કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
ડૉ. જીતેન્દ્ર સિંહે દેશના 410 જિલ્લાઓમાં કરવામાં આવેલો રાષ્ટ્રીય કોરોના સજ્જતા સર્વે પ્રસિદ્ધ કર્યો
Posted On:
02 APR 2020 3:17PM by PIB Ahmedabad
કાર્મિક, જાહેર ફરિયાદો અને પેન્શન્સ રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આજે કોવિડ-19 રાષ્ટ્રીય તૈયારી સર્વે પ્રસિદ્ધ કર્યો હતો. આ સર્વેક્ષણમાં જિલ્લા કલેક્ટરો અને આઈએએસ અધિકારીઓના (2014 થી 2018ની બેચના) પ્રતિભાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અહેવાલની નકલ https://darpg.gov.in પર ઉપલબ્ધ છે.
કોરોનાવાયરસ રાષ્ટ્રીય તૈયારી સર્વે દેશના 410 જિલ્લાઓમાં ત્રણ દિવસ હાથ ધરાયો હતો અને એમાં ભારતની સૌથી મોટી આરોગ્ય કટોકટને પહોંચી વળવા માટે વહિવટી પડકારોને કઈ રીતે હલ કરવામાં આવ્યા તે અંગે વિહંગાવલોકન કરવામાં આવ્યું હતું.
આ તૈયારી સર્વેના ઉદ્દેશો
- વિવિધ રાજ્યોમાં કોરોનાવાયરસ તૈયારી અંગે તુલનાત્મક વિશ્લેષણ વિકસાવવું.
- કોરોનાવાયરસ તૈયારીની મુખ્ય અગ્રતાઓ પર પ્રકાશ ફેંકવો, કારણ કે ફિલ્ડમાં કામ કરતા સરકારી અધિકારીઓ દ્વારા તે તૈયાર કરવામાં આવ્યો છે.
- સંસ્થાઓ/લોજીસ્ટીક્સ/હોસ્પિટલ્સ જેવા ક્ષેત્રોમાં હાથ ધરાતી તૈયારીઓનો તાગ મેળવવો.
- પદ્ધતિ અને પ્રક્રિયાલક્ષી ઊણપો ઓળખીને તેની તરાહ પારખવી અને તેનો ભારતના જિલ્લાઓમાં કોરોનાવાયરસ સામેની લડત માટે ઉપયોગ કરવો.
કોરોનાવાયરસ તૈયારી સર્વે ભારતના એવા તમામ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો હતો કે જ્યાં 410 સનદી અધિકારીઓએ ફિલ્ડમાં આગેવાની પૂરી પાડી હતી. જિલ્લા કલેક્ટરો અને આઈએએસ અધિકારીઓ (2014 થી 2018ના બેચના) કે જેમણે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે કામ કર્યું છે તેમણે આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. આ સર્વેક્ષણ તા.25 માર્ચથી શરૂ કરીને ત્રણ દિવસ સુધી ચાલુ રાખવામાં આવ્યું હતું.
ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ તા. 19 માર્ચ, 2020 અને તા. 24 માર્ચ, 2020ના રોજ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં લોકોને તેમની પાસેના દરેક સાધન મારફતે કોરોનાવાયરસને રોકવા અનુરોધ કર્યો હતો. પ્રધાન મંત્રીશ્રીની કટિબદ્ધતાને લોકોને પ્રતિભાવ આપ્યો હતો અને આ વૈશ્વિક રોગચાળા સામે ભારતે લડત આપી હતી. લાખો સનદી અધિકારીઓ, ડૉક્ટરો, નર્સો, હેલ્થ કેર વર્કર્સ, પોલિસ અધિકારીઓ અને સામાન્ય માનવીઓ દેશના ખૂણે-ખૂણે તા. 22 માર્ચ, 2020 થી શરૂ કરીને આજ સુધી લડત આપી રહ્યા છે.
ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કોરોનાવાયરસ અંગેની રાષ્ટ્રીય સજ્જતા અંગેના સર્વેક્ષણમાં ભારતે જે પ્રતિભાવ આપ્યો છે તેમાં સંવાદિતા, ઉપયોગિતા અને દ્રઢ નિશ્ચય જોવા મળ્યો છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે સંકલન કરવામાં આવ્યું હતું, જે આ રોગચાળા સામેની લડતમાં ખૂબ જ અસરકારક નિવડ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સર્વેક્ષણમાં સરકારના પોલિસી એક્શન- જનતા કરફ્યુ, રાષ્ટ્રીય લૉકડાઉન, રૂ.1.7 અબજનું આર્થિક પેકેજ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની જાહેરાતો જેવા પગલાંને અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
ડૉ. જીતેન્દ્ર સિંહે સનદી અધિકારીઓ, ડૉક્ટરો, નર્સો, હેલ્થ સેક્ટરના સ્પેશ્યાલિસ્ટસ, પોલિસ અધિકારીઓ વગેરેએ રાષ્ટ્રીય લૉકડાઉનના અમલીકરણ માટેનાં જે વ્યાપક પ્રયાસો કર્યા તેની સરાહના કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના નાગરિકો જવાબદાર નાગરિક છે અને તેમણે કોરોનાવાયરસ અંગેની માર્ગરેખાઓનું પદ્ધતિસર રીતે પાલન કર્યું છે.
તેમણે એવું જણાવ્યું હતું કે રાષ્ટ્ર અને રાજ્યોના સ્તરે આ સર્વેક્ષણ નીતિ ઘડનાર સમુદાય માટે સિમાચિહ્નરૂપ બની રહેશે. ડૉ. જીતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રીનો કપરા સમયમાં આગેવાની પૂરી પાડવા બદલ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ભારતના નાગરિકો અને સરકારને દ્રઢ પ્રયાસોને કારણે આગામી દિવસોમાં કટોકટી નિવારી શકાશે.
આ દરમિયાન સચિવ ડીએપીઆરજી, ડૉ. ક્ષત્રપતિ શિવાજી, અધિક સચિવ ડીએપીઆરજી, વી. શ્રીનિવાસ, સંયુક્ત સચિવ શ્રીમતિ જયા દુબે અને એન.બી.એસ. રાજપૂત વરિષ્ઠ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહ્યા હતા.
GP/RP
******
(Release ID: 1610410)