નાણા મંત્રાલય

નાણાંમંત્રીએ કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને તમામ ક્ષેત્રોમાં કાયદેસર અને નિયમનકારી બાબતોને લગતા કેટલાંક રાહતના પગલાની જાહેરાત કરી

Posted On: 24 MAR 2020 5:10PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત સરકારનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ રાહતના પગલાંની જાહેરાત કરી હતી, ખાસ કરીને કેટલાંક ક્ષેત્રો સાથે સંબંધિત કાયદેસર અને નિયમનકારી નીતનિયમોના પાલનમાં. આજે તેમણે વીડિયો કોન્ફરન્સ દરમિયાન એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં શ્રીમતી સીતારામને આવકવેરા, જીએસટી, કસ્ટમ્સ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ, કૉર્પોરેટ બાબતો, નાદારી અને દેવાળિયાપણાની આચારસંહિતા (આઇબીસી), મત્સ્યપાલન, બેંકિંગ ક્ષેત્ર અને વાણિજ્યના ક્ષેત્રોમાં અતિ જરૂરી રાહતદાયક પગલાંઓની જાહેરાત કરી હતી.

આ કોન્ફરન્સ દરમિયાન રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર, નાણાં સચિવ શ્રી એ બી પાંડે અને આર્થિક બાબતોનાં વિભાગનાં સચિવ શ્રી અતાનુ ચક્રવર્તી પણ ઉપસ્થિત હતા.

વિવિધ ક્ષેત્રોનાં સંબંધમાં કાયદેસર અને નીતિનિયમોના પાલન સાથે સંબંધિત નિર્ણયો નીચે મુજબ છેઃ

આવકવેરા

  1. આવકવેરાનું રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ (નાણાકીય વર્ષ 2018-19 માટે) 31 માર્ચ, 2020 થી લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી.
  2. આધાર-પાનને લિન્ક કરવાની તારીખ 31 માર્ચ, 2020થી લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી.
  3. વિવાદ સે વિશ્વાસ યોજના જો 30 જૂન, 2020 સુધી મૂળ રકમની ચૂકવણી કરવામાં આવશે, તો વધારાની 10 ટકા રકમની ચૂકવણી કરવાની જરૂર નથી.
  4. જો ઑથોરિટી દ્વારા નોટિસ ઇશ્યૂ કરવાની, ઇન્ટિમેશન (જાણકારી) આપવાની, અધિસૂચના જાહેર કરવાની, માન્ય ઓર્ડર આપવાની, મંજૂર થયેલા ઓર્ડર પાઠવવાની, અપીલ દાખલ કરવાની, રિટર્ન, સ્ટેટમેન્ટ, એપ્લિકેશન, રિપોર્ટ, અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરવાની, પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની સમયરેખા તેમજ આવકવેરા ધારા, મિલકત વેરા ધારા, બેનામી મિલકતના વ્યવહારનાં ધારાના નિષેધ, એસટીટી કાયદા, સીટીટી ધારા, ઇક્વિલાઇઝેશન લેવી લૉ, વિવાદ સે વિશ્વાસ ધારા અંતર્ગત હેઠળ બચત માધ્યમોમાં રોકાણ કરવા અથવા મૂડીગત ફાયદાનો લાભ લેવા માટે રોકાણ કરવાની સમયમર્યાદા 20 માર્ચથી 29 જૂન, 2020 વચ્ચે પૂર્ણ થતી હોય, તો એને 30મી જૂન, 2020 સુધી લંબાવવામાં આવશે.
  5. એડવાન્સ ટેક્ષ, સેલ્ફ-એસેસ્સમેન્ટ ટેક્ષ, નિયમિત કરવેરો, ટીડીએસ, ટીસીએસ, ઇક્વિલાઇઝેશન લેવી, એસટીટી, સીટીટીની ચૂકવણીમાં 20 માર્ચ, 2020થી 30 જૂન, 2020 વચ્ચે વિલંબ થશે, તો આ ગાળા માટે ચાર્જ દર વર્ષે 12/18 ટકાને બદલે વ્યાજદર ઘટાડીને 9 ટકા લાગુ થશે (એનો અર્થ એ થયો કે દર મહિને 1 થી 1.5 ટકાને બદલે 0.75 ટકા).
  6. કથિત રાહતની અસર આપવા માટે જરૂરી કાયદેસર પરિપત્રો અને કાયદાકીય સુધારાઓ આગળ જતાં જાહેર કરવામાં આવશે.

