સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

GoMએ કોવિડ-19નાં વ્યવસ્થાપન માટે વર્તમાન સ્થિતિ અને કામગીરીની સમીક્ષા કરી


ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 સાથે સંબંધિત અફવાઓ ટાળવા આરોગ્ય મંત્રાલય અને સંબંધિત અધિકૃત વેબસાઇટની સુલભતા પર ભાર મૂક્યો

Posted On: 09 APR 2020 5:54PM by PIB Ahmedabad

આજે નિર્માણ ભવનમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 પર મંત્રીઓના જૂથ (જીઓએમ)ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી હરદીપ એસ પુરી, વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી નિત્યાનંદ રાય, રાજ્ય કક્ષાનાં જહાજ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે ઉપરાંત નીતિ આયોગનાં સભ્ય (આરોગ્ય) ડો. વિનોદ કે પૉલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપીન રાવત ઉપસ્થિત હતા.

મંત્રીઓના જૂથ (જીઓએમ)એ કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન પર વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. જીઓએમએ અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી કામગીરી, નિયંત્રણની વ્યૂહરચના તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાના અમલની સ્થિતિ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં લેવા માટે હાથ ધરેલી કડક કામગીરી પર પણ ચર્ચા થઈ હતી. જીઓએમને જાણકારી આપવામાં આવી હતી કે, તમામ જિલ્લા વહીવટીતંત્રોને કોવિડ-19નો સામનો કરવા તેમની કટોકટીની યોજનાઓ સાથે તૈયાર રહેવા અને એને મજબૂત કરવા જણાવવામાં આવ્યું છે. રાજ્યની ક્ષમતા વધારવા અન્ય કેટલાંક પગલાઓમાં સમર્પિત કોવિડ-19 હોસ્પિટલો ઊભી કરવી, પીપીઇ, વેન્ટિલેટર્સ અને અન્ય આવશ્યક ઉપકરણ વગેરે સાથે તબીબી સંસ્થાઓને સજ્જ કરવા જેવા પગલાં સામેલ છે. રાજ્યોને માર્ગદર્શિકા મુજબ કોવિડ-19 કેન્દ્રો/હોસ્પિટલોની ઓળખ કરવા પણ જણાવવામાં આવ્યું છે.

જીઓએમએ પરીક્ષણની વ્યૂહરચનાની સમીક્ષા પણ કરી હતી તથા હોટસ્પોટ અને ક્લસ્ટર મેનેજમેન્ટ માટે વ્યૂહરચના સાથે દેશભમાં પરીક્ષણની કિટની ઉપલબ્ધતા અંગે વિચારણા કરી હતી. જીઓએમને પીપીઇ, માસ્ક, વેન્ટિલેટર, દવાઓ અને અન્ય આવશ્યક ઉપકરણની જરૂરિયાત સામે પર્યાપ્તતા અને ઉપલબ્ધતાના સંબંધમાં જાણકારી આપવામાં આવી હતી. જીઓએમને જાણકારી આપવામાં આવી હતી કે, પીપીઇના ઉત્પાદન માટે સ્થાનિક ઉત્પાદકોની ઓળખ કરવામાં આવી છે અને ઓર્ડર્સ આપવામાં આવ્યાં છે. ઉપરાંત વેન્ટિલેટર્સ માટેનાં ઓર્ડર પણ આપવામાં આવ્યાં છે. જીઓએમને કોવિડ-19 માટે હાલ પરીક્ષણ કરતી સરકારી અને ખાનગી પ્રયોગશાળાઓની સંખ્યા તથા આ પ્રયોગાશાળાઓના નેટવર્ક દ્વારા દરરોજ હાથ ધરવામાં આવતા પરીક્ષણોની સંખ્યા વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી. જીઓએમએ પ્રધાનંમત્રી ગરીબ કલ્યાણ યોજનાના અમલીકરણની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. જીઓએમએ મંત્રીઓ અને સક્ષમ જૂથોની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

