સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ

Posted On: 31 MAR 2020 6:29PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપનનું સંચાલન સર્વોચ્ચ સ્તરે થઈ રહ્યું છે તથા રાજ્ય સરકારો સાથે વિવિધ પગલાં હાથ ધરવામાં આવ્યાં છે. આદરણીય પ્રધાનમંત્રી સંબંધિત મંત્રાલયો/વિભાગો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ટોચના અધિકારીઓ સાથે નિયમિતપણે બેઠક યોજીને સમીક્ષા કરી રહ્યાં છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19ના રોગચાળા સામે લડવા અને ગરીબો માટે મૂળભૂત જરૂરિયાતોની વ્યવસ્થા કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકવા, જાગૃતિ લાવવા સામાજિક કલ્યાણકારી સંસ્થાઓના પ્રતિનિધિઓનાં સક્રિય પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમણે વૈશ્વિક સ્તરે કોવિડ-19 રોગચાળા સામે પ્રતિસાદની ચર્ચા કરવા દુનિયાભરના ભારતના તમામ રાજદૂતો અને હાઈ કમિશનના વડા સાથે વીડિયો કોન્ફરન્સ પર વાત કરી હતી.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં આજે મંત્રીઓનાં જૂથ (જીઓએમ)ની 10મી બેઠક યોજાઈ હતી. એમાં નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી હરદીપ એસ પુરી, વિદેશ મંત્રી ડો. એસ જયશંકર, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી નિત્યાનંદ રાય, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય જહાજ, રસાયણ અને ખાતર મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયા અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે, મંત્રાલયના વરિષ્ઠ સભ્યો હાજર હતા. લોકડાઉનનો અમલીકરણ કરવા સાથે સંબંધિત સમસ્યા, સ્થળાંતરિત શ્રમિકોની સમસ્યા, વિકસતાં કેન્દ્રોમાં રોગના પ્રસારને નિયંત્રણમાં લેવા પગલાં, પીપીઇ, માસ્ક, વેન્ટિલેટર્સ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓની પર્યાપ્તતા સુનિશ્ચિત કરવા ગ્રૂપ દ્વારા વિગતવાર ચર્ચા થઈ હતી.

કોવિડ-19 રિસ્પોન્સ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની સક્ષમ સમિતિની રચના નીતિ આયોગનાં સભ્ય પ્રોફેસર વિનોદ પૉલ અને ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે વિજય રાઘવનની અધ્યક્ષતામાં થઈ છે, જેનો આશય તમામ વૈજ્ઞાનિક સંસ્થાઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગો અને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે સંકલન સ્થાપિત કરવાનો છે. સમિતિ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી), બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી), વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઇઆર), સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ (આઇઆઇએસસી) સાથે કામ કરશે, જેથી કોવિડ-19 રોગ માટે પરીક્ષણ સુવિધાઓ વધારવાની મહત્ત્વપૂર્ણ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંશોધન અને વિકાસ પર ઝડપથી નિર્ણયો લઈ શકાય.

કપડાં મંત્રાલય, ફાર્માસ્યુટિકલ્સ અને રાજ્ય સરકારો સાથે જોડાણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટર્સની જરૂરિયાતો પૂરી પાડવા, આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં કારખાના પર નજર રાખી રહ્યું છે તેમજ તમામ રાજ્ય સરકારો સાથે સંકલન સ્થાપિત કરી રહ્યું છે, જેથી તમામ સંપર્કો પર નજર રહે અને પરિણામે આપણી વાયરસને નિયંત્રણમાં રાખવાની વ્યૂહરચના મુજબ, કોઈ કેસ રહી ન જાય એવી સુનિશ્ચિતતા થશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એએનએમ, આશા, આંગણવાડી કાર્યકર્તાઓ, આયુષ પ્રેક્ટિશનર્સ, ડૉક્ટરો, નર્સો તથા ફિલ્ડ સર્વેલન્સ, સુપરવિઝન, લેબ ટેસ્ટિંગ, ક્લિનિકલ મેનેજમેન્ટ, આઇસોલેશન ફેસિલિટી મેનેજમેન્ટ, ઇન્ટેન્સિવ કેર, ઇન્ફેક્શન કન્ટ્રોલ મેનેજમેન્ટ અને કોવિડ-19 મેનેજમેન્ટ માટે ક્વારેન્ટાઇન ફેસિલિટી મેનેજમેન્ટ માટે વેબસાઇટ પર તાલીમ સંસાધનો અપલોડ કર્યા છે. આરોગ્ય મંત્રાલયે 30 માર્ચનાં રોજ બે વેબિનાર્સનું આયોજન કર્યું હતું, જેમાં 15,000 નર્સોને ઓનલાઇન તાલીમ આપવામાં આવી હતી.

અત્યાર સુધી દેશમાં 1251 કેસની પુષ્ટિ થઈ છે અને 32 દર્દીઓનાં મૃત્યુ થયા છે. છેલ્લાં 24 વર્ષ દરમિયાન 227 નવા કેસની પુષ્ટિ થઈ છે અને 3 નવા મૃત્યુ નોંધાયા છે.

 

GP/RP


(Release ID: 1609706) Visitor Counter : 235