સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
સરકાર MSMEs ને ચુકવણીમાં વિલંબની સમસ્યાનું સમાધાન કરવા અલગ યોજના પર કામ કરી રહી છેઃ શ્રી નીતિન ગડકરી
Posted On:
24 APR 2020 6:59PM by PIB Ahmedabad
કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ(MSME), માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે, સરકાર એમએસએમઇની ચુકવણીમાં વિલંબની સમસ્યાઓનું સમાધાન કરવા અલગ યોજના પર કામ કરી રહી છે, જેમાં એમએસએમઈને ચુકવણી માટે અલગ ફંડ ઊભું કરવામાં આવશે.
એમએસએમઈને ચુકવણીમાં વિલંબ પર ગડકરીએ જણાવ્યું હતું કે, તમામ પ્રયાસો તાત્કાલિક ચુકવણી માટે કરવામાં આવશે અને તમામ સરકારી વિભાગો આ પ્રકારની દિશામાં કામ કરી રહ્યાં છે.
તેઓ એમએસએમઈ પર કોવિડ-19ની અસર પર એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયા (એસોચેમ)ના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી.
જ્યારે સરકારે કેટલાંક ઔદ્યોગિક ક્ષેત્રોને કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી છે, ત્યારે શ્રી ગડકરીએ અપીલ કરી હતી કે, ઉદ્યોગોએ એ સુનિશ્ચિત કરવાની જરૂર પડશે કે કોવિડ-19ના પ્રસારનું નિવારણ કરવા જરૂરી નિવારણાત્મક પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે ભાર મૂક્યો હતો કે, કંપનીઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે, તેમના કામદારો અને એક્ઝિક્યુટિવ્સને ભોજન, રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્થાનિક ઉત્પાદન સાથે વિદેશમાંથી આયાતી ચીજવસ્તુઓને સ્થાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે ઉદ્યોગસાહસોને ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે, સંશોધન, નવીનતા અને ગુણવત્તામાં સુધારો ઔદ્યોગિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
મંત્રીએ યાદ અપાવ્યું હતું કે, જાપાનની સરકારે ચીનમાંથી જાપાનીઝ રોકાણને બહાર કાઢવા અને અન્ય સ્થળે ખસેડવા માટે એના ઉદ્યોગોને વિશેષ પેકેજ ઓફર કર્યું છે. તેમણે અભિપ્રાય રજૂ કર્યો હતો કે, આ ભારત માટે તક છે, જેને ઝડપી લેવી જોઈએ.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ગ્રીન એક્સપ્રેસ હાઇવે શરૂ થઈ ગયો છે અને આ ઔદ્યોગિક વસાહતો, ઔદ્યોગિક પાર્કો, લોજિસ્ટક પાર્કોમાં ભવિષ્યનું રોકાણ કરવા ઉદ્યોગો માટે તક છે. તેમણે કહ્યું હતું કે, મેટ્રો શહેરો સિવાયના વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતને વિકસાવવાની જરૂર છે અને આ પ્રકારની દરખાસ્તો સરકાર સમક્ષ રજૂ કરવાની અપીલ કરી હતી.
શ્રી ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંબંધિત તમામ ભાગીદારોએ ખભેખભો મિલાવીને કામ કરવું જોઈએ અને તક ઝડપી લેવી જોઈએ, જેથી જ્યારે કોવિડ-19 કટોકટીનો અંત આવે, ત્યારે આ તકો વાસ્તવિક સ્વરૂપ મેળવે. તેમણે તમામ ક્ષેત્રોને મુશ્કેલીમાં સકારાત્મક અભિગમ જાળવી રાખવાની અપીલ કરી હતી.
પ્રતિનિધિઓએએ રજૂ કરેલા કેટલાંક મુદ્દા અને સૂચનોમાં સામેલ છેઃ વ્યાજમાં માફીની યોજના શરૂ કરવાને પ્રાથમિકતા આપવી, ઉદ્યોગોની કામગીરી શરૂ કરવાની સાથે બજારો ખોલવા, ઉદ્યોગોને વધારે તરલતા પ્રદાન કરવા સાથે સંબંધિત આરબીઆઈની માર્ગદર્શિકાનો અસરકારક અમલ વગેરે.
શ્રી ગડકરીએ પ્રતિનિધિઓના પ્રશ્રોના જવાબ આપ્યા હતા અને સૂચનો માકલવાની વિનંતી કરી હતી તથા તમામને સરકારની મદદ મળશે એવી ખાતરી આપી હતી. તેમણે જાણકારી આપી હતી કે, તેઓ સંબંધિત વિભાગો/ભાગીદારો સમક્ષ મુદ્દા રજૂ કરશે, જેથી વહેલામાં વહેલી તકે સમાધાન મળે.
આ વાતચીત દરમિયાન એસોચેમના પ્રતિનિધિઓએ કોવિડ-19 રોગચાળા વચ્ચે એમએસએમઈના વિવિધ પડકારોનાં સંબંધમાં ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ એમએસએમઈ ક્ષેત્રને જીવંત રાખવા સરકારને સાથસહકાર આપવાની વિનંતી કરી હતી અને થોડાં સૂચનો કર્યા હતા.
GP/DS
(Release ID: 1617999)
Visitor Counter : 184