સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ્સ

Posted On: 15 APR 2020 6:32PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે તેમના રાષ્ટ્રજોગ સંદેશમાં ઉલ્લેખ કર્યા અનુસાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશો માટે વિગતવાર દિશાનિર્દેશો બહાર પાડ્યા છે.

કોવિડ-19ના વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને, દેશના દરેક જિલ્લાને નીચે દર્શાવ્યા અનુસાર વિભાજિત કરવામાં આવ્યા છે:

  • હોટસ્પોટ જિલ્લા,
  • કેસ નોંધાયા હોય તેવા નોન-હોટસ્પોટ જિલ્લા અને
  • ગ્રીન ઝોન જિલ્લા

આ હોટસ્પોટ જિલ્લાના મુખ્ય માપદંડ અનુસાર આ એવા જિલ્લા છે જ્યાં વધુ કેસો છે અને હજુ પણ નોંધાઇ રહ્યા છે અથવા કેસમાં વૃદ્ધિ થવાનો દર વધારે છે એટલે કે, કેસ બમણા થવાનો દર વધુ છે.

કેબિનેટ સચિવે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ મુખ્ય સચિવો, આરોગ્ય સચિવો, DGP, જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો, SP, CMO અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોના અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. સમીક્ષા બેઠક દરમિયાન હોટસ્પોટ અને નિયંત્રણ વ્યૂહરચના અંગે વિગતવાર દિશામાન નક્કી કરવામાં આવ્યું હતું. વધુમાં, મોટાપાયે ઉપદ્રવ નિયંત્રણ વ્યૂહરચના અને કલ્સ્ટર નિયંત્રણ વ્યૂહરચના અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નિયંત્રણ વ્યૂહરચનામાં કેવી રીતે ચેપગ્રસ્ત ઝોન અને બફર ઝોન નિર્ધારિત કરવા તે દર્શાવવામાં આવ્યું હતું. આ ચેપગ્રસ્ત ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાય બાકીની કોઇપણ પ્રકારના આવન-જાવન અને પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. ચેપગ્રસ્ત ઝોનમાં સેમ્પલિંગ માપદંડો અનુસાર વિશેષ ટીમ દ્વારા કેસો પર સક્રિય રીતે દેખરેખ રાખવામાં આવશે અને સર્વેક્ષણ કરવામાં આવશે. આ ઝોનમાં, નમૂનાઓ એકત્રીત કરીને તેનું પરીક્ષણ કરવામાં આવશે. વધુમાં, બફર ઝોનમાં ILI (ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી) કેસો અને SARI (અતિ ગંભીર શ્વસન બીમારી)નું પરીક્ષણ તમામ આરોગ્ય સુવિધાઓના યોગ્ય દિશામાન સાથે કરવામાં આવશે.

તમામ સંપર્કો ટ્રેસ કરવા માટે તેમજ ઘરે ઘરે સર્વેક્ષણ કરવા માટે વિશેષ ટીમો તૈયાર કરવામાં આવશે. આ ટીમોમાં આરોગ્ય સ્ટાફ, સ્થાનિક મહેસુલ સ્ટાફ, કોર્પોરેશનનો સ્ટાફ, રેડ ક્રોસ, NSS, NYK અને અન્ય સ્વયંસેવકોને સમાવવામાં આવશે.

જિલ્લાઓને પણ નીચે દર્શાવ્યા અનુસાર હોસ્પિટલોનું વર્ગીકરણ કરવા માટે કહેવામાં આવ્યું છે:

  • સામાન્ય અથવા એકદમ હળવા કેસો માટે કોવિડ સંભાળ કેન્દ્રો
  • જેમાં ઓક્સિજન સપોર્ટની જરૂર હોય તેવા તબીબી રીતે મધ્યમ કેસો માટે કોવિડ આરોગ્ય કેન્દ્રો અને
  • વેન્ટિલેટર સપોર્ટ સાથે ગંભીર અને જટિલ કેસો માટે કોવિડ સમર્પિત હોસ્પિટલો

રાજ્યો અને જિલ્લાઓને વિશેષરૂપે પુષ્ટિ થયેલા કોવિડ પોઝિટીવ દર્દીઓના તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવાયું છે. AIIMS કૉલ સેન્ટરો સાથે સહયોગ દ્વારા, દરેક દર્દીના તબીબી વ્યસ્થાપનની દેખરેખ જિલ્લા સ્તરે દરરોજ રાખવામાં આવશે. ફાર્માસ્યુટિકલ હસ્તક્ષેપ ઉપરાંત, જિલ્લાઓને બિન ફાર્માસ્યુટિકલ હસ્તક્ષેપમાં સામાજિક અંતર, હાથ ધોવા અને સફાઇ રાખવાના મહત્વ અંગે પ્રચાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

જે જિલ્લામાં હજુ સુધી કોઇ જ કેસ નથી નોંધાયો તેમને પણ કલ્સ્ટર નિયંત્રણ પ્લાન પર કામ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સંક્રમણની સાંકળ તોડવા માટે, સંપર્ક ટ્રેસિંગ, દેખરેખ અને તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન આપવાની જરૂર છે. સમગ્ર દેશમાં તમામ રાજ્યોને દરેક જિલ્લામાં એકસમાન રીતે નિયંત્રણ પ્લાનનો અમલ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

ઑનલાઇન તાલીમ સામગ્રી iGOT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જે કોવિડ-19 પર કામ કરી રહેલા સ્ટાફની ક્ષમતા નિર્માણમાં મદદ કરશે. રાજ્યોને આ સહકાર લેવા માટે પણ કહેવામાં આવ્યું છે.

ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1076 કેસો નોંધાયા છે જેથી દેશમાં કોવિડ-19ના કુલ 11,439 પોઝિટીવ કેસોની પુષ્ટિ થઇ છે અને 377 દર્દીનાં મૃત્યુ થયાં છે. અત્યાર સુધીમાં 1306 દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.



(Release ID: 1614818) Visitor Counter : 257