ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભાના સંસદ સભ્યોને કોવીડ-19 સામે લડવા માટે એમપી ભંડોળમાંથી યોગદાન આપવા વિનંતી કરી
ઉપરાષ્ટ્રપતિએ સ્વયંસેવી અને ધર્માદા સંસ્થાઓને ફસાયેલા સ્થાનાંતરિત શ્રમિકોને ભોજન અને આશ્રય પૂરા પાડવાની વિનંતી કરી
ઉપરાષ્ટ્રપતિએ નાગરિકોને પીએમ કેર ભંડોળમાં પોતાનું યોગદાન આપવા વિનંતી કરી
Posted On:
29 MAR 2020 12:02PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ, શ્રી એમ વૈંકૈયા નાયડુએ તમામ સંસદ સભ્યોને કોવીડ-19 રોગચાળા સામેની લડાઈમાં સરકારના પ્રયાસોને ટેકો આપવા માટે પોત પોતાના એમપી નાણા ભંડોળમાંથી પ્રાથમિક તબક્કે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની વિનંતી કરી છે.
તમામ સંસદ સભ્યોને લખેલા પત્રમાં ઉપરાષ્ટ્રપતિએ કોવીડ-19 રોગચાળાને લીધે ઉત્પન્ન થયેલી આ ભયાવહ પરિસ્થિતિનો સંદર્ભ ટાંકીને નાગરિકો માટે આ પરિસ્થિતિ સામે લડવા અને તેને નિયંત્રણમાં લાવવા માટે ખાનગી ક્ષેત્ર સહીત ભારત સરકાર અને અન્ય હિતધારકો દ્વારા લેવામાં આવી રહેલા અનેક પગલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કોવીડ-19ના પડકારને સફળતાપૂર્વક પહોંચી વળવા માટે નાણાકીય, ભૌતિક અને માનવીય સંસાધનોની વિપુલ માત્રામાં જરૂરિયાત અંગે ભારપૂર્વક જણાવતા શ્રી નાયડુએ કહ્યું કે ભારત સરકાર રાષ્ટ્રીય, રાજ્ય અને જીલ્લા સ્તર પર ભંડોળની ઉપલબ્ધતાને પહોંચી વળવા માટે જુદા જુદા એકમો પાસેથી નાણાકીય સંસાધનો એકત્રિત કરી રહી છે.
કોવીડ-19 વિરુદ્ધની લડાઈમાં તેમના પ્રેરણાદાયી કાર્યો ભારતને ઘણા મદદરૂપ થશે એ બાબત સમજીને ઉપરાષ્ટ્રપતિએ તમામ સંસદ સભ્યોને વિનંતી કરી છે કે તેઓ નાણાકીય વર્ષ 2020-21 માટે તેમના એમપી ભંડોળમાંથી પ્રાથમિક તબક્કે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાની રકમ કેન્દ્રીય સંગઠિત નાણા ભંડોળમાં આપવા માટેની મંજૂરી આપે.
તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા કોવીડ-19ને પહોંચી વળવા માટે એમપી ભંડોળ અંતર્ગત વન ટાઈમ ડીસપેન્શનની પરવાનગી આપતી યોગ્ય માર્ગદર્શિકાઓમાં પણ જરૂરી સુધારો કરવામાં આવ્યો છે.
આ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ વ્યક્તિગત લોકોને પણ કુદરતી આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે આગળ આવવા અને પીએમ કેર (PM-CARES) ભંડોળમાં પોતાનું યોગદાન આપવા વિનંતી કરી છે. સિવિલ સોસાયટી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને સંકટની આ ઘડીમાં મદદ કરવા બદલ તેમની પ્રશંસા કરતા તેમણે લોકોને સુરક્ષિત અને સ્વસ્થ રહેવાની તેમજ કડકપણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાઓનું પાલન કરવાની પણ વિનંતી કરી છે.
આ અગાઉ ઉપરાષ્ટ્રપતિએ લોકસભાના આદરણીય સ્પીકર શ્રી ઓમ બિરલા, બંને ગૃહોના સામાન્ય સચિવો અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ તથા રાજ્યસભામાં જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ એમપી ભંડોળ વિષે વાત કરી હતી.
તેમણે જીવનના જુદા જુદા ક્ષેત્રોમાંથી આવતા લોકો દ્વારા પીએમ કેર પહેલમાં યોગદાન કરવાના કાર્યની પણ પ્રશંસા કરી હતી અને સૌને આગળ આવવા અને આ ઉમદા કાર્યમાં દાન આપવા વિનંતી કરી હતી. આ સાથે જ તેમણે દરેક વ્યક્તિને ભારતની પુરાતન સંસ્કૃતિના મૂલ્યો- વહેંચણી અને કાળજીની પણ યાદ અપાવી હતી કે જે આપણા તત્વજ્ઞાનના હાર્દ સમાન છે.
શ્રી નાયડુએ દરેક વ્યક્તિને પોતાના વિસ્તારોમાં ફસાયેલા સ્થળાંતરિત શ્રમિકોનું ધ્યાન રાખવા અને તેમની કાળજી લેવાની અપીલ કરવાની સાથે વિનંતી કરી હતી કે રાજ્ય સરકારો, સ્વયંસેવકો અને ધાર્મિક સંસ્થાઓ આવા લોકોને આશ્રય અને ભોજન પૂરા પાડવાની વ્યવસ્થા કરે. તેમણે જે એકમો આવા સ્થળાંતરિત કામદારોને કામ પર રાખે છે તેઓને પણ આવા લોકોની મદદ કરવાનું આહ્વાહન કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિએ શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી સંતોષ કુમાર ગંગવાર અને કેબીનેટ સચિવ, ભારત સરકાર શ્રી રાજીવ સાથે પણ વાતચીત કરી હતી અને સ્થળાંતરિત શ્રમિકોના મુદ્દા અંગે જુદી જુદી રાજ્ય સરકારો સાથે સંકલન અંગે પૂછપરછ કરી હતી.
GP/DS
(Release ID: 1608992)
Visitor Counter : 266
Read this release in:
Punjabi
,
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam