પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી અને અબુધાબીના રાજકુમાર વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઇ
Posted On:
26 MAR 2020 10:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અબુધાબીના રાજકુમાર મહામહિમ શેખ મોહમ્મદ બીન ઝાયેદ અલ નાહ્યાન સાથે ટેલિફોન પર ચર્ચા કરી હતી.
બંને નેતાઓએ સમગ્ર દુનિયામાં અત્યારે ફાટી નીકળેલી કોવિડ-19 મહામારી અંગે માહિતી અને મંતવ્યોનું આદાનપ્રદાન કર્યુ હતું અને પોતપોતાના દેશમાં વર્તમાન પરિસ્થિતિ તેમજ સરકાર દ્વારા લેવાયેલા પગલાં વિશે એકબીજાને માહિતગાર કર્યા હતા. આ વાયરસનો ફેલાવો અટકાવવા માટે આગામી કેટલાક અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમામ દેશો દ્વારા નક્કર તેમજ સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે તે બાબતે બંને નેતાઓ સંમત થયા હતા. આ સંદર્ભે, આ મહામારી અંગે ચર્ચા કરવા માટે દિવસની શરૂઆતમાં G-20 સભ્ય દેશોની વર્ચ્યુઅલ સમિટ યોજાઇ તેની તેમણે પ્રશંસા કરી હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની મજબૂતી અને ઘનિષ્ઠતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ, વર્તમાન પરિસ્થિતિ અંગે અને તેમાં પણ ખાસ કરીને જીવન જરૂરી વસ્તુઓના પૂરવઠાની કામગીરી એકધારી ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા અંગે બંને દેશોના અધિકારીઓ વચ્ચે નિયમિત વિચારવિમર્શ ચાલુ રાખવા પર સંમત થયા હતા.
મહામહિમ રાજકુમારે પ્રધાનમંત્રીને ખાતરી આપી હતી કે, UAEમા વસી રહેલા અને તેમના અર્થતંત્રમાં યોગદાન આપી રહેલા 2 મિલિયનથી વધુ ભારતીયોની સુખાકારી પર તેઓ ધ્યાન આપશે. વર્તમાન પરિસ્થિતિમાં પરદેશી ભારતીયોના સ્વાસ્થ્ય અને સલામતી પર વ્યક્તિગત ધ્યાન આપવા બદલ પ્રધાનમંત્રીએ રાજકુમારનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ રાજકુમાર અને સમગ્ર શાહી પરિવાર તેમજ અમીરાતના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાછવી હતી. શાહી પ્રિન્સે પણ આ શુભેચ્છાઓનો ઉષ્માભેર પ્રતિભાવ આપ્યો હતો.
RP
(Release ID: 1608496)
Visitor Counter : 190
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam