માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’એ કોવિડ-19ના સંદર્ભમાં વીડિયો કોન્ફરન્સથી દેશભરના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ સાથે વાતચીત કરી


કેન્દ્રીય મંત્રીએ ‘સ્વયં – SWAYAM’ અને અન્ય ડિજિટલ સાધનોના માધ્યમથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રાખવા પર ભાર મૂક્યો

શ્રી પોખરીયાલે ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને ઓનલાઈન પરીક્ષા અંગે સૂચનો આપવા માટે ઇગ્નુના કુલપતિ પ્રૉ. નાગેશ્વર રાવની અધ્યક્ષતામાં સમિતિ રચવાની જાહેરાત કરી

Posted On: 04 APR 2020 9:39PM by PIB Ahmedabad

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ આજે (04 એપ્રિલ, 2020) નવી દિલ્હીમાં દેશના તમામ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોના કુલપતિઓની સાથે કોવિડ-19ના સંદર્ભમાં નીચે આપેલા મુદ્દાઓ પર ચર્ચા કરી:

  1. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને વિશ્વવિદ્યાલયના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે કરવામાં આવનાર ઉપાયો
  2. વિશ્વવિદ્યાલયમાં શારીરિક અંતર અને એકાંતના નિર્દેશોનું યોગ્ય રીતે પાલન
  3. વિશ્વવિદ્યાલયમાં કોવિડ-19ના શંકાસ્પદ મામલાની તપાસ માટેની જોગવાઈ
  4. વિદ્યાર્થીઓના શિક્ષણને યથાવત ચાલુ રાખવા માટેની વ્યવસ્થા
  5. માનસિક સ્વાસ્થ્યને લગતા પડકારો સામે લડવા માટે વ્યવસ્થા
  6. તમામ કર્મચારીઓ (સ્થાયી, અસ્થાયી અને દૈનિક વેતન)ના પગાર અંગેની સમસ્યાઓનો ઉકેલ
  7. ઇનોવેશન, શોધ અને સંશોધન વિષે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને અવગત કરાવવા અંગેની પહેલ
  8. કોવિડ-19ને લગતા સંશોધન

ચર્ચા દરમિયાન તમામ વિશ્વવિદ્યાલયોએ એ બાબતની ખાતરી ઉચ્ચારી હતી કે આ સંકટની ક્ષણમાં બધા લોકો સાથે મળીને આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે તત્પર છે. વિશ્વવિદ્યાલયમાં જે વિદ્યાર્થીઓ રહી ગયા છે તેમના ભોજન પાણી અને માનસિક સ્વાસ્થ્યનું બરાબર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય અને અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયે 40 પથારીવાળા જુદા ઓરડાનું નિર્માણ કર્યું છે. મોટા ભાગના વિશ્વવિદ્યાલયોમાં ડિજિટલ માધ્યમથી અભ્યાસ ચાલુ છે જેથી શૈક્ષણિક સત્રોમાં વિલંબ ન થાય. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ તમામ કુલપતિઓને આદેશ જાહેર કર્યા છે કે તેઓ આ સંબંધમાં પોતાની ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સ્વયં – SWAYAM અનેસ્વયં પ્રભા - SWAYAM PRABHAનો મિશન મોડમાં વધુમાં વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે અને અન્ય ઓનલાઈન ડિજિટલ માધ્યમો દ્વારા પણ વિદ્યાર્થી અને શિક્ષક પોતાના શૈક્ષણિક કાર્યક્રમો ચાલુ રાખે. શ્રી નિશંકે ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને ઓનલાઈન પરીક્ષા અંગે સૂચનો આપવા માટે ઇગ્નુના કુલપતિ પ્રૉ. નાગેશ્વર રાવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી.

એ જ રીતે બધા જ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓના સતત શિક્ષણ અને સ્વર્ણિમ ભવિષ્ય માટે યુજીસીના નેતૃત્વમાં એક એકેડમિક કેલેન્ડર કમિટી, કે જે શૈક્ષણિક સત્રોમાં મોડું ન થાય તેની માટે ઉપાયો સુચવશે, તેની રચના કરવાનો નિર્ણય પણ આદરણીય મંત્રીજી દ્વારા લેવામાં આવ્યો.

વિદ્યાર્થીઓના માનસિક આરોગ્યની ખાતરી કરવા માટે કેન્દ્રીય મંત્રીએ મંત્રાલયના એક સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી કે જે શાળાના વિદ્યાર્થીઓની સાથે સાથે કોલેજો અને યુનીવર્સીટીઓના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને અકબંધ રાખવા માટે જુદા-જુદા કેન્દ્રીય વિદ્યાલયો અને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોની સાથે સંકલન સાધશે.

આઈએમએસબીએચયુ – IMSBHU અને અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિઓને ખાસ કરીને આદરણીય મંત્રીજીએ એવા આદેશ આપ્યા હતા કે તેમના દ્વારા ચલાવવામાં આવી રહેલી હોસ્પિટલોમાં કોઇપણ પ્રકારની કોઈ ખામી ન રહી જાય.

કેટલાક વિશ્વવિદ્યાલયોએ જણાવ્યું કે તેમણે કોવિડ-19 સામે લડવા માટે કેટલાક સંશોધનો હાથ ધર્યા છે કે જે પ્રમાણભૂત સંસ્થાનો દ્વારા મંજૂરી મળ્યા બાદ લોકો સુધી પહોંચાડવામાં આવશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ આ પ્રકારના સંશોધનોને ઝડપી ગતિએ કરવામાં આવે તેવી વિનંતી કરી હતી અને આ પ્રકારના સંશોધનોને દરેક પ્રકારની સહાયતા આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પૂર્વોત્તર રાજ્યોના વિશ્વવિદ્યાલયો પાસેથી ત્યાંની સ્થાનિક પરંપરા અને પદ્ધતિમાં જાણીતી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટેની ટેકનોલોજી અને સારવાર પર પણ સંસોધન કરવા માટેના આદેશો પણ શ્રી નિશંક દ્વારા આપવામાં આવ્યા હતા.

બધા જ વિશ્વવિદ્યાલયોના કુલપતિઓએ જણાવ્યું કે સ્થાયી, અસ્થાયી અને રોજીંદા વેતન ધરાવતા કર્મચારીઓને પગાર ભથ્થું સમયસર આપવામાં આવી રહ્યું છે અને વર્તમાન સમયમાં તેમની ગેરહાજરીના દિવસોમાં પણ પગાર ચૂકવણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીએ તમામ કુલપતિઓને પોતાની સંસ્થાઓ દ્વારા પીએમ કેર ભંડોળમાં વધુમાં વધુ યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. સાથે સાથે જ પ્રધાનમંત્રીજીના આહ્વાહન પર તારીખ 5 એપ્રિલ 2020ના રોજ રાત્રે 9 વાગ્યે 9 મિનીટ માટે ઘરોની બધી લાઈટો બંધ કરી માત્ર દીવડા, મીણબત્તી કરીને અથવા મોબાઇલની ફ્લેશ લાઈટ કરીને કોવિડ-19ના અંધકારને દૂર કરવા માટે ભારતના નાગરિકોના સંકલ્પ અને એકતાને પ્રગટ કરવા માટે પણ શ્રી પોખરીયાલ દ્વારા તમામને અનુરોધ કરવામાં આવ્યો.

આ સિવાય શ્રી નિશંકે તમામને ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ આરોગ્ય સેતુ એપનો ભરપુર ઉપયોગ કરવા માટે જણાવ્યું અને કોવિડ-19ના ફેલાવાને અટકાવવા માટે આયુષ મંત્રાલય દ્વારા સમય સમય પર જાહેર કરવામાં આવેલ દિશા નિર્દેશોનું સમ્યક દૃષ્ટિએ પાલન કરવા ઉપર ભાર મૂક્યો.

અને છેલ્લે કેન્દ્રીય મંત્રીએ તમામ કુલપતિઓને નીચે જણાવેલ મુદ્દાઓ પર ઝડપી પગલા ભરવાના આદેશ આપ્યા:

  1. સમગ્ર ઓનલાઈન શિક્ષણ દ્વારા કુલ નોંધણી સરેરાશ– Gross Enrollment Ratio (GER) વધારવાનો પ્રયાસ
  2. વાંચન ગુણવત્તા અને તેનું સ્તર વધારવા માટે વાંચન પ્રક્રિયાના પ્રયાસો
  3. વિશ્વવિદ્યાલય પરિસરોમાં શિસ્ત જાળવી રાખવા માટેના યોગ્ય ઉપાયો
  4. કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોને જ્ઞાન અને શ્રેષ્ઠતાના કેન્દ્રો તરીકે વિકસિત કરવા માટે જરૂરી વ્યૂહરચના
  5. વર્તમાન આપત્તિ પૂરી થઇ ગયા બાદ સામાન્ય પરિસ્થિતિમાં કરવામાં આવનાર કાર્યોને ઈંગિત કરવા અને તેમની માટે એક સંપૂર્ણ કાર્ય યોજના તૈયાર કરવા માટે અગાઉથી આયોજન.

 

RP

*****



(Release ID: 1611317) Visitor Counter : 222