પ્રવાસન મંત્રાલય

પર્યટન મંત્રાલયે ‘Stranded in India – ભારતમાં નિરાધાર’ પોર્ટલ પર બે દિવસમાં વિદેશી પ્રવાસીઓ પાસેથી મદદ કરવા માટે 500 કરતા વધુ પ્રશ્નો/વિનંતીઓ પ્રાપ્ત કરી

Posted On: 02 APR 2020 4:24PM by PIB Ahmedabad

પર્યટન મંત્રાલય, ભારત સરકારે 31 માર્ચ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ‘Stranded in India – ભારતમાં નિરાધાર’ નામનું એક પોર્ટલ શરુ કર્યું હતું. તેની શરૂઆતના પ્રથમ બે દિવસ દરમિયાન જ તેમાં મદદ માંગવા માટે 500થી વધુ પ્રશ્નો/વિનંતીઓ આવી ચૂકી છે. આ પ્રશ્નોને ઉકેલવા માટે મંત્રાલય વિદેશી બાબતોના મંત્રાલય અને રાજ્ય અધિકારીઓની સહાયતાથી અને સંયુક્ત પ્રયાસો વડે પ્રવાસીઓને સહાયતા પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહી છે. મહેમાનો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓના સંદર્ભમાં સંલગ્ન જે તે દુતાવાસો સાથે પણ મંત્રાલય સંપર્ક સાધી રહ્યું છે.

વિદેશી પ્રવાસીઓ દ્વારા માંગવામાં આવેલી માહિતીની વિનંતીઓમાં મોટા ભાગની વિનંતી તેમના વતન દેશમાં પરત ફરવા મુસાફરી કરવા અંગેની છે અને તેઓ જ્યાં સુધી પાછા ન જઈ શકે ત્યાં સુધી ભારતમાં જ રહેવા માટે વિઝાની અવધિ વધારવા અંગે પણ માગણી કરી રહ્યા છે.

ભારતની અંદર પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ દ્વારા બીજી એક સમસ્યા જેનો તેઓ સામનો કરી રહ્યા છે તે મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો સ્ટેશન સુધી પહોંચવાની છે જેથી કરીને તેઓ જ્યારે લૉકડાઉન પૂર્ણ થાય એટલે તુરંત જ ભારત બહારની ફ્લાઈટ લઇ શકે.

પર્યટન મંત્રાલય આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે રાજ્યના અધિકારીઓ સાથે સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. આકસ્મિક વિનંતીઓ જેવી કે ભોજન, દવા અને વૃદ્ધ પ્રવાસીઓની કાળજી વગેરેને પૂરી કરવામાં આવી રહી છે.

મંત્રાલયનો હોટલ અને રેસ્ટોરન્ટ વિભાગ અનેક હોટલો કે જેઓ આ મહેમાનોને લોકડાઉન દરમિયાન સેવા પૂરી પાડી રહી છે તેમની સાથે સતત સંપર્કમાં છે અને મહેમાનો દ્વારા જો કોઈ સમસ્યા અનુભવાઈ રહી હોય તો તે અંગે જે તે દુતાવાસો સાથે સંપર્ક સાધી રહી છે. હોટલોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પ્રોટોકોલનું પાલન કરે અને દૂતાવાસો દ્વારા જ્યાં સુધી આ મહેમાનોની વિદાય ન થાય ત્યાં સુધી તેમનો પૂરેપૂરી સહાયતા આપે.

પર્યટન મંત્રાલયે વર્તમાન સમયમાં સામે આવી રહેલ સમસ્યાઓને ઉકેલવા માટેએક ટાસ્ક ફોર્સની રચના કરી છે જેમાં કેન્દ્ર સ્તરના અને પ્રાદેશિક સ્તરના તેના અધિકારીઓ અને રાજ્ય પર્યટન વિભાગના તેમના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આસંકલન જૂથ સુગમ માહિતીના પ્રસાર અને સમસ્યાઓના ઝડપી નિકાલ માટે વોટ્સએપ, ઈમેલ્સ અને ટેલીફોનના માધ્યમથી કાર્ય કરી રહ્યું છે.

વર્તમાન સમયમાં મંત્રાલયની 24x7 ટેલીફોન હેલ્પલાઇન 1૩63 છેકે જે પ્રવાસીઓને સાચી અને તાજેતરની માહિતી પૂરી પાડે છે.

વધુ માહિતી માટેstrandedinindia.com અથવા incredibleindia.org ની મુલાકાત લો.

RP

*******



(Release ID: 1610477) Visitor Counter : 160