જીએસટી/પરોક્ષ વેરો

  1. જેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 5 કરોડથી ઓછું હોય અને જેમણે માર્ચ, એપ્રિલ અને મે, 2020માં જીએસટીઆર-3બી ભરવાનું હોય, તેઓ જૂન, 2020ના છેલ્લા અઠવાડિયા સુધીમાં એ ભરી શકે છે. એના પર કોઈ વ્યાજ, લેટ ફી અને દંડ લેવામાં નહીં આવે.
  2. અન્ય માર્ચ, એપ્રિલ અને મે, 2020માં બાકીના રિટર્ન જૂન, 2020ના છેલ્લાં અઠવાડિયા સુધી ભરી શકે છે, પણ આ બદલ બાકી નીકળતી તારીખનાં 15 દિવસ સુધી વાર્ષિક 9 ટકાનાં દરે વ્યાજ ચુકવવું પડશે (અત્યારે વાર્ષિક 18 ટકાનાં દરે વ્યાજ ચુકવવું પડે છે). જો 30 જૂન, 2020 અગાઉ ભરાઈ જાય, તો કોઈ લેટ ફી અને દંડ લેવામાં નહીં આવે.
  3. કમ્પોઝિશન સ્કીમ માટેની તારીખ જૂન, 2020ના છેલ્લાં અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે. ઉપરાંત કમ્પોઝિશન ડિલર્સ દ્વારા 31 માર્ચ, 2020નાં રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે ચૂકવણી કરવા માટેની છેલ્લી તારીખ અને નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ જૂન, 2020ના છેલ્લાં અઠવાડિયા સુધી લંબાવવામાં આવશે.
  4. નાણાકીય વર્ષ 2018-19 માટે જીએસટીનાં વાર્ષિક રિટર્ન ભરવા માટેની તારીખ 31 માર્ચ, 2020ને જૂન, 2020ના છેલ્લાં અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે.
  5. જીએસટી ધારા હેઠળ કોઈ પણ નીતિનિયમોના પાલન માટે નોટિસ જાહેર કરવાની, અધિસૂચના જાહેર કરવાની, માન્ય આદેશ આપવાની, મંજૂર થયેલો આદેશ જાહેર કરવાની, અપીલ ફાઇલ કરવાની, રિટર્ન, સ્ટેટમેન્ટ, એપ્લિકેશન, રિપોર્ટ, અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરવાની સમયમર્યાદા 20 માર્ચ, 2020થી 29 જૂન, 2020ને 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવી છે.
  6. જીએસટી સાથે સંબંધિત કથિત રાહત સાથે સંબંધિત જરૂરી કાયદેસર પરિપત્રો અને કાયદાકીય સુધારાઓ જીએસટી પરિષદની મંજૂરી સાથે બહાર પાડવામાં આવશે.
  7. સબકા વિશ્વાસ યોજના હેઠળ ચૂકવણીની તારીખ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવશે. જો એની ચૂકવણી 30 જૂન, 2020 સુધી થઈ જશે, તો આ સમયગાળા માટે વ્યાજ વસૂલવામાં નહીં આવે.

કસ્ટમ્સ

  1. 24X7 કસ્ટમ ક્લિઅરન્સ, 30 જૂન, 2020 સુધી
  2. કસ્ટમ્સ ધારા અને અન્ય આનુષંગિક ધારા અંતર્ગત કોઈ પણ નીતિનિયમોના પાલન માટે નોટિસ જાહેર કરવાની, અધિસૂચના જાહેર કરવાની, માન્ય આદેશ આપવાની, મંજૂર થયેલો આદેશ જાહેર કરવાની, અપીલ ફાઇલ કરવાની, રિટર્ન, સ્ટેટમેન્ટ, એપ્લિકેશન, રિપોર્ટ, અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરવાની સમયમર્યાદા 20 માર્ચ, 2020 થી 29 જૂન, 2020ને 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવી છે.

નાણાકીય સેવાઓ

3 મહિના માટે છૂટછાટ

  • 3 મહિના માટે ડેબિટ કાર્ડધારકો અન્ય કોઈ પણ બેંકોના એટીએમમાંથી કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યાં વિના રોકડ રકમ ઉપાડી શકશે.
  • લઘુતમ બેલેન્સ ફીમાંથી મુક્તિ.
  • તમામ વેપારી ધિરાણ ગ્રાહકો માટે ડિજિટલ ટ્રેડ વ્યવહારો માટે બેંક ચાર્જમાં ઘટાડો.

