પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19ને નિયંત્રણમાં લેવાના પ્રયાસો વધારવા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી


રાજ્ય સરકારો વાયરસનો પ્રસાર અટકાવવા એક ટીમ તરીકે કામ કરે છે એ ખરેખર પ્રશંસનીય છેઃ પ્રધાનમંત્રી

રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે લૉકડાઉન પછી લોકો તબક્કાવાર રીતે બહાર નીકળે એ સુનિશ્ચિત કરવા માટે ‘કોમન એક્ઝિટ સ્ટ્રેટેજી’ બનાવવી પડશેઃ પ્રધાનમંત્રી

આપણો લક્ષ્યાંક ઓછામાં ઓછા મૃત્યુ સુનિશ્ચિત કરવાનો છેઃ પ્રધાનમંત્રી

મુખ્યમંત્રીઓએ પ્રતિભાવ આપ્યાં, કટોકટીનાં સમયમાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી; નિઝામુદ્દીન મરકાઝમાંથી કેસોના પ્રસારને નિયંત્રણમાં લેવા માટેના પગલાં વિશે જાણકારી આપી

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને મહામારી સામેની લડાઈમાં સામુદાયિક-અભિગમ અપનાવવા, સામુદાયિક આગેવાનો અને સામાજિક કલ્યાણકારી સંસ્થાઓ સુધી પહોંચવા જણાવ્યું

Posted On: 02 APR 2020 2:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19 સામે લડવા પગલાં વિશે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સ મારફતે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોનો લૉકડાઉનનાં નિર્ણયને ટેકો આપવા માટે આભાર માન્યો હતો, જેના કારણે ભારતને કોવિડ-19ના પ્રસારને મર્યાદિત કરવામાં સારી સફળતા હાંસલ થઈ છે. તેમણે તમામ રાજ્યોએ એક ટીમ સ્વરૂપે વાયરસના પ્રસારને રોકવા માટે કામ કરી રહ્યાં છે એ બદલ પણ પ્રશંસા કરી હતી. જોકે તેમણએ ચેતવણી આપી હતી કે, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ બહુ સંતોષજનક નથી અને જાણકારી આપી હતી કે, કેટલાંક દેશોમાં વાયરસના પ્રસારનાં સંભવિત બીજા તબક્કાની અટકળો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશનો સામાન્ય લક્ષ્યાંક જીવનનું લઘુતમ નુકસાન એટલે કે ઓછામાં ઓછા મૃત્યુ સુનિશ્ચિત કરવાનું છે. આગામી થોડા અઠવાડિયાઓમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઇસોલેશન અને ક્વૉરેન્ટાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે આવશ્યક તબીબી ઉત્પાદનોના પુરવઠાની જાળવણીની જરૂરિયાત, દવાઓના ઉત્પાદન માટે કાચા માલની ઉપલબ્ધતા અને તબીબી ઉપકરણની ઉપલબ્ધતાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-19ના દર્દીઓ માટે અલગ, વિશેષ હોસ્પિટલ સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે. ડૉક્ટરોની ઉપલબ્ધતા વધારવા તેમણે રાજ્ય સરકારોને આયુષ ડૉક્ટરોની ભરતી કરવા, ઓનલાઇન તાલીમ આયોજિત કરવા અને પેરામેડિકલ સ્ટાફ, એનસીસી અને એનએસએસ સ્વયંસેવકોનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

સંકલિત કામગીરીનાં મહત્ત્વ અને વિવિધ પક્ષોના પ્રયાસોનું પુનરાવર્તન ટાળવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જિલ્લા સ્તરે કટોકટી વ્યવસ્થાપન જૂથો સ્થાપિત કરવાની અને જિલ્લા નિરીક્ષક અધિકારીઓ નિયુક્ત કરવા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ માટે માન્યતાપ્રાપ્ત પ્રયોગશાળાઓમાંથી જ ડેટા લેવો જોઈએ – એનાથી જિલ્લા, રાજ્ય અને કેન્દ્રના ડેટામાં સમન્વય સુનિશ્ચિત થશે. તેમણે જણાવ્યું હતું કે, પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને ફંડ તબક્કાવાર રીતે આપવાની જરૂર છે, જેથી બેંકોમાં ટોળા ન થાય.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે પાકની કાપણીનો સમય છે એને ધ્યાનમાં રાખીને સરકાર લૉકડાઉનમાંથી થોડી છૂટછાટ આપી રહી છે, પણ સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સિંગ) જાળવવા અને શક્ય એટલી હદે એના પર સતત નજર રાખવાની જરૂર છે. તેમણે રાજ્યોને એપીએમસી ઉપરાંત અનાજ ખરીદવા માટેના અન્ય પ્લેટફોર્મનો વિચાર કરવા જણાવ્યું હતું તથા રાઇડ શેરિંગ એપની જેમ ગ્રામીણ વિસ્તારો માટે આ પ્રકારનાં પ્લેટફોર્મો ઊભા કરવાની શક્યતા ચકાસવા જણાવ્યું હતુ, જેનો આ ઉદ્દેશ માટે ઉપયોગ થઈ શકશે.

મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીનો એમની લીડરશિપ બદલ, સતત માર્ગદર્શન આપવા બદલ અને કટોકટીના આ સમયમાં સાથસહકાર આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે લૉકડાઉનનો સાહસિક અને સમયસર નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી પ્રશંસા કરી હતી, જેનાથી દેશમાં વાયરસના પ્રસારને અટકાવવામાં મદદ મળી છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા, શંકાસ્પદ કેસો પર નજર રાખવા, નિઝામુદ્દિન મરકાઝમાંથી શંકાસ્પદ કેસોની ઓળખ કરવા અને ક્વૉરેન્ટાઇન કરવાના, સામુદાયિક પ્રસારને નિયંત્રણમાં રાખવાનો, તબીબી માળખાને પ્રોત્સાહન આપવા, મેડિકલ વર્કફોર્સ મજબૂત કરવા, ટેલીમેડિસિનની જોગવાઈ કરવા, માનસિક સ્વાસ્થ્ય અંગે સલાહની જોગવાઈ કરવા, જરૂરિયાતમંદો વચ્ચે ખાદ્ય પદાર્થો અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ વહેંચવા તથા માઇગ્રન્ટ વર્કર્સની સારસંભાળ લેવા માટેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીઓએ કટોકટીનો સામનો કરવા સંસાધનો ઊભા કરવા, નાણાકીય ભંડોળ તેમજ તબીબી વ્યવસ્થા કરવાના મહત્ત્વ વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ સૂચનો કરવા બદલ મુખ્યમંત્રીઓનો આભાર માન્યો હતો તથા વાસ્તવિક સ્થિતિની જાણકારી આપવા પણ ધન્યવાદ પ્રકટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાયરસના હોટસ્પોટની ઓળખ કરવા, તેમને ઘેરવા અને વાયરસ એમાંથી બહાર ન ફેલાય એ સુનિશ્ચિત કરવા યુદ્ધનાં ધોરણે કામ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોવિડ-19એ આપણા વિશ્વાસ પર હુમલો કર્યો છે અને આપણી જીવન જીવવાની રીત પર જોખમ ઊભું કર્યું છે. તેમણે નેતાઓને રાજ્ય, જિલ્લા, શહેર અને તાલુકા સ્તરે સામુદાયિક આગેવાનો અને સામાજિક કલ્યાણકારક સંસ્થાઓ સુધી પહોંચવાની અપીલ કરી હતી, જેથી રોગચાળા સામેની લડાઈમાં સામુદાયિક અભિગમ પર આધારિત એકતા સ્થાપિત થાય.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લૉકડાઉન પૂર્ણ થયા પછી વસ્તી એકસાથે ફરી એકત્ર ન થાય અને તબક્કાવાર રીતે બહાર નીકળે એ સુનિશ્ચિત કરવા કોમન એક્ઝિટ સ્ટ્રેટેજી’ બનાવવી મહત્ત્વપૂર્ણ છે. તેમણે રાજ્યોને એક્ઝિટ સ્ટ્રેટેજી માટે વિચારવા અને સૂચનો મોકલવા જણાવ્યું હતું. તેમણે કોવિડ-19ના પ્રસારને નિવારવા સોશિયલ ડિસ્ટન્સિંગના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કેટલાંક રાજ્યોમાં વધારે કડકપણે લૉકડાઉનનો અમલ કરવાની જરૂરિયાત વિશે અને કેન્દ્ર દ્વારા જાહેર થયેલી માર્ગદર્શિકાનો જિલ્લા સ્તરે અસરકારક અમલ કરવાના મહત્ત્વ વિશે વાત કરી હતી.

કેન્દ્રીય આરોગ્ય સચિવે ભારતમાં કેસોની સંખ્યામાં વધારા વિશે, નિઝામુદ્દીન મરકાઝમાંથી કેસોના પ્રસાર વિશે, વાયરસના વધુ પ્રસારથી વધતા તબીબી કેસોને સંભાળવાની તૈયારીઓ વિશે અને પુષ્ટિ થયેલા સૌથી વધુ કેસો ધરાવતા જિલ્લાઓમાં પ્રસારની સાંકળ તોડવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.

આ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, અગ્ર સચિવ, કેબિનેટ સેક્રેટરી, ગૃહ સચિવ અને ડીજી આઇસીએમઆર પણ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીઓની સાથે સંબંધિત રાજ્યોનાં ગૃહ મંત્રી, આરોગ્ય મંત્રી, મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને આરોગ્ય સચિવ પણ વીડિયો કોન્ફરન્સમાં સામેલ થયા હતા.

RP

*****


(Release ID: 1610302) Visitor Counter : 254