વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ ઔદ્યોગિક અને વ્યાપારી સંગઠનો સાથે બેઠક યોજી; તેમની સમસ્યાઓ ઉકેલવા માટે મંત્રાલય કામ કરી રહ્યું હોવાની ખાતરી આપી

Posted On: 09 APR 2020 6:02PM by PIB Ahmedabad

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના વિવિધ ઔદ્યોગિક અને વ્યાપારી સંગઠનો સાથે બેઠક યોજીને પાયાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને કોવિડ-19 તેમજ તેના પગલે લાગું કરવામાં આવેલા લૉકડાઉનના કારણે તેમને પડતી સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અને રેલવે મંત્રી શ્રી પીયૂષ ગોયલ, રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશ તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઔદ્યોગિક સંગઠનોએ છેલ્લા કેટલાક દિવસોની પરિસ્થિતિ અને લૉકડાઉનના અમલની જાહેરાત પછી સ્થિતિમાં થયેલી પ્રગતી અને તે પછી યોજવામાં આવેલી આવી બેઠકો વિશે માહિતી આપી હતી. તેમણે રોકડની ખેંચતાણ, ઓર્ડરો રદ થવા, શ્રમિકોની અછત, રાજ્ય અને જિલ્લા સત્તાધિશો દ્વારા આપવામાં આવતા વિવિધ સરકારી આદેશોના કારણે કામમાં થતા અલગ અલગ વિક્ષેપ, રસ્તા પર ટ્રકો અધવચ્ચે ફસાઇ જવી, સ્પેરપાર્ટ્સ મેળવવામાં થતી સમસ્યાઓ વગેરે અલગ-અલગ મુદ્દા ઉઠાવ્યા હતા. સાથે-સાથે, તેમણે એવી પણ માહિતી આપી હતી કે, છેલ્લા એક પખવાડિયામાં પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે આથી IT ઉદ્યોગ પાયાના સ્તરેથી લગભગ 95% સુધી પર આવી શક્યો છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, CSR પ્રવૃત્તિઓ હેઠળ, ઉદ્યોગજગત અને વ્યાપારીઓ દ્વારા શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ અને સામુદાયિક રસોડા જેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે, શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, અર્થતંત્ર અને આજીવિકા પર પડતા ભારણથી તેને સુરક્ષિત રાખવા જરૂરી છે પરંતુ દેશમાં અત્યારે લોકોનો જીવ બચાવવો એ સૌથી મોટી પ્રાથમિકતા છે. પરિસ્થિતિનું યોગ્ય આકલન કર્યા પછી લૉકડાઉન અંગેનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે પરંતુ આ સમય દરમિયાન સ્થિતિ સુધારવામાં જે સફળતા મળી છે તેને હવે ઉતાવળે કોઇપણ નિર્ણય લઇને ગુમાવી શકાય નહીં. તેમણે એ બાબતે પણ બધાનું ધ્યાન દોર્યું હતું કે, કેટલાક રાજ્યો લૉકડાઉન લંબાવવા પર વિચાર કરી રહ્યા છે. શ્રી ગોયલે કહ્યું હતું કે, ઉદ્યોગજગતે પ્રોટોકોલ અને પ્રક્રિયાઓ વિકસાવીને સમસ્યા માટે પ્રમાણબદ્ધ અને વ્યવહારુ અભિગમ અપનાવવાનો છે જેનાથી તેમને ઉત્પાદકતા અને કાર્યદક્ષતા વધારવામાં મદદ મળશે અને તેમના કર્મચારીઓ તેમજ હિતધારકોના સ્વાસ્થ્ય સાથે પણ કોઇ બાંધછોડ કરવાની જરૂર નહીં પડે. તેમણે કહ્યું કે, “મને લાગે છે કે, આપણે ઇચ્છાઓની યાદીઓ બનાવવાના બદલે વધુ વધુ વ્યવહારુ અભિગમ સાથે વિચારવાનું શરૂ કરવાની જરૂર છે.”

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, માલસામાનની હેરફેર અને આયાત-નિકાસ સંબંધિત સમસ્યાઓ ઉકેલવા માટે મંત્રાલય પહેલાંથી જ કામ કરી રહ્યું છે અને ઉદ્યોગો તેમજ વ્યાપારીઓને પડી રહેલી સમસ્યાઓ અંગે અન્ય મંત્રાલયો સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી રહી છે. મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, શ્રમિકો તાજેતરમાં સ્થળાંતરિત થયા છે તેઓ કોવિડ-19ના કેસો નોંધવાના ઘટવા લાગશે એટલે તુરંત પાછા આવવા લાગશે. કેટલાક ચોક્કસ સહભાગીઓએ ઉદ્યોગો માટે રાહત પેકેજની વહેલા જાહેરાત કરવાની માગ કરતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, આ સંદર્ભે મળેલા પ્રતિભાવો નાણાં મંત્રાલય સક્ષમ વિચાર અર્થે મોકલવામાં આવ્યા છે અને તેઓ સંતુલિત તેમજ નાજુકાઇ ભર્યો અભિગમ અપનાવશે તેવી શક્યતા છે. શ્રી ગોયલે વિવિધ સંગટનોના સભ્યો દ્વારા સમાજ માટે કરવામાં આવતી માનવતાવાદી પ્રવૃત્તિઓ બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે સંગઠનોને કહ્યું હતું કે, તેઓ પોતાના સભ્યો અને અન્ય લોકોને આરોગ્ય સેતૂ ઍપ ઇન્સ્ટોલ કરવા માટે પ્રોત્સાહિત કરે કારણ કે કોવિડ-19 સામેની લડાઇમાં તેને ખૂબ અસરકારક ટેકનોલોજીકલ ટૂલ માનવામાં આવે છે.

આ બેઠકમાં CII, FICCI, ASSOCHAM, ICC, લઘુ ઉદ્યોગ ભારતી, FISME, NASSCOM, PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, SIAM, ACMA, IMTMA, IEEMA, CAIT અને FAMEના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


(Release ID: 1612625) Visitor Counter : 414