કૉર્પોરેટ બાબતો

  1. એમસીએ-21 રજિસ્ટ્રીમાં રજૂ કરવા જરૂરી કોઈ પણ ડોક્યુમેન્ટ, રિટર્ન, સ્ટેટમેન્ટ વગેરેના સંબંધમાં, બાકી નીકળતી તારીખને ધ્યાનમાં લીધા વિના 01 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2020 સુધીના મોરેટોરિયમ સમયગાળા દરમિયાન લેટ ફાઇલિંગ માટે વધારાની કોઈ ફી લેવામાં નહીં આવે, જેનાથી નીતિનિયમોનું ભારણ ઘટવાની સાથે લાંબા સમયથી નીતિનિયમોનું પાલન કરી શકતી/એલએલપીને નવેસરથી શરૂઆત કરવાની તક મળશે, જેમાં નાણાકીય ભારણ ધરાવતી કંપનીઓ/એલએલપી સામેલ છે;
  2. કંપનીઝ (ઓડિટરનો રિપોર્ટ) ઓર્ડર, 2020 અગાઉ જાહેર થયા મુજબ નાણાકીય વર્ષ 2019-20ને બદલે નાણાકીય વર્ષ 2020-21થી લાગુ થશે. એનાથી નાણાકીય વર્ષ 2019-20 માટે કંપનીઓ અને તેમના ઓડિટરો પરના ભારણમાં નોંધપાત્ર ઘટાડો થશે.
  3. કંપની ધારા, 2013ના પરિશિષ્ટ 4 મુજબ, સ્વતંત્ર નિર્દેશકોને બિન-સ્વતંત્ર નિર્દેશકો અને વ્યવસ્થાપક મંડળનાં સભ્યોની હાજરી વિના ઓછામાં ઓછી એક બેઠક કરવી પડશે. વર્ષ 2019-20 માટે જો કંપનીનાં સ્વતંત્ર નિર્દેશકો એક પણ બેઠક કરી શક્યાં નહીં હોય, તો એને ઉલ્લંઘન તરીકે ગણવામાં નહીં આવે.
  4. 30 એપ્રિલ, 2020 અગાઉ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાકતી ડિપોઝિટનો 20 ટકા હિસ્સો રિઝર્વ રાખવાની જરૂરિયાતમાં 30 જૂન, 2020 સુધી છૂટછાટ આપવામાં આવશે.
  5. 30 એપ્રિલ, 2020 અગાઉ ચોક્કસ માધ્યમોમાં કોઈ ખાસ વર્ષ દરમિયાન પાકતા ડિબેન્ચર્સના 15 ટકા હિસ્સાનું રોકાણ કરવાની આવશ્યકતાને 30 જૂન, 2020 અગાઉ પૂર્ણ કરી શકાશે.
  6. નવી રચાયેલી કંપનીઓને રચના થયા પછી 6 મહિનાની અંદર વ્યવસાય શરૂ કરવા માટેની જાહેરાત કરવાની જરૂર પડે છે. હવે આ માટે 6 મહિનાનો ગાળો લંબાવવામાં આવશે.
  7. કંપની ધારાની કલમ 149 હેઠળ દરેક કંપનીના ઓછામાં ઓછા નિર્દેશકને ઓછામાં ઓછા 182 દિવસ સુધી ભારતમાં લઘુતમ રોકાણ કરવાની જરૂર છે. જો એનું પાલન ન થયું હોય તો એને ઉલ્લંઘન ગણવામાં નહીં આવે.
  8. કોવિડ-19ને કારણે મોટા પાયે આર્થિક તણાવ ઊભો થવાથી મોટા ભાગની કંપનીઓમાં નાણાકીય તણાવયુક્ત સ્થિતિ ઊભી થવાને કારણે આઇબીસી 2016ની કલમ 4 હેઠળ ડિફોલ્ટની લઘુતમ મર્યાદા વધારીને રૂ. 1 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે (હાલ મર્યાદા રૂ. 1 લાખ છે). એનાથી મોટા ભાગની એમએસએમઈ સામે નાદારીની પ્રક્રિયા શરૂ નહીં થાય. જો હાલની સ્થિતિ 30 એપ્રિલ, 2020 પછી પણ જળવાઈ રહેશે, તો અમે આઇબીસી 2016ની કલમ 7, 9 અને 10ને 6 મહિના માટે રદ કરવાનો વિચાર કરી શકીએ, જેથી આ પ્રકારની કટોકટીનાં ગાળામાં સ્વાભાવિક રીતે ડિફોલ્ટ થવાના કેસમાં કંપનીઓ નાદારીની પ્રક્રિયા હેઠળ આવતી અટકશે.
  9. આ સંબંધમાં વિસ્તૃત અધિસૂચનાઓ/પરિપત્રો અલગથી કૉર્પોરેટ મંત્રાલય બહાર પાડશે.

મતસ્યપાલન વિભાગ

  1. 01.03.2020 થી 15.04.2020 વચ્ચે પૂર્ણ થતી એસપીએફ શ્રીમ્પ બ્રૂડસ્ટોક અને અન્ય કૃષિ આંતરિક ચીજવસ્તુઓની આયાત માટે ઑલ સેનિટરી પરમિટ (એસઆઇપી) 3 મહિના માટે લંબાવવામાં આવી
  2. માલના આગમનમાં વિલંબમાં 1 મહિનાની છૂટ આપવામાં આવી.
  3. એક્વેટિક ક્વૉરન્ટાઇન ફેસિલિટી (એક્યુએફ)માં રદ થયેલા કન્સાઇન્મેન્ટ માટે ક્વૉરન્ટાