ગૃહ મંત્રાલય
સમગ્ર દેશમાં તબીબી ઓક્સિજનનો પૂરવઠો સરળતાથી અને ઝંઝટ વગર પહોંચે તેના પર વિશેષ ધ્યાન આપવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને કહ્યું
Posted On:
06 APR 2020 5:47PM by PIB Ahmedabad
સમગ્ર દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો સરળતાથી પહોંચી રહે તેના ભાગરૂપે, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો હતો કે, તબીબી ઓક્સિજનનો જથ્થો સરળતાથી અને ઝંઝટ વગર પહોંચી રહે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવે. કોવિડ-19 મહામારીના કારણે દેશમાં તબીબી ઓક્સિજનનો પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે મહત્વપૂર્ણ જરૂરિયાત છે અને તબીબી ઓક્સિજનને રાષ્ટ્રીય યાદી અને WHO દ્વારા તૈયાર કરાયેલી આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં પણ સામેલ છે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા દેશમાં કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે ભારત સરકારના તમામ મંત્રાલયો/ વિભાગો, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના સત્તાધિશોએ લેવાના લૉકડાઉન સંબંધિત પગલાં અંગે એકીકૃત માર્ગદર્શિકા 24.03.2020ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ 25.03.2020, 26.03.2020, 02.04.2020 અને 03.04.2020ના રોજ તેમાં ઉમેરાના પરિશિષ્ટ બહાર પાડવામાં આવ્યા છે.
એકીકૃત માર્ગદર્શિકા અનુસાર, તબીબી ઉપકરણોના ઉત્પાદન એકમો, તેમના કાચ માલના એકમો અને મધ્યસ્થીઓ; તેની પેકેજિંગ સામગ્રીના ઉત્પાદન એકમો; આવશ્યક ચીજવસ્તુઓ અને તબીબી વસ્તુઓના પૂરવઠાકારો અને તેની હેરફેરના સંસાધનો, કામદારો તેમજ હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ અને વિસ્તરણ સંબંધિત સામગ્રીને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, 3 એપ્રિલ 2020નાં રોજ તમામ રાજ્યો સાથે થયેલા સંદેશાવ્યવહાર અનુસાર, મુક્તિ આપેલી તમામ ચીજોના પૂરવઠાની સાંકળનું કામ સરળતાથી થાય તે માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં કર્મચારીઓની આંતરરાજ્ય મુસાફરીને પણ સમાવી લેવામાં આવી છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, ગૃહ સચિવે લૉકડાઉન માપદંડો અંગે બહાર પાડવામાં આવેલી એકીકૃત માર્ગદર્શિકાની વિવિધ જોગવાઇઓ અંતર્ગત મુક્તિઓ અંગે પુનરોચ્ચાર અને સ્પષ્ટીકરણ કર્યું હતું જે નીચે દર્શાવ્યા અનુસાર છે:
તબીબી ઓક્સિજન ગેસ/પ્રવાહી, તબીબી ઓક્સિજન સિલિન્ડર, પ્રવાહી ઓક્સિજનના સંગ્રહ માટે ક્રાયોજેનિક ટેન્ક, પ્રવાહી ક્રાયોજેનિક સિલિન્ડર, પ્રવાહી ઓક્સિજન ક્રાયોજેનિક પરિવહન ટેન્ક, એમ્બિએન્ટ વેપોરાઇઝર અને ક્રાયોજેનિક વાલ્વ, સિલિન્ડર વાલ્વ અને ઍક્સેસરીના તમામ ઉત્પાદન એકમો;
ઉપરોક્ત ચીજવસ્તુઓનું પરિવહન;
ઉપરોક્ત ચીજવસ્તુઓની જમીન સરહદેથી બહાર હેરફેર;
ઉપરોક્ત ઉલ્લેખ કરેલી વસ્તુઓના ઉત્પાદન એકમોનો કામદારો અને તેમના પરિવહન સંબધિત કામદારોને તેમના ઘરેથી ફેક્ટરી સુધી જવા માટે અને પરત આવવા માટે મંજૂરી આપવામાં આવે/ પાસ ઇશ્યુ કરવામાં આવે જેથી ફેક્ટરી તેની પૂર્ણ ક્ષમતાએ ચાલી શકે તે સુનિશ્ચિત થાય.
આ સંદેશાવ્યહારમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે, ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓમાં લૉકડાઉન માપદંડોમાં દર્શાવ્યા અનુસાર સામાજિક અંતર અને યોગ્ય સ્વચ્છતાની આદતોનું અચુક પાલન થવું આવશ્યક છે. આ જવાબદારી જે-તે સંસ્થા/એકમના વડાની રહેશે કે તેઓ આવા માપદંડોનું પાલન થાય તે સુનિશ્ચિત કરે. જિલ્લા અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ આનો ચુસ્ત અમલ કરાવે. વધુમાં, આ સંદેશાવ્યવહારમાં ભારપૂર્વક કહેવાયું હતું કે, જિલ્લા અધિકારીઓ અને ફિલ્ડ એજન્સીઓ ઉપરોક્ત બાબતો માટે ચુસ્ત અનુપાલન, ખાસ કરીને તબીબી ઓક્સિજનના પૂરવઠા સંદર્ભે જાગૃત રહે.
(Release ID: 1611754)
Visitor Counter : 287
Read this release in:
Assamese
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam