નાગરિક ઉડ્ડયન મંત્રાલય

લૉકડાઉનના ગાળા દરમ્યાન સમગ્ર દેશમાં 418 ટન તબીબી પૂરવઠો પહોંચાડવા માટે 247 લાઈફલાઈન ઉડાન ફ્લાઈટસનું સંચાલન કરવામાં આવ્યું

Posted On: 16 APR 2020 7:26PM by PIB Ahmedabad

કોરોના વાયરસ સામેના યુધ્ધમાં અને હબ એન્ડ સ્પોક લાઈફલાઈન સર્વિસીસ માટે દેશના દૂર દૂરના વિસ્તારોમાં તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું કોર ગ્રુપ રચવામાં આવ્યું છે. અંગેની કામગીરી તા.26 માર્ચ, 2020થી શરૂ કરવામાં આવી હતી તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એડીશનલ જનરલ ડિરેક્ટર (મિડીયા) શ્રી રાજીવ જૈને જણાવ્યું હતું. આજે યોજાયેલા પ્રેસ બ્રીફીંગ દરમ્યાન શ્રી રાજીવ જૈને લૉકડાઉનના ગાળા દરમ્યાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયની લાઈફલાઈન ઉડાન પહેલ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં લાઈફલાઈન ઉડાન હેઠળ 247 ફ્લાઈટસનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં એર ઈન્ડિયા, એલાયન્સ એર, આઈએએફ અને પ્રાઈવેટ કેરિયર્સનો કામગીરીમાં સમાવેશ કરાયો હતો. આમાંની 154 ફ્લાઈટસનું સંચાલન એર ઈન્ડિયા અને એલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કાર્ગોની જે હેરફેર કરી હતી તેમાં 418 ટન સામાનનો સમાવેશ થતો હતો. લાઈફલાઈન ઉડાન ફ્લાઈટસે આજ સુધીમાં 2.45 લાખ કી.મી. થી વધુનું અંતર કાપ્યું છે.

 

એર ઈન્ડિયા, એલાયન્સ એર, આઈએએફ અને પ્રાઈવેટ કેરિયર્સે તબીબી પૂરવઠા સહિતની આવશ્યક ચીજો પહોંચાડી હતી. કામગીરીમાં ઉત્તર-પૂર્વ વિભાગ, ટાપુઓના પ્રદેશો તથા પર્વતીય રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એર ઈન્ડિયા અને આઈએએફ દ્વારા મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તર- પૂર્વ અને અન્ય ટાપુ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. પવન હંસ લિમિટેડની હેલિકોપ્ટર સર્વિસીસે જમ્મુ- કાશ્મીર, લદાખ અને ઉત્તર- પૂર્વ વિસ્તારોમાં તબીબી સામાન અને દર્દીઓનું પરિવહન કર્યું હતું.

 

ઈન્ટરનેશનલ સેક્ટરમાં તા.4 એપ્રિલ, 2020 થી શરૂ કરીને ફાર્મા પ્રોડક્ટસ, તબીબી ઉપકરણો અને કોરોના વાયરસ રાહત સામગ્રીના પરિવહન માટે ચીન સાથે એક એર-બ્રીજની સ્થાપના કરવામાં આવી હતી. એર ઈન્ડિયાએ દક્ષિણ એશિયાની અંદર કોલંબોમાં પૂરવઠો પૂરો પાડ્યો હતો.

 

એર ઈન્ડિયાએ કૃષિ ઉડાન કાર્યક્રમ હેઠળ પ્રથમ ફ્લાઈટ મુંબઈ અને લંડન વચ્ચે તા.13 એપ્રિલ, 2020ના રોજ ઉપાડી હતી, જેમાં 29 ટન ફળ અને શાકભાજીને લંડન પહોંચાડ્યા હતા અને 15.6 ટન જનરલ કાર્ગો સાથે પાછી ફરી હતી. બીજી એક ફ્લાઈટ તા.15 એપ્રિલ, 2020ના રોજ કૃષિ ઉડાન પ્રોગ્રામ હેઠળ મુંબઈ અને ફ્રેન્કફર્ટવ વચ્ચે ચલાવવામાં આવી હતી, જેમાં 27 ટન જેટલા મોસમી ફળો અને શાકભાજીને ફ્રેન્કફર્ટ પહોંચાડવામાં આવ્યા હતા. ફ્લાઈટ 10 ટન જનરલ કાર્ગો લઈને પાછી ફરી હતી.

 

GP/DS


(Release ID: 1615517) Visitor Counter : 146