રેલવે મંત્રાલય
રેલવેએ 23 માર્ચથી અત્યાર સુધીમાં અંદાજે 6.75 લાખ વેગન જીવન જીરૂરી વસ્તુઓનું પરિવહન કર્યું જેમાં અંદાજે 4.50 લાખ વેગનમાં ખાદ્યાન્ન, મીઠું, ખાંડ, ખાદ્યતેલ, કોલસો અને પેટ્રોલિયમ ઉત્પાદનો જેવી ચીજો લઇ જવામાં આવી
છેલ્લા એક અઠવાડિયામાં 2.5 લાખથી વધુ વેગનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લોડ કરવામાં આવી જેમાં 1.55 લાખથી વધુ વેગન આવશ્યક વસ્તુઓ પણ સામેલ
લૉકડાઉન દરમિયાન દેશના તમામ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડવાના રેલવેના અવિરત પ્રયાસો; કૃષિ, રસાયણ અને ખાતર, અન્ન અને જાહેર વિતરણ જેવા વિવિધ મંત્રાલયો સાથે નજીકથી સહયોગ સાધીને મોટાપાયે કામગીરી કરી જેથી આવશ્યક ચીજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય
Posted On:
10 APR 2020 4:56PM by PIB Ahmedabad
દેશમાં કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન ઉભા થતા પડકારો અને વિપરિત સ્થિતિઓના વ્યવસ્થાપન માટે સરકારના પ્રયાસો વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવે દ્વારા સતત આ સમય દરમિયાન પોતાની માલવહન સેવાઓ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓને જથ્થો પૂરો પાડવાની કામગીરી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્યોમાં અને આંતરરાજ્યમાં ખેત પેદાશોનું પરિવહન કોઇપણ અવરોધ વગર થાય તે સુનિશ્ચિત કરવા ઉપરાંત આવશ્યક વસ્તુના પૂરવઠાની સાંકળ એકધારી જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
23 માર્ચ 2020થી અત્યાર સુધીમાં રેલવે તંત્રએ અંદાજે 6.75 લાખ જીવન જરૂરી ચીજોના જથ્થાનું પરિવહન કર્યું છે જેમાં અંદાજે 4.50 લાખ વેગન ખાદ્યાન્ન, મીઠું, ખાંડ, ખાદ્યતેલ, કોલસો અને પેટ્રોલિયમ ઉત્પાદન જેવી વસ્તુઓ પણ સામેલ છે. 2 થી 8 એપ્રિલ, 2020 દરમિયાન એક સપ્તાહમાં રેલવેએ કુલ 258503 વેગન જીવન જરૂરી ચીજોના જથ્થાની ડિલિવરી કરી છે જેમાંથી 155512 વેગન આવશ્યક વસ્તુઓ હતી. આમાં 21247 વેગન ખાદ્યાન્ન, 11336 વેગન ખાતર, 124759 વેગન કોલસો અને 7665 વેગન પેટ્રોલિયમ ઉત્પાદનો હતા.
અહીં યાદ રહે કે, કેન્દ્ર સરકારે કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે લાગુ કરવામાં આવેલા 21 દિવસના લૉકડાઉનના સંદર્ભમાં કૃષિ અને સંબંધિત ક્ષેત્રોને સંખ્યાબંધ મુક્તિ અને રાહતો આપી છે જેથી ખેડૂતોને કોઇપણ પ્રકારે વિપરિત સ્થિતિનો સામનો ન કરવો પડે. દરમિયાન, રસાયણ અને ખાતર મંત્રાલયના ખાતર વિભાગે આગામી ખરીફ મોસમ દરમિયાન ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી રહે તે માટે તમામ પ્રયાસો હાથ ધર્યા છે. ખાતર વિભાગ ખાતરના ઉત્પાદન, હેરફેર અને ઉપલબ્ધતા પર ખૂબ નજીકથી દેખરેખ રાખી રહ્યો છે અને રાજ્ય સરકારો તેમજ રેલવે મંત્રાલય સાથે પણ આ સંદર્ભે સતત સંપર્કમાં રહે છે. કોવિડ-19ના કારણે અમલી લૉકડાઉન વચ્ચે રેલવે તંત્ર પણ ભારતીય અન્ન નિગમ (FCI) સાથે ખૂબ નજીકથી કામ કરી રહ્યું છે અને 24 માર્ચથી અત્યાર સુધીમાં 800થી વધુ રેકમાં 20 લાખ મેટ્રિક ટનથી વધુ ખાદ્યાન્નનો જથ્થો સમગ્ર દેશના વિવિધ ભાગોમાં પહોંચાડ્યો છે. FCI સમગ્ર દેશમાં મોટાભાગે રેલવેના માધ્યમથી ઘઉં અને ચોખાનો પૂરવઠો પહોંચાડવામાં વધુ ઝડપ કરીને ખાદ્યાન્નની વધુ વધતી માંગને પહોંચી વળવા માટે સજ્જ છે.
રેલવેએ બગડી શકે તેવા બાગાયતી ઉત્પાદનો, બિયારણ, દુધ અને ડેરી ઉત્પાદનો સહિત આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા માટે 109 ટાઇમ-ટેબલ પાર્સલ ટ્રેનોની પણ શરૂઆત કરી છે. લૉકડાઉનની શરૂઆત થઇ ત્યારથી પાર્સલ વિશેષ ટ્રેન માટે અંદાજે 59 રૂટ (109 ટ્રેન) સૂચિત કરવામાં આવ્યા છે. આ સાથે, ભારતના લગભગ તમામ મહત્વના શહેરો આવશ્યક ચીજવસ્તુઓ અને બગડી શકે તેવી વસ્તુઓના ઝડપી પરિવહન માટે એકબીજા સાથે જોડાયેલા રહેશે. આ સેવાઓમાં ભવિષ્યમાં જરૂરિયાત અનુસાર વધારો કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અંતર્ગત આપેલા આદેશમાં, ખાદ્યચીજો, દવાઓ અને તબીબી ઉપકરણો જેવી આવશ્યક ચીજોના સંદર્ભમાં ઉત્પાદકો/ ઉત્પાદન, પરિવહન અને અન્ય સંબંધિત પૂરવઠા સાંકળની પ્રવૃત્તિઓને મંજૂરી આપી છે.
(Release ID: 1613013)
Visitor Counter : 185
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada