સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટઃ પીપીઇ કિટ, N95 માસ્ક અને વેન્ટિલેટરની ઉપલબ્ધતા

Posted On: 30 MAR 2020 3:45PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને સારવારની સ્થિતિ પર ઉચ્ચ સ્તરેથી નજર રાખવામાં આવી રહી છે અને રાજ્ય સરકારો સાથે જોડાણમાં વિવિધ કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટરની જરૂરિયાતો પૂર્ણ કરવા કારખાનાઓ સતત આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યાં છે અને કારખાનાઓ તબીબી સેવામાં કાર્યરત કર્મચારીઓ માટે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ)નું ઉત્પાદન કરવા પ્રયાસરત છે. જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વેન્ટિલટર્સનું ઉત્પાદન કરવા અગ્રેસર છે, ત્યારે તમામ દવા કંપનીઓએ સરકારને ખાતરી આપી છે કે, આ કટોકટીના ગાળા દરમિયાન દવાઓની કોઈ ખેંચ ઊભી નહીં થાય અને ઓટો ઉત્પાદકો પણ વેન્ટિલેટર્સ વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા કાર્યરત છે. તબીબી કર્મચારીઓને કટોકટીની કોઈ પણ સ્થિતિ માટે સંપૂર્ણપણે સજ્જ રહેવા તાલીમ આપવામાં આવે છે.

પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટનો ઉપયોગ સામાન્ય રીતે આઇસોલેશન વિસ્તારોમાં અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તબીબી કર્મચારીઓ ઇન્ફેક્શન ન લાગે એ માટે કરે છે. દેશમાં એનું ઉત્પાદન થતું નથી. નજીકના ભવિષ્યમાં પીપીઇની મોટા પાયે જરૂરિયાત ઊભી થવાની સંભવિતતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે દેશમાં એના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે.

આ પ્રયાસમાં કાપડ મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંયુક્તપણે કાર્યરત છે. સ્થાનિક ઉત્પાદકો આ પ્રસંગે આગળ આવ્યાં છે અને અત્યાર સુધી 11 ઉત્પાદકોને ગુણવત્તાનાં પરીક્ષણમાં મંજૂરી આપી છે. તેમને 21 લાખ પીપીઇ કવરોલ્સના ઓર્ડર્સ આપવામાં આવ્યાં છે. અત્યારે તેઓ દરરોજ 6,000 થી 7,000 કવરોલ્સનો પુરવઠો પૂરો પાડી રહ્યાં છે અને આ આગામી અઠવાડિયાની અંદર દરરોજ 15,000 થઈ જાય એવી અપેક્ષા છે. આજે એક વધુ  ઉત્પાદકને મંજૂરી આપવામાં આવી છે અને એને 5 લાખ કવરોલ્સને ઓર્ડર આપવામાં આવ્યો છે.

અત્યાર સુધી 3.4 લાખ પીપીઇ દેશમાં વિવિધ હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. આશરે 60,000 પીપીઇ કિટ્સનું ભારત સરકારે ઉત્પાદન કર્યું છે અને એનો પુરવઠો પૂરો પાડ્યો છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ ચીનમાંથી 10,000 પીપીઇની વ્યવસ્થા કરી છે, જે પ્રાપ્ત થયા છે અને એનું વિતરણ થયું છે. વધુ 3 લાખ પીપીઇ કવરોલ્સનું દાન 4 એપ્રિલનાં રોજ મળી જશે. શસ્ત્ર કારખાનાઓને 3 લાખ પીપીઇના ઓર્ડર આપવામાં આવ્યાં છે.

પીપીઇ કિટના વિદેશ સ્ત્રોતો પણ દુનિયાભરમાંથી મોટી માગનો સામનો કરી રહ્યાં છે. તેમણે વિદેશ મંત્રાલય દ્વારા સંપર્ક કર્યો છે. સિંગાપોરના એક ઓનલાઇન પ્લેટફોર્મની ઓળખ કરવામાં આવી છે, જે 10 લાખ પીપીઇ કિટ સપ્લાય કરી શકે છે અને વિદેશ મંત્રાલયે એની પાસેથી ખરીદી કરવા માટે ઓર્ડર આપ્યો છે. કોરિયામાં અન્ય એક સપ્લાયરની ઓળખ કરવામાં આવી છે, જે વિયેતનામ અને તુર્કીમાં ઉત્પાદન કંપનીઓ સાથે જોડાણ ધરાવે છે, જેની રોજિંદી ઉત્પાદન ક્ષમતા 1 લાખથી વધારે પીપીઇની છે. વિદેશ મંત્રાલય દ્વારા આ કંપનીને 20 લાખ પીપીઇ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

N95 માસ્કનું ઉત્પાદન બે સ્થાનિક ઉત્પાદકો કરે છે. તેઓ અત્યારે દરરોજ 50,000 માસ્ક સપ્લાય કરવા સક્ષમ છે, પણ આગામી અઠવાડિયાની અંદર ક્ષમતા વધીને દરરોજ 1 લાખ માસ્કની થશે. ડીઆરડીઓએ દરરોજ 20,000 N99 માસ્કનું ઉત્પાદન કરવા સ્થાનિક ઉત્પાદકો સાથે જોડાણ કર્યું છે. આ પુરવઠો એક અઠવાડિયામાં ઉપલબ્ધ થાય એવી અપેક્ષા છે.

અત્યારે દેશની વિવિધ હોસ્પિટલોમાં N99 માસ્કનો સ્ટોક 11.95 લાખ છે. છેલ્લાં બે દિવસમાં વધુ 5 લાખ માસ્કનું વિતરણ થયું હતું અને આજે 1.40 લાખ માસ્કનું વિતરણ થયું હતું. 10 લાખ માસ્ક પીપીઇ કિટનો ભાગ હશે, જે સિંગાપારથી મળશે.

કોવિડ-19ના દર્દીઓ માટે વેન્ટિલેટર્સની જરૂર છે, કારણ કે તેમને એક્યુટ રેસ્પિરેટરી ડિસીઝ સિન્ડ્રોમ (એઆરડીએસ) વિકસે છે. અત્યારે વેન્ટિલેટરના સપોર્ટ પર કોવિડ-19ના 20થી ઓછા દર્દીઓ છે. એની સાથે દેશમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવા માટે વિવિધ હોસ્પિટલોમાં 14,000થી વધારે વેન્ટિલેટરની ઓળખ કરવામાં આવી છે.

નોઇડામાં સ્થાનિક ઉત્પાદક અગ્વા હેલ્થકેર અનુકૂળ વેન્ટિલેટર્સ વિકસાવવા સક્ષમ છે અને કંપનીને 10,000 વેન્ટિલેટર્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સપ્લાય એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં શરૂ થાય એવી અપેક્ષા છે. આ ઉપરાંત 30,000 વેન્ટિલેટર્સ માટેનો ઓર્ડર ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને આપવામાં આવ્યો છે, જે આ પ્રયાસમાં સ્થાનિક ઉત્પાદક સાથે જોડાણ કરી રહી છે. ભારતીય ઓટો ઉત્પાદકો વેન્ટિલેટર્સનું ઉત્પાદન કરવા પણ સજ્જ છે.

દરમિયાન હેમિલ્ટન, માઇન્ડરે અને ડ્રેગર જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓને વેન્ટિલેટરના પુરવઠા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય ચીનમાંથી 10,000 વેન્ટિલેટર્સ મંગાવવા સપ્લાયર્સને સંપર્ક કર્યો છે.

GP/RP



(Release ID: 1609325) Visitor Counter : 262