ગૃહ મંત્રાલય

ભારતમાં તબલીઘ જમાતના કોવિડ-19 પોઝિટીવ કાર્યકરોની ઓળખ કરવા, તેમને આઇસોલેટ અને ક્વૉરન્ટાઇન કરવા માટે સરકાર પ્રતિબદ્ધ


ગૃહ મંત્રાલયે તેલંગાણામાં કોવિડ-19ના પોઝિટીવ કેસો સામે આવતા જ 21 માર્ચ 2020ના રોજ તમામ રાજ્યો સાથે ભારતમાં જમાતના કાર્યકરોની વિગતો આપી હતી

અત્યાર સુધીમાં જમાતના 1339 કાર્યકરોને નરેલા, સુલ્તાનપુરી અને બક્કરવાલા ક્વૉરન્ટાઇન સુવિધા અને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

તમામ રાજ્યની પોલીસ આ તમામ વિદેશી જમાતના કાર્યકરોની વીઝા શ્રેણીની તપાસ દ્વારા વીઝાની શરતોના ઉલ્લંઘનના કેસ અંગે આગળની કાર્યવાહી કરશે

Posted On: 31 MAR 2020 6:00PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (MHA) તેલંગાણામાં કોવિડ-19 પોઝિટીવ કેસો સામે આવતા જ 21 માર્ચ 2020ના રોજ તમામ રાજ્યોને ભારતમાં તબલીઘ જમાતના કાર્યકરોની વિગતો સોંપી હતી.

આ ત્વરિત કાર્યવાહીનો ઉદ્દેશ્ય કોવિડ-19 પોઝિટીવ જમાતના કાર્યકરોની ઓળખ કરવાનો, તેમને આઇસોલેટ અને ક્વૉરન્ટાઇન કરવાનો હતો જેથી દેશમાં કોવિડ-19ને વધુ ફેલાતો રોકી શકાય. આ સંબંધે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને DGP ઉપરાંત દિલ્હીના CPને પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. 28 અને 29 માર્ચના રોજ પણ DIB દ્વારા તમામ રાજ્યના DGPને આ સંબંધે પત્ર લખીને જણાવવામાં આવ્યું હતું.

આ દરમિયાન, દિલ્હીના નિજામુદ્દીનના મરકજમાં રહેતા જમાતના કાર્યકરોને પણ રાજ્યના અધિકારીઓ અને પોલીસે તબીબી સ્ક્રિનિંગ માટે અનુરોધ કર્યો હતો. 29 માર્ચ સુધી લગભગ જમાતના 162 કાર્યકરોનું તબીબી રીતે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ક્વૉરન્ટાઇન સુવિધાઓમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં જમાતના 1339 કાર્યકરોને LNJP, RGSS, GTB, DDU હોસ્પિટલ અને જજ્જર ખાતે AllMS ઉપરાંત નરેલા, સુલ્તાનપુરી અને બક્કરવાલ ક્વૉરન્ટાઇન સુવિધાઓમાં મોકલવામાં આવ્યા છે. તેમાંથી બાકીનાનું હાલમાં કોવિડ-19ના ચેપ સંબંધે તબીબી સ્ક્રિનિંગ ચાલી રહ્યું છે.

સામાન્યપણે, ભારતમાં આવતા તબલીઘ જમાત સાથે સંકળાયેલા લોકો તમામ વિદેશી નાગરિક પર્યટક વીઝા પર આવે છે. ગૃહ મંત્રાલય દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો અનુસાર જમાતના તે વિદેશી કાર્યકરોએ પર્યટક વીઝા પર મિશનરી કામમાં સામેલ થવું જોઇએ નહીં. આ સંબંધે તમામ રાજ્ય પોલીસ આ તમામ વિદેશી જમાત કાર્યકરોના વીઝાની શ્રેણીઓની તપાસ કરશે અને વીઝાની શરતોના ઉલ્લંઘનના કેસમાં તેમના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પૃષ્ઠભૂમિ

તબલીઘ જમાત હેડક્વાર્ટર (મરકજ) દિલ્હીના નિજામુદ્દીનમાં આવેલું છે. ધાર્મિક હેતુસર સમગ્ર દેશમાં અને વિદેશમાંથી મુસ્લિમો મરકજ ખાતે આવે છે. કેટલાક લોકો તબલીઘ ગતિવિધીઓ માટે દેશના વિવિધ ભાગોમાં સમૂહમાં પણ જાય છે. આ ગતિવિધીઓ આખા વર્ષ દરમિયાન સતત ચાલતી રહે છે.

21 માર્ચના રોજ મિશનરી કામ માટે લગભગ 824 વિદેશી તબલીઘ જમાતના કાર્યકરો દેશના વિવિધ ભાગોમાં હતા. આ ઉપરાંત, 216 વિદેશી નાગરિકો મરકજમાં રહેતા હતા. તેમજ, 1500થી વધુ ભારતીય જમાત કાર્યકરો પણ મરકજમાં રહેતા હતા જ્યારે અંદાજે 2100 ભારતીય જમાત કાર્યકરો મિશનરી કામ માટે દેશના વિવિધ ભાગોમાં વિચરણ કરી રહ્યા હતા. 23 માર્ચ પછીથી, નિજામુદ્દીન અને તબલીઘની આસપાસ અને સમગ્ર દિલ્હી સહિત આસપાસના રાજ્યોના અધિકારીઓ/ પોલીસ દ્વારા લૉકડાઉનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો છે.

 

ભારતમાં તબલીઘ પ્રવૃત્તિઓ વિશે દસ્તાવેજ જોવા માટે અહીં ક્લિક કરો

 

GP/RP


(Release ID: 1609705) Visitor Counter : 292