જીઓએમના અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દરેક નાગરિકોને હાલની આરોગ્યલક્ષી કટોકટીની સ્થિતિમાં મોખરે રહીને કામગીરી અદા કરતાં અને કોવિડ-19માં લોકોનો જીવ બચાવવા માટે કાર્યરત ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આપણે અફવાઓ કે બિનઅધિકૃત માહિતી ફેલાવવાનું પણ ટાળવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ (www.mohfw.gov.in), આઇસીએમઆર (www.icmr.nic.in), પીઆઇબી (www.pib.gov.in) અને કેન્દ્રીય મંત્રાલયો કોવિડ-19 પર માહિતીના અધિકૃત સ્રોતો છે તથા કોવિડ-19 સાથે સંબંધિત કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા એની સુલભતા જરૂરી છે, પછી એ ટેકનિકલ મુદ્દાઓ હોય, માર્ગદર્શિકા હોય, સલાહ હોય અને વ્યવસ્થાપન હોય. મંત્રાલયની વેબસાઇટ અધિકૃત છે અને નાગરિકો, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, હોસ્પિટલો અને અન્ય પક્ષો માટે માહિતીનો સંપૂર્ણ સ્ત્રોત છે. તેમણે ઉમેર્યું હતું કે, કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ પૂછપરછ માટે technicalquery.covid19[at]gov[dot]in પર ઇમેલ મોકલી શકાશે.

ડૉ. હર્ષવર્ધને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કઈ વ્યક્તિએ કયા પ્રકારનો માસ્ક પહેરવો જોઈએ અને કઈ વ્યક્તિએ પીપીઇનો ઉપયોગ કરવો જોઈએ એ અંગે વિગતવાર સલાહ અને માર્ગદર્શિકા મંત્રાલયની વેબસાઇટ પર મૂકવી જોઈએ તથા આ સંબંધમાં આઇસીઇ અભિયાનો દ્વારા જાગૃતિ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઇસોલેશન કોવિડ-19 સામે સૌથી અસરકારક ઉપાયો છે તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન તેમણે દરેકને અંગત સ્વચ્છતા જાળવવા અને શ્વાસોશ્વાસની આચારસંહિતાને અનુસરવા અપીલ કરી હતી.

આ બેઠકમાં શ્રીમતી પ્રીતી સુદાન, સચિવ (એચએફડબલ્યુ), શ્રી રવિ કપૂર, સચિવ (ટેક્સટાઇલ), શ્રી પ્રદીપ સિંઘ ખરોલા, સચિવ (નાગરિક ઉડ્ડયન), શ્રી સી કે મિશ્રા, સચિવ (પર્યાવરણ, વન અને આબોહવામાં ફેરફાર), શ્રી પી ડી વાઘેલા, સચિવ (ફાર્માસ્યુટિકલ્સ), શ્રી સંજીવ કુમાર, વિશેષ સચિવ (આરોગ્ય), શ્રી અનિલ મલિક, અધિક સચિવ (ગૃહ મંત્રાલય), શ્રી કે રાજારામન, અધિક સચિવ (આર્થિક બાબતો), ડો. રાજીવ ગર્ગ, ડીજીએચએસ, શ્રી અમિત યાદવ, ડીજી (ડીજીએફટી), ડો. રામન ગંગાખેડકર, રોગચાળો અને ચેપી રોગોના વડા, આઇસીએમઆર તથા શ્રી લાલ અગ્રવાલ, સંયુક્ત સચિવ (એમઓએચએફડબલ્યુ)ની સાથે સેના, આઇટીબીપી, ફાર્મા, ડીજીસીએ અને ટેકસ્ટાઇલ મંત્રાલયોમાંથી અધિકારો પણ હાજર હતા.

કોવિડ-19 પર સંબંધિત કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં હેલ્પલાઇન નંબર પર કોલ કરોઃ +91-11-23978046 અથવા 1075 (ટોલમુક્ત). કોવિડ-19 પર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી અહીં પણ ઉપલબ્ધ છે https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

GP/RP

*****



(Release ID: 1612666) Visitor Counter : 356