સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
GOMએ કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને વ્યવસ્થાપન માટે કામગીરીની સમીક્ષા કરી
ઉકેલની સમયસર ઉપલબ્ધતા ચાવીરૂપ છેઃ GOM
ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 સાથે સંબંધિત હેલ્થકેર પડકારોને પૂર્ણ કરવા તાત્કાલિક ઉકેલ પ્રદાન કરવા પર ભાર મૂક્યો; ઉત્પાદનમાં ગુણવત્તાયુક્ત અને પ્રમાણભૂત ધારાધોરણો જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું
Posted On:
17 APR 2020 5:30PM by PIB Ahmedabad
આજે નિર્માણભવનમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 પર મંત્રીઓનાં જૂથ (જીઓએમ)ની 12મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાગરિક ઉડ્ડયનમંત્રી શ્રી હરદીપ એસ પુરી, વિદેશમંત્રી શ્રી એસ જયશંકર, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી નિત્યાનંદ રાય, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય જહાજ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયા અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે, નીતિ આયોગનાં સભ્ય (આરોગ્ય) ડૉ. વિનોદ કે પૉલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવત ઉપસ્થિત હતાં.
મંત્રીઓના જૂથ (જીઓએમ)એ કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન પર વિસ્તૃત ચર્ચા કરી હતી. જીઓએમએ અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી કામગીરી, નિવારણાત્મક વ્યૂહરચના તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગની વર્તમાન સ્થિતિ તથા કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં રાખવા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા કડક પગલાં વિશે પણ ચર્ચા થઈ હતી. જીઓએમને જાણકારી આપવામાં આવી હતી કે, તમામ જિલ્લાઓને કોવિડ-19નો સામનો કરવા તેમની કટોકટીની યોજના તૈયાર કરવા અને મજબૂત થવા કહેવાયું છે. રાજ્યની ક્ષમતા વધારવા અન્ય કેટલાંક પગલાઓમાં સમર્પિત કોવિડ-19 સેન્ટર/હોસ્પિટલો ઊભી કરવી, પીપીઇ, વેન્ટિલેટર્સ અને અન્ય આવશ્યક ઉપકરણ વગેરે સાથે તબીબી સંસ્થાઓને સજ્જ કરવા જેવા પગલાં સામેલ છે. રાજ્યોને માર્ગદર્શિકા મુજબ કોવિડ-19 કેન્દ્રો/હોસ્પિટલોની ઓળખ કરવા પણ જણાવવામાં આવ્યું છે.
જીઓએમને જાણકારી આપવામાં આવી હતી કે, અત્યાર સુધી મૃત્યુદર આશરે 3 ટકા છે, ત્યારે રિકવરી દર આશરે 12 ટકા છે, જે અન્ય મોટા ભાગનાં દેશોની સરખામણીમાં સારો છે તથા દેશમાં ક્લસ્ટર મેનેજમેન્ટ અને નિયંત્રણની વ્યૂહરચનાની સાથે લોકડાઉનની સકારાત્મક અસર તરીકે લઈ શકાશે. જીઓએમએ હોટસ્પોટ અને ક્લસ્ટમર મેનેજમેન્ટ માટે વ્યૂહરચના સાથે દેશભરમાં ટેસ્ટિંગ કિટની ઉપલબ્ધતા અને ટેસ્ટિંગ કરવાની વ્યૂહરચનાની પણ સમીક્ષા કરી હતી. જીઓએમને જાણકારી આપવામાં આવી હતી કે, 170 જિલ્લાઓને રેડ ઝોન (હોટસ્પોટ) તરીકે મૂકવામાં આવ્યાં છે, જેમાંથી 123માં મોટા પાયે રોગચાળો ફેલાયો છે અને 47 જિલ્લાઓમાં ક્લસ્ટર્સ સાથે રોગચાળો છે. ક્લસ્ટર્સ સાથે 207 નોન-હોટસ્પોટ જિલ્લાઓ છે અને 353 જિલ્લાઓને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યાં છે, જેમાં એક પણ કેસ નથી. જો છેલ્લાં 14 દિવસમાં એક પણ કેસ નવો નોંધાયો ન હોય, તો પછી રેડ ઝોન જિલ્લાને ઓરેન્જ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે અને પછી 14 દિવસમાં એક પણ કેસ નહીં નોંધાય તો તેને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવશે.
જીઓએમને ભરતીની સામે પીપીઈ, માસ્ક, વેન્ટિલેટર, દવાઓ અને અન્ય આવશ્યક ઉપકરણની પર્યાપ્તતા અને ઉપલબ્ધતા વિશે જાણકારી આપવામાં આવી હતી. જીઓએમને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, પીપીઇના ઉત્પાદન માટે સ્થાનિક ઉત્પાદકોની ઓળખ કરવામાં આવી છે અને ઓર્ડર્સ આપવામાં આવ્યાં છે. ઉપરાંત વેન્ટિલેટર્સ માટેનાં ઓર્ડર પણ આપવામાં આવ્યાં છે. જીઓએમને કોવિડ-19 માટે હાલ પરીક્ષણ કરતી સરકારી અને ખાનગી પ્રયોગશાળાઓની સંખ્યા તથા આ પ્રયોગાશાળાઓના નેટવર્ક દ્વારા દરરોજ હાથ ધરવામાં આવતા પરીક્ષણોની સંખ્યા વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી), બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી) અને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઇઆર)એ જીઓએમ સમક્ષ કોવિડ-19 માટે નિદાન, દવાઓ અને રસીના વિકાસ પર વિસ્તૃત રજૂઆત પણ કરી હતી તેમજ એવી જાણકારી પણ આપી હતી કે, તેઓ આઇસીએમઆર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે કોવિડ-19ના ઉકેલ શોધવા અને વ્યવસ્થાપનને ટેકો આપવા ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં સીએસઆઇઆરના ડીજી ડો. શેખર સી માંડે અને સીએસઆઇઆરની અન્ય પ્રયોગશાળાઓનાં ડાયરેક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં સીએસઆઇઆર અને એની સાથે સંલગ્ન 38 પ્રયોગશાળાએ લીધેલા પગલાં વિશે જાણકારી મેળવવામાં આવી હતી. જીઓએમએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, ઉકેલની સમયસર ઉપલબ્ધતા ચાવીરૂપ છે.
જીઓએમના અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને સૂચના આપી હતી કે, પીપીઇ, માસ્ક, વેન્ટિલેટર અને અન્ય ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં ગુણવત્તા અને ધારાધોરણો સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરવું જોઈએ. તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે, જ્યારે પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટરનું ઉત્પાદન કરવામાં આવે, ત્યારે ગુણવત્તાનાં ધારાધોરણો/આચારસંહિતા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે, તો ઉત્પાદકો સામે કડક કામગીરી હાથ ધરી શકાશે.
ડૉ. હર્ષવર્ધને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કઈ વ્યક્તિએ કયા પ્રકારનો માસ્ક પહેરવો જોઈએ અને કઈ વ્યક્તિએ પીપીઇનો ઉપયોગ કરવો જોઈએ એ અંગે વિગતવાર સલાહ અને માર્ગદર્શિકા મંત્રાલયની વેબસાઇટ પર મૂકવી જોઈએ તથા આ સંબંધમાં આઇસીઇ અભિયાનો દ્વારા જાગૃતિ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઇસોલેશન કોવિડ-19 સામે સૌથી અસરકારક ઉપાયો છે તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન તેમણે દરેકને અંગત સ્વચ્છતા જાળવવા અને શ્વાસોશ્વાસની આચારસંહિતાને અનુસરવા અપીલ કરી હતી.
આ બેઠકમાં શ્રીમતી પ્રીતી સુદાન, સચિવ (એચએફડબલ્યુ), શ્રી રવિ કપૂર, સચિવ (ટેક્સટાઇલ), શ્રી પ્રદીપ સિંઘ ખરોલા, સચિવ (નાગરિક ઉડ્ડયન), શ્રી પી ડી વાઘેલા, સચિવ (ફાર્માસ્યુટિકલ્સ), ડો. રેણુ સ્વરૂપ, સચિવ, બાયો-ટેકનોલોજી, પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ડો. શેખર સી માંડે, ડાયરેક્ટર જનરલ, સીએસઆઇઆર અને સચિવ, ડીએસઆઇઆર, શ્રી સંજીવ કુમાર, વિશેષ સચિવ (આરોગ્ય), શ્રી અનિલ મલિક, અધિક સચિવ (ગૃહ મંત્રાલય), શ્રી આનંદ સ્વરૂપ, ડીજી, આઇટીબીપી, ડો. રાજીવ ગર્ગ, ડીજીએચએસ, ડો. રામન આર ગંગાખેડકર, રોગચાળો અને ચેપી રોગોના વડા, આઇસીએમઆર અને શ્રી લાલ અગ્રવાલ, સંયુક્ત સચિવ (એમઓએચએફડબલ્યુ)ની સાથે સેના, આઇટીબીપી, ફાર્મા, ડીજીસીએ અને ટેકસ્ટાઇલ મંત્રાલયોમાંથી અધિકારો પણ હાજર હતા.
કોવિડ-19 પર સંબંધિત કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં હેલ્પલાઇન નંબર પર કોલ કરોઃ +91-11-23978046 અથવા 1075 (ટોલમુક્ત). કોવિડ-19 પર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી અહીં પણ ઉપલબ્ધ છે https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
GP/DS
(Release ID: 1615495)
Visitor Counter : 188
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam