મંત્રીમંડળ
મંત્રીમંડળે "ભારત કોવિડ-19 આપાતકાલીન પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થા તૈયારી પેકેજ" માટે રૂ.15,000 કરોડની મંજૂરી આપી
Posted On:
22 APR 2020 3:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રિય મંત્રીમંડળે "ભારત કોવિડ-19 આપાતકાલીન પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થા તૈયારી પેકેજ" માટે રૂ. 15,000 કરોડને મંજૂરી આપી છે. આ મંજૂર કરાયેલા ભંડોળનો ઉપયોગ 3 તબક્કાઓમાં કરવામાં આવશે અને વર્તમાન સમયગાળા દરમિયાન કોવિડ-19 આપાતકાલીન પ્રતિભાવ માટે (રૂ. 7,775 કરોડ)ને મંજૂરી આપવામાં આવી છે અને બાકીનું ભંડોળ મિશન આધારિત અભિગમ હેછળ મધ્યમ ગાળા (1- 4 વર્ષ) માટે પુરું પાડવામાં આવશે.
આ પેકેજના મુખ્ય ઉદ્દેશોમાં નિદાન અને કોવિડ-19 સમર્પિત સારવાર એકમો વિકસાવીને ભારતમાં કોવિડ-19નો ફેલાવો ધીમો અને મર્યાદિત કરવો, આવશ્યક તબીબી ઉપકરણો અને ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરૂરી દવાઓની મધ્યસ્થ ખરીદી કરવી, ભવિષ્યમાં રોગચાળાનો ફલાવો અટકાવવા અને તેની તૈયારીમાં સહાયતા માટે સશક્ત રાષ્ટ્રીય અને રાજ્ય આરોગ્ય વ્યવસ્થાનું નિર્માણ કરવું, લેબોરેટરીઓની સ્થાપના કરવી અને નિરીક્ષણ પ્રવૃતિઓનો આધાર તૈયાર કરવો, જૈવ-સુરક્ષા અંગે તૈયારી, મહામારી સંશોધન અને સમુદાયો સાથે સક્રીય સંપર્ક તથા જોખમ સંચાર પ્રવૃતિઓ હાથ ધરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ હસ્તક્ષેપ કામગીરી અને પહેલોનું અમલીકરણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સમગ્રલક્ષી દેખરેખ હેઠળ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અન્ય સંલગ્ન મંત્રાલયોની સહાયતાથી નીચે જેવી પ્રવૃતિઓ શરૂ કરી દીધી છેઃ
- પ્રવર્તમાન આરોગ્ય સુવિધાઓના સશક્તિકરણ માટે કોવિડ સમર્પિત હોસ્પિટલ, કોવિડ સમર્પિત આરોગ્ય કેન્દ્ર અને કોવિડ સમર્પિત સંભાળ કેન્દ્રો વિકસાવવા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોને પેકેજ અંતર્ગત રૂ. 3,000 કરોડનું વધારાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. ક્વૉરેન્ટાઇન, આઇસોલેશન, પરીક્ષણ, સારવાર, રોગ નિયંત્રણ, ચેપમુક્તિ, સામાજિક અંતર અને નિરીક્ષણ પ્રવૃતિઓ માટે વિગતવાર માર્ગદર્શિકાઓ, નિર્દેશો અને સૂચનો જારી કરવામાં આવ્યાં છે. હોટસ્પોટને ઓળખવામાં આવ્યાં છે અને રોગનો ફેલાવો અટકાવવા માટે યોગ્ય રણનીતિનો અમલ કરવામાં આવી રહ્યો છે.
- નિદાનાત્મક લેબોરેટરીઓનું નેટવર્ક વધારવામાં આવ્યું છે અને આપણી પરીક્ષણ ક્ષમતામાં રોજ વધારો કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં રાષ્ટ્રીય TB નાબૂદી કાર્યક્રમ હેઠળ પ્રવર્તમાન વિવિધ રોગ પરીક્ષણ એકમોની ક્ષમતા વધારવામાં આવી રહી છે, કોવિડ-19નું પરીક્ષણ વધારવા માટે 13 લાખ ડાયગ્નોસ્ટિક કીટ્સની ખરીદી માટે ઓર્ડર આપવામાં આવ્યો છે.
- સમુદાય આરોગ્ય સ્વયંસેવકો (આશા) સહિત તમામ આરોગ્ય કર્મચારીઓને "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજઃ કોવિડ-19ની સામે લડી રહેલા આરોગ્ય કામદારો માટે વીમા યોજના" અંતર્ગત આવરી લેવામાં આવ્યાં છે, N95 માસ્ક અને વેન્ટિલેટર, પરીક્ષણ કીટ્સ અને સારવાર માટે દવાઓની ખરીદી મધ્યસ્થ સ્તરે કરવામાં આવી રહી છે.
ખર્ચનો મોટાભાગના હિસ્સાનો ઉપયોગ મજબૂત આપાતકાલીન પ્રતિભાવ વ્યવસ્થાનાનું નિર્માણ કરવા, મહામારી સંશોધન તેમજ એકલ-આરોગ્ય માટે બહુક્ષેત્રીય રાષ્ટ્રીય સંસ્થાઓ અને એકમોને વધુ સશક્ત બનાવવાની સાથે સાથે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે આરોગ્ય વ્યવસ્થાઓને શક્તિશાળી બનાવવા માટે કરવામાં આવશે. આ સાથે સમુદાય સંપર્ક અને જોખમ સંચાર અને અમલીકરણ, વ્યવસ્થાપન, ક્ષમતા નિર્માણ, દેખરેખ અને મૂલ્યાંકન જેવા ઘટકોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને ઉભરી રહેલી પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને પેકેજના વિવિધ ઘટકો અને (રાષ્ટ્રીય આરોગ્ય મિશન, મધ્યસ્થ ખરીદી, રેલવે, આરોગ્ય સંશોધન/ICMR વિભાગ, રોગ નિયંત્રણ માટે રાષ્ટ્રીય કેન્દ્ર) જેવી વિવિધ અમલીકરણ સંસ્થાઓ વચ્ચે સંશાધનોની પુનઃફાળવણી કરવા અધિકૃત કરવામાં આવ્યું છે.
GP/DS
(Release ID: 1617156)
Visitor Counter : 341
Read this release in:
Tamil
,
Bengali
,
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam