ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

લૉકડાઉન દરમિયાન ખેડૂતો અને ખેતીને સૌથી વધુ પ્રાથમિકતા આપો – ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્ર અને રાજ્યોને કહ્યું


કૃષિ ઉત્પાદકો અને ગ્રાહકોના હિતોની સુરક્ષા કરો – ઉપરાષ્ટ્રપતિ


સીધા જ ખેડૂતો પાસેથી કૃષિ ઉત્પાદનોની ખરીદી માટે APMC અધિનિયમમાં ફેરફાર કરવાનું સૂચન આપ્યું

ઉપરાષ્ટ્રપતિએ સરકારોને કહ્યું કે, રાજ્ય/ જિલ્લા સરહદો પર કોઇપણ અવરોધ વગર કૃષિ ઉત્પાદનોનું સરળ પરિવહન થાય તે સુનિશ્ચિત કરો

લૉકડાઉન દરમિયાન ખેડૂતોને પડી રહેલી સમસ્યાઓ અંગે ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે ચર્ચા કરી

ખેડૂતોની મદદ માટે સરકારે લીધેલા પગલાં અંગે કૃષિ મંત્રીએ ઉપરાષ્ટ્રપતિને માહિતગાર કર્યા

Posted On: 15 APR 2020 5:53PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે કેન્દ્ર અન રાજ્ય સરકારોને કહ્યું હતું કે, લૉકડાઉનના સમય દરમિયાન ખેડૂતો અને ખેતીવાડીને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવે અને સલાહ આપી હતી કે, આ સમય દરમિયાન ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ કૃષિ ઉત્પાદનોનું પરિવહન સરળતાથી થાય તે માટે સુવિધા પૂરી પાડવામાં આવે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર સાથે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે આજે વાર્તાલાપ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ કૃષિ ક્ષેત્રની સુરક્ષા માટે કૃષિ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, ઉત્પાદકો અને ગ્રાહકો બંનેના હિતોની આ સમયમાં સુરક્ષા કરવામાં આવે.

શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, “કૃષિ ક્ષેત્રના ઉત્પાદકો સંગઠિત નથી અને અવારનવાર તેમની વાતો સાંભળવામાં આવતી નથી. તેમના હિતોનું રક્ષણ કરવું એ સરકારની ફરજ છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આમ તો મુખ્યત્વે આ રાજ્યોની ફરજમાં આવે છે તેમ છતાં, કેન્દ્ર સરકારે સમયાંતરે આ સંબંધે તેમને માર્ગદર્શન આપવું જોઇએ અને મદદ કરવી જોઇએ.

ઝડપથી બગડી જાય તેવા ઉત્પાદનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ઝડપથી બગડી જાય તેવા ઉત્પાદનોના સંગ્રહ અને માર્કેટિંગ માટે વિશેષ કાળજી લેવી જરૂરી છે. તેમણે સૂચન કર્યું હતું કે, APMC અધિનિયમમાં અનુકૂળ ફેરફાર કરવો જોઇએ જેથી ખેડૂતો પાસેથી સીધી જ કૃષિ ઉત્પાદનોની ખરીદી કરી શકાય જેથી કોઇપણ વ્યક્તિને આવશ્યકપણે બજારમાં જવાની જરૂર ન રહે. શ્રી નાયડુએ ઉમેર્યું હતુંકે, તેનાથી ફળ, શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનો ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઇ શકશે.

કૃષિ ઉત્પાદનોનું પરિવહન સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવાની જરૂર છે તે વાત પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ સત્તામંડળોને કહ્યું હતું કે, તેઓ સુનિશ્ચિત કરે કે આવા પરિવહનમાં કોઇપણ પ્રકારનો અવરોધ ન આવે. વર્તમાન લણણીની મોસમનો ઉલ્લેખ કરતા તેમણે ખેતી સંબંધિત મશીનરી અને ઉપકરણોની મુક્ત હેરફેર થાય તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું.

ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંની વિગતો કૃષિ મંત્રીએ તેમને આપી હતી. શ્રી તોમરે કહ્યું હતું કે, કેન્દ્રીય કૃષિ મંત્રાલય તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે નીકટતાથી સંકલન કરીને કામ કરી રહ્યું છે અને ઉપરાષ્ટ્રપતિને ખાતરી આપી હતી કે, સરકાર આ કટોકટીના સમયમાં ખેડૂતોને મદદ માટે તમામ જરૂરી પગલાં લેશે.



(Release ID: 1614776) Visitor Counter : 175