થરો મળી આવે છે. અહિંનું દુર્ગા મંદિર પૂજાના સ્થળ તરીકે જાણીતું છે. અહિંનો કરંગ સૂરી ધોધ આ જીલ્લામાં સૌથી સુંદર ધોધ તરીકે વખણાય છે.
પ્રવાસન મંત્રાલયે ભારતના વિવિધ શહેરો અને પ્રદેશ વેબીનાર મારફતે દર્શાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ વેબીનાર યુ ટ્યુબ ચેનલ ઉપર ઈન્ક્રેડીબલ ઈન્ડિયા અને મંત્રાલયની વેબસાઈટ www.incredibleindia.org અને www.tourism.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે. "પૂર્વોત્તર ભારત- વિશિષ્ઠ ગામડાંનો અનુભવ કરો" વિષયે યોજાયેલ આ વેબીનારમાં 3,654 લોકો સામેલ થયા હતા અને તેમાં નીચેના દેશોમાંથી પણ લોકોએ ભાગ લીધો હતોઃ
- અફઘાનિસ્તાન 2. કેનેડા 3. ફ્રાન્સ, 4. જર્મની 5. પાકિસ્તાન, 6. સિંગાપુર, 7. સ્પેન, 8. થાઈલેન્ડ, 9. યુનાઈટેડ કીંગડમ અને 10. યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા (યુએસએ).
GP/DS
(Release ID: 1618215)
Visitor Counter : 329