સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને AIIMS ઝજ્જરની મુલાકાત લીધી, કોવિડ-19માંથી બહાર આવવા માટેની તૈયારીઓ વિશે માહિતી મેળવી


“લૉકડાઉન અને સામાજિક અંતર: કોવિડ-19 વિરુદ્ધ અસરકારક સામાજિક રસી છે”

AIIMS ઝજ્જર કોવિડ-19 માટેની વિશેષ હોસ્પિટલ તરીકે કામ કરશે

Posted On: 05 APR 2020 6:07PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે ઝજ્જર ખાતે આવેલી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ની મુલાકાત લઇને કોવિડ-19માંથી બહાર આવવા માટે અહીં કરવામાં આવેલી તમામ તૈયારીઓની માહિતી મેળવી હતી.

ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, AIIMS ઝજ્જર કોવિડ-19 માટે એક સમર્પિત હોસ્પિટલ તરીકે કામ કરશે જેમાં 300 બેડ, આઇસોલેશન વૉર્ડની સુવિધાઓ હોવાથી અદ્યતન તબીબી સપોર્ટમાં આઇસોલેશનની જરૂર હોય તેવા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવાનું સુનિશ્ચિત થઇ શકશે. આ સમીક્ષા મુલાકાત દરમિયાન તેમણે પોતાના વર્ગમાં શ્રેષ્ઠ સ્તરની આ ઇમારતમાં વિવિધ સુવિધાઓની મુલાકાત લીધી હતી જેમાં કોવિડ-19ના દર્દીઓ માટે આઇસોલેશન સુવિધા, વિશ્રામ સદન, ડૉક્ટરો અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે રહેણાંક ક્વાર્ટર્સ વગેરે પણ તૈયાર કરવામાં આવ્યા છે. પોતાની આ મુલાકાત દરમિયાન તેમણે કોવિડ-19થી અસરગ્રસ્ત કેટલાક દર્દીઓ સાથે ફોન પર વીડિયો કૉલિંગની મદદથી વાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે AIIMS ઝજ્જરમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે તેમના પ્રતિભાવો પણ માંગ્યા હતા જેથી જરૂર જણાય ત્યાં ફેરફારો કરવામાં મદદ મળી શકે.

AIIMS ઝજ્જર દ્વારા કોવિડ-19ના પુષ્ટિ થયેલા દર્દીઓ અને શંકાસ્પદ દર્દીઓની સુખાકારી માટે તેમન પર ડિજિટલ પ્લેટફોર્મ અને વીડિયો/વૉઇસ કૉલ ટેકનોલોજીની મદદથી સતત દેખરેખ રાખવામાં આવતી હોવાથી ડૉ. હર્ષવર્ધને આ કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસમાં, કોવિડ-19 સામેની લડાઇમાં હોસ્પિટલોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મેં AIIMS (દિલ્હી), LNJP, RML, સફદરગંજ અને હવે AIIMS ઝજ્જરની મુલાકાત લીધી છે. આ કસોટીના સમયમાં આપણા સ્વાસ્થ્ય યોદ્ધાઓનું ઉચ્ચ મનોબળ જોઇને ખરેખર દિલને રાહત થાય છે.” આ મહામારી સામે અસરકારક રીતે લડવા માટે આ તમામ હોસ્પિટલો દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે પોતે સંતુષ્ટ હોવાનું જણાવીને તેમણે કહ્યું હતું કે, નર્સો, ડૉક્ટરો અને અન્ય તમામ સ્વાસ્થ્ય સંભાળ કર્મચારીઓ સહિત અગ્ર હરોળમાં રહીને સેવા આપી રહેલા તમામ લોકો કોવિડ-19નો સામનો કરવા માટે મક્કમતા, સખત પરિશ્રમ, સમર્પણ અને કટિબદ્ધતા દાખવી રહ્યા છે.

દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે થતા ખરાબ વ્યવહારના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયે આવી ઘટનાઓની નોંધ લીધી છે અને સંબંધિત સત્તાધીશોને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અંતર્ગત આકરા પગલાં લેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, “હવે આપણા ડૉક્ટરો અને સ્વાસ્થ્ય સંભાળ કર્મચારીઓ નિર્ભય થઇને કામ કરી શકે છે કારણ કે, સરકાર પોતાની પૂરી તાકાત સાથે તેમની જોડે ઉભી છે.” તેમણે કહ્યું કે, ડૉક્ટર, નર્સો અને અન્ય સ્વાસ્થ્ય સંભાળ કર્મચારીઓ વર્તમાન લડાઇમાં આપણો આદર, મદદ અને સહકાર મેળવવા માટે હકદાર છે.

વધુમાં મંત્રી ડૉ. હર્ષવર્ધને ઉમેર્યું હતું કે, દેશમાં કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપનની કામગીરી પર સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે અને રાજ્યો સાથે સંકલન કરીને વિવિધ પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે, માનનીય પ્રધાનમંત્રી નિયમિત ધોરણે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના સંબંધિત મંત્રાલયો/વિભાગોના ટોચના અધિકારીઓ પાસેથી પરિસ્થિતની દેખરેખ અને સમીક્ષા કરી રહ્યા છે.

ડૉ. હર્ષવર્ધને ભારતના તમામ દેશવાસીઓને વિનંતી કરી હતી કે, કોવિડ-19ના ફેલાવાની સાંકળને તોડવા માટે તમામ લોકો લૉકડાઉનનો શબ્દશઃ ચુસ્ત અમલ કરે અને તેને અસરકારક વિખંડન તરીકે ગણે. તેમણે ઉમેર્યું હતું કે, “આ ઘાતક વાયરસ સામે સમગ્ર દુનિયા દિવસ-રાત અવિરત મહેનત કરીને રસી શોધી રહી છે પરંતુ હજુ સુધી કોઇ સફળતા મળી નથી. આપણે લૉકડાઉન અને સામાજિક અંતરના સંયોજનને જ કોવિડ-19 સામે અસરકારક સામાજિક રસી માનીને તેનો ઉકેલ લાવવો પડશે.”

PPE, N95 માસ્ક અને વેન્ટિલેટર્સની ઉપલબ્ધતા અંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “દેશમાં ભવિષ્યના સમયમાં જો જરૂર પડશે તો વધતી જરૂરિયાતને પહોંચી વળવા માટે આનો પૂરતો ઓર્ડર આપી દીધો છે.”

માનનીય પ્રધાનમંત્રીએ આ બીમારી સામે દેશની એકતા બતાવવા માટે અને દેશને અંધકારમાંથી ઉજાસ તરફ લાવવા માટે રાત્રે નવ વાગે લાઇટ્સ બંધ કરીને દીવો પ્રગટાવવા માટે અપીલ કરી હતી તેને ધ્યાનમાં રાખીને તેમણે લોકોને વિનંતી કરી હતી કે, દરેક દેશવાસી રાત્રે નવ વાગે જરૂર દીવો પ્રગટાવે.

RP

*****


(Release ID: 1611470) Visitor Counter : 153