પર્યાવરણ અને વન મંત્રાલય

નેશનલ પાર્ક / અભયારણ્યો / ટાઇગર રિઝર્વ્સમાં કોવિડ-19ને નિયંત્રણમાં લેવા અને સારવાર સંબંધિત માર્ગદર્શિકા

Posted On: 06 APR 2020 7:17PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19ના પ્રસાર અને ન્યૂયોર્કમાં કોવિડ-19નો ચેપ એક વાઘને લાગ્યો હોવાના તાજેતરનાં સમાચારને ધ્યાનમાં રાખીને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે નેશનલ પાર્ક / અભયારણ્ય / ટાઇગર રિઝર્વ્સમાં કોવિડ-19ના નિયંત્રણ અને સારવારના સંબંધમાં માર્ગદર્શિકા જાહેર કરી છે, કારણ કે એવું માનવામાં આવે છે કે, નેશનલ પાર્ક / અભયારણ્યો / ટાઇગર રિઝર્વ્સમાં પ્રાણીઓ વચ્ચે વાયરસનાં પ્રસારની સંભાવના છે અને મનુષ્યમાંથી પ્રાણીઓમાં અને પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ચેપ લાગવાની સંભાવના છે.

માર્ગદર્શિકામાં તમામ રાજ્ય સરકારો / કેન્દ્રશાસિત પ્રદેશોના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન્સને જણાવ્યું છે કેઃ

  1. નેશનલ પાર્ક / અભયારણ્યો / ટાઇગર રિઝર્વ્સમાં વાઇરસનો પ્રસાર અને સંક્રમણ માનવમાંથી પ્રાણીમાં અને પ્રાણીમાંથી મનુષ્યમાં અટકાવવા તાત્કાલિક નિવારણાત્મકતા પગલાં લેવા.
  2. વન્યજીવોનાં જીવનમાં માનવીય હસ્તક્ષેપ ઘટાડવો.
  3. નેશનલ પાર્ક / અભયારણ્યો / ટાઇગર રિઝર્વ્સમાં લોકોની અવરજવરને મર્યાદિત કરવી.
  4. ફિલ્ડ મેનેજર્સ, વેટેરિનરી ડૉક્ટરો, ફ્રન્ટલાઇન સ્ટાફ સાથે ટાસ્ક ફોર્સ / રેપિડ એક્શન ફોર્સ બનાવવી, જેથી શક્ય એટલી ઝડપથી સ્થિતિને સંભાળી શકાય.
  5. કોઈ પણ ધ્યાનમાં આવેલા કેસોની ઝડપી સારવાર કરવા નોડલ ઓફિસર સાથે સતત રિપોર્ટિંગ વ્યવસ્થા ઊભી કરવી.
  6. પ્રાણીઓની ઇમરજન્સી સારવાર માટે આવશ્યક સેવાઓ સ્થાપિત કરવી અને જ્યાં અને જ્યારે જરૂર પડે, ત્યારે તેમને સલામત રીતે છોડીને તેમને કુદરતી આવાસમાં પરત મોકલવા.
  7. વિવિધ વિભાગો વચ્ચે સંકલિત પ્રયાસો દ્વારા રોગ સર્વેલન્સ, મેપિંગ અને મોનિટરિંગ સિસ્ટમ સુનિશ્ચિત કરવા.
  8. નેશનલ પાર્ક / અભયારણ્યો / ટાઇગર રિઝર્વ્સમાં અને એની આસપાસ સ્ટાફ / પ્રવાસીઓ / ગ્રામીણજનોની અવરજવરમાં આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા અન્ય તમામ નિર્દશો જાળવવા.
  9. વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવા અન્ય શક્ય પગલાં લેવા.
  10. આ મંત્રાલયની કામગીરી પર રિપોર્ટ બનાવવો.

 

RP

***



(Release ID: 1611831) Visitor Counter : 253