સંરક્ષણ મંત્રાલય

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કોવિડ-19 સામેની લડાઇમાં સંરક્ષણ મંત્રાલયના પ્રયાસોની સમીક્ષા કરી


નાગરિક સત્તામંડળોને મદદ કરવા માટે તમામ સંગઠનોને બમણા પ્રયાસો કરવા કહ્યું

Posted On: 01 APR 2020 3:25PM by PIB Ahmedabad

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ-19 વિરુદ્ધ રાષ્ટ્રની લડાઇમાં સંરક્ષણ મંત્રાલયના વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવતી મદદ અંગે સમીક્ષા કરી હતી. સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ નાઇક, સંરક્ષણ સ્ટાફના વડા બિપિન રાવત, નૌકાદળના વડા એડમીરલ કરમબીર સિંહ, એર સ્ટાફના વડા એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયા, આર્મી સ્ટાફના વડા જનરલ એમ. એમ. નરવાણે, સંરક્ષણ સંચિવ ડૉ. અજય કુમાર, સચિવ (સંરક્ષણ ઉત્પાદન) શ્રી રાજકુમાર, સચિવ (ભૂતપૂર્વ- સૈનિક કલ્યાણ) શ્રીમતી સંજીવની કુટ્ટી, સચિવ (સંરક્ષણ ફાઇનાન્સ) શ્રીમતી ગાર્ગી પૌલ, સંરક્ષણ આર એન્ડ ડી વિભાગના સચિવ તેમજ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના ચેરમેન ડૉ. જી. સતિષ રેડ્ડી, સશસ્ત્ર દળ તબીબી સેવા (AFMS)ના મહા નિદેશક લેફ્ટેનન્ટ જનરલ અનૂપ બેનરજી, સંરક્ષણના જાહેરક્ષેત્રના સાહસો (DPSU)ના વડા અને નાગરિક તેમજ સૈન્ય વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારી વીડિયો કોન્ફરન્સથી યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંરક્ષણ મંત્રીએ વિવિધ સર્વિસ, સંગઠનો અને DPSU દ્વારા લોકોને અન્ય દેશોમાંથી લાવવા, ક્વૉરન્ટાઇન સુવિધામાં સ્વાસ્થ્ય સંભાળ આપવી અને સેનિટાઇઝર, ફેસ માસ્ક તેમજ વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE) જેવા તબીબી ઉપકરણોના સંશોધન અને ઉત્પાદન સહિતની બાબતોમાં કરાયેલા પ્રયાસોને બિરદાવ્યા હતા.

સંરક્ષણ સ્ટાફના વડા જનરલ બિપિન રાવતે શ્રી રાજનાથ સિંહને માહિતી આપી હતી કે, વિશેષરૂપે કોવિડ-19ના સામનો કરવા માટે અલગ હોસ્પિટલો ઓળખી કાઢવામાં આવી છે અને 9,000થી વધુ હોસ્પિટલના બેડ ઉપબલ્ધ કરવામાં આવ્યા છે. વિદેશથી બચાવીને લવાયેલા 1,000થી વધુ લોકોને જૈસલમેર, જોધપૂર, ચેન્નઇ, માનેસર, હિંદાન અને મુંબઇ ખાતે ક્વૉરન્ટાઇન સુવિધામાં રાખવામાં આવ્યા છે. તેમનો ક્વૉરન્ટાઇન સમય 7 એપ્રિલ 2020ના રોજ પૂરો થશે.

નૌકાદળ સ્ટાફના વડા એડમીરલ કરમબીર સિંહે સંરક્ષણ મંત્રીને માહિતી આપી હતી કે, કોઇપણ જરૂરી મદદ કરવા માટે નૌકાદળના જહાજો તૈનાત રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, સ્થાનિક નાગરિક વહીવટતંત્રની જરૂરિયાત અનુસાર નૌકાદળ દ્વારા મદદ કરવામાં આવે છે.

એર સ્ટાફના વડા એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ માહિતી આપી હતી કે, વાયુસેનાના વિમાનો દ્વારા વિવિધ કામગીરી હાથ ધરીને છેલ્લા પાંચ દિવસમાં 25 ટન તબીબી પૂરવઠાના જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, તમામ આવશ્યક સાવચેતીઓ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પરિચાલન કામગીરી ચાલુ જ છે.

આર્મી સ્ટાફના વડા જનરલ એમ. એમ. નરવાણેએ સંરક્ષણ મંત્રીને માહિતી આપી હતી કે, 8,500થી વધુ ડૉક્ટર અને સહાયક સ્ટાફ નાગરિક વહીવટીતંત્રને જરૂરી મદદ કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પડોશી દેશોને પણ મદદ કરવાના શ્રી રાજનાથસિંહના નિર્દેશોને ટાંકીને તેમણે કહ્યું હતું કે, નેપાળને ટૂંક સમયમાં તબીબી ઉપકરણોના રૂપમાં મદદ પૂરી પાડવામાં આવશે.

સંરક્ષણ આર એન્ડ ડી વિભાગના સચિવ તેમજ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના ચેરમેન ડૉ. જી સતિષ રેડ્ડીએ શ્રી રાજનાથસિંહને માહિતી આપી હતી કે, DRDOની લેબ દ્વારા તૈયાર કરવામાં આવેલા 50,000 લીટર સેનિટાઇઝરનો જથ્થો દિલ્હી પોલીસ સહિત વિવિધ સુરક્ષા સંસ્થાઓને મોકલી આપવામાં આવ્યો છે અને જેમાં અને અન્ય એક લાખ લીટરનો પૂરવઠો સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પાંચ સ્તરીય નેનો ટેકનોલોજી ફેસ માસ્ક N99નું ઉત્પાદન હાલમાં યુદ્ધના ધોરણે થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં 10,000 માસ્ક બની ગયા છે અને ટૂંક સમયમાં દૈનિક ઉત્પાદન વધારીને 20,000 સુધી લઇ જવામાં આવશે. DRDOની લેબ દ્વારા દિલ્હી પોલીસને અન્ય 40,000 માસ્ક પહોંચાડવામાં આવ્યા છે. સચિવોના સશક્ત સમૂહમાં DRDOના સચિવ સભ્ય હોવાથી, તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે તબીબી ઉપકરણોની જરૂરિયાત અંગે ખૂબ જ નિકટતાથી સંકલન કરી રહ્યાં છે. અન્ય DRDOને લેબોરેટરી દ્વારા પણ દરરોજ 20,000 PPE બનાવવા માટે જરૂરી ગોઠવણી કરવામાં આવી છે. DRDOની ટીમ વેન્ટિલેટર્સમાં સામાન્ય સુધારો કરવામાં પણ જોડાયેલી છે જેથી એક મશીન એક જ સમયે ચાર દર્દીને સહાયરૂપ બની શકે.

AFMSના મહાનિદેશક લેફ્ટેનન્ટ અનૂપ બેનરજીએ સંરક્ષણ મંત્રીને માહિતી આપી હતી કે, જરૂરી ઉપકરણો પ્રાપ્ત કરીને વિવિધ હોસ્પિટલોમાં રવાના કરવામાં આવ્યા છે. નિવૃત્ત સ્વાસ્થ્ય પ્રોફેશનલોને પણ તેમની સ્વૈચ્છિક સેવાઓ માટે તૈયાર રાખવાની કામગીરી ચાલુ છે. સ્થાનિક સ્તરે જરૂરી મદદ પૂરી પાડવા માટે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ના અંદાજે 25,000 કેડેટ્સને તૈયાર કરવામાં આવ્યા છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL), ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (MIDHANI), ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL), ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML), ભારત શિપયાર્ડ લિમિટેડ (HSL) અને ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) જેવા વિવિધ DPSU દ્વારા તેમના કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ફંડમાંથી કટોકટીની પરિસ્થિતિમાં પ્રધાનમંત્રીના નાગરિક સહાય અને રાહત ભંડોળ (PM-CARES)ને 40 કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું છે. વધુમાં, તેમણે પોતાના તમામ કર્મચારીઓનો એક દિવસનો પગાર પણ PM-CARES ભંડોળમાં યોગદાન તરીકે આપ્યો છે. સંરક્ષણ મંત્રીના નિર્દેશોના પગલે, DPSU દ્વારા તેમને માહિતી આપવામાં આવી હતી કે, તેમણે તમામ કેઝ્યુઅલ અને કરાર આધારિત કામદારોનો પગાર પણ ચૂકવી દીધો છે.

શસ્ત્ર સરંજામ ફેક્ટરી બોર્ડ (OFB) પણ હાલમાં હેન્ડ સેનિટાઇઝર, ફેસ માસ્ક અને PPEના ઉત્પાદનમાં કાર્યરત છે.

GP/RP

*******



(Release ID: 1610007) Visitor Counter : 241