માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
માર્ગ અને વાહનવ્યવહાર ક્ષેત્ર લોકડાઉનના સમયગાળા દરમિયાન સામાન્ય માણસને મદદ કરી રહ્યું છે
Posted On:
17 APR 2020 5:30PM by PIB Ahmedabad
માર્ગ, વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા કોવિદ-19ના કારણે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન માર્ગો ઉપર લોકોને મદદ કરવાની સામાજિક જવાબદારી ઉપાડી લેવામાં આવી છે. ગયા મહિનાની 24મી તારીખે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ સમગ્ર દેશમાં ચારેય બાજુ મંત્રાલયના ફિલ્ડ યુનિટ્સને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ તેમના કારીગરો/ શ્રમિકો ને સામાન્ય જનતાને જરૂરી સહાય પૂરી પાડે.
મંત્રાલયના તમામ ફિલ્ડ એકમો અને NHAI તથા NHIDCLની સંલગ્ન સંસ્થાઓ લોકોની મુશ્કેલીઓને દુર કરવા માટે મદદ કરવા આગળ આવી હતી. દેશના જુદા જુદા અનેક ભાગોમાંથી અહેવાલો આવી રહ્યા છે કે કઈ રીતે લોકોને મોટા પાયે મદદ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં જયારે મોટી સંખ્યામાં લોકોએ આ અઠવાડિયા દરમિયાન પોતાના વતન રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવાનું ચાલુ કર્યું અને તેઓ પોતાના બાળકો અને પરિવારના સભ્યો સાથે સૂર્યના પ્રખર તાપમાં આગળ વધી રહ્યા હતા ત્યારે તેમને થાણે એકમ દ્વારા ભોજન અને પાણી પુરા પાડવામાં આવ્યા હતા. એક સ્થાનિક સેવા ભાવી સંસ્થા ‘સમતા વિચાર પ્રસારક સંસ્થાન’ પણ ખાદ્ય પેકેટોના વિતરણની આ કામગીરીમાં સહયોગ આપવા માટે આગળ આવી હતી.
એ જ રીતે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જીલ્લામાં અનેક શ્રમિકો અને ટ્રકના ડ્રાઈવરો લોકડાઉનના કારણે ધોરીમાર્ગો ઉપર અટવાઈ ગયા હતા. તેમને ભોજન અને પાણી પણ નહોતા મળી રહ્યા. આવી પરિસ્થિતિમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરેટ દ્વારા આ લોકોને ભોજન પૂરું પાડવાની જવાબદારી ઉપાડવામાં આવી હતી. ડાયરેકટરેટના તમામ અધિકારીઓ અને સ્ટાફના સભ્યો દ્વારા એક જવાબદારી સમજીને ઉપાડવામાં આવેલ ઉદારતાનું આ કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે. આ જ પ્રકારની ખબરો ઉત્તરપ્રદેશના ફતેહપુર જીલ્લામાંથી પણ આવી રહી છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો અને ટ્રકના ડ્રાઈવરો અટવાઈ ગયા હતા અને રસ્તા ઉપરના ભોજનાલયો બંધ હોવાના કારણે તેમની પાસે ભોજનની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. સ્થાનિક ફિલ્ડ ઓફીસ આવા સમયે આગળ આવી અને તે લોકોને ભોજન તથા પાણી પૂરું પાડ્યું.
તમિલનાડુના ત્રિચી જીલ્લામાં NHAIની પેટ્રોલિંગ ટીમને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંખ્યા 45 ઉપર પાલુર ખાતે પાંચ લોકો મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક ભોજન અને પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી અને તેમને તેમની સુરક્ષા માટે ફેસ માસ્ક પણ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને નજીકની આશ્રય શિબિરમાં લઇ જવામાં આવ્યા હતા કે જ્યાં તેમની આજ સુધી સારસંભાળ લેવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં વર્ધાના NHAI કમિશનર લોકડાઉન શરુ થયું ત્યારથી 50 લોકોને આશ્રય પૂરું પાડી રહ્યા છે. રસ્તા પરની રેસ્ટોરન્ટ બંધ થઇ ગઈ હોવાના કારણે જરૂરી ફરજો ઉપર રહેલા ડ્રાઈવરો અને ચાલકોને ભોજન અને પાણી મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે આ લોકોને સામાજિક અંતર અને સ્વચ્છતા જાળવવાનું ધ્યાન રાખીને નિયમિત રીતે ભોજન, પાણી અને હાથ ધોવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
GP/DS
(Release ID: 1615501)
Visitor Counter : 204