સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કોવિડ-19 સામેની લડાઇમાં સંરક્ષણ મંત્રાલયના એક્શન પ્લાનની સમીક્ષા કરી
સશસ્ત્ર દળો, સંરક્ષણ PSU અને અન્ય સંગઠનોને પૂર્વતૈયારીઓ કરવા માટે અને નાગરિક સત્તામંડળોને તમામ જરૂરી મદદ પૂરી પાડવા માટે સજ્જ રહેવા કહ્યું
Posted On:
26 MAR 2020 2:23PM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કોવિડ-19ની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંરક્ષણ મંત્રાલય (MoD)ના એક્શન પ્લાન અંગે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. બેઠક દરમિયાન સંરક્ષણમંત્રીએ કોવિડ-19થી અસરગ્રસ્ત દેશોમાં ફસાયેલા ભારતીયો અને અન્ય દેશોના લોકોને બચાવવા માટે કરેલી કામગરી અને વિવિધ ક્વૉરેન્ટાઇન સુવિધાઓમાં તેમની સારવાર માટે કરેલી વ્યવસ્થામાં સશસ્ત્રદળો અને MoDના વિવિધ વિભાગોએ નિભાવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે શસસ્ત્ર દળો અને અન્ય વિભાગોને વિનંતી કરી હતી કે તેઓ પૂર્વતૈયારીઓ રાખે અને વિવિધ સ્તરે નાગરિક વહીવટીતંત્રને જરૂરી તમામ મદદ પૂરી પાડવા માટે સજ્જ રહે.
આ બેઠકમાં, અધિકારીઓએ અત્યાર સુધીમાં લેવાયેલા વિવિધ પગલાં અને પૂરી પાડવામાં આવેલી મદદ વિશે શ્રી રાજનાથસિંહને માહિતી આપી હતી. ભારતીય વાયુસેના દ્વારા ચીન, જાપાન અને ઇરાનમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢીને વતન પરત લાવવા માટે કેટલીક ઉડાનો ભરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં સશસ્ત્ર દળો દ્વારા ઉભી કરવામાં આવેલી વિવિધ ક્વૉરેન્ટાઇન સુવિધાઓમાં વિદેશથી લવાયેલા 1,462 ભારતીયોને રાખવામાં આવ્યા છે જેમાંથી 389ને રજા આપી દેવામાં આવી છે. હાલમાં માનેસર, હિંદાન, જૈસલમેર, જોધપુર અને મુંબઇ ખાતેની ક્વૉરેન્ટાઇન સુવિધાઓમાં 1,073 લોકોને સારવાર આપવામાં આવી રહી છે. 950 પથારીની ક્ષમતા સાથે વધારાની ક્વૉરેન્ટાઇન સુવિધાઓ હાલમાં તૈયાર રાખવામાં આવી છે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) લેબોરેટરીઓ દ્વારા 20,000 લીટર સેનિટાઇઝરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને વિવિધ સંગઠનો સુધી પહોંચાડવામાં આવ્યું છે જેમાંથી 10,000 લીટરનો જથ્થો દિલ્હી પોલીસને આપવામાં આવ્યો છે. DRDO દ્વારા દિલ્હી પોલીસના કર્મચારીઓને 10,000 માસ્કનો પણ પૂરા પાડવામાં આવ્યા છે. બોડી સ્યૂટ જેવા વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો અને વેન્ટિલેટર્સ તૈયાર કરવા માટે તે કેટલીક ખાનગી કંપનીઓ સાથે પણ જોડાણ કરી રહ્યું છે.
શસ્ત્ર સરંજામ ફેક્ટરી બોર્ડે પણ સેનિટાઇઝર્સ, માસ્કર અને બોડી સ્યૂટના ઉત્પાદનમાં વધારો કર્યો છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પણ હાલમાં વેન્ટિલેટર્સના ઉત્પાદનમાં જોડાયેલું છે.
માલદીવમાં નિયુક્ત સૈન્ય મેડિકલની ટીમો તેમનું મિશન પૂરું થઇ જતા પરત આવી ગઇ છે. સૈન્ય મેડિકલ ટીમો અને નૌકાદળના બે જહાજ પડોશમાં મૈત્રી રાષ્ટ્રોને જરૂરી મદદ પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
સંરક્ષણ સ્ટાફના વડા બિપિન રાવત, સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર, નૌકાદળ સ્ટાફના વડા એડમીરલ કરમબીર સિંહ, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા, સૈન્ય સ્ટાફના વડા જનરલ એમ.એમ. નરવાણે, સંરક્ષણ ઉત્પાદન સચિવ શ્રી રાજકુમાર, સચિવ (નિવૃત્ત- સૈનિક કલ્યાણ) શ્રીમતી સંજીવની કુટ્ટી અને સંરક્ષણ આર એન્ડ ડી વિભાગના સચિવ અને DRDOના ચેરમેન ડૉ. સતિષ રેડ્ડી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
RP
(Release ID: 1608367)
Visitor Counter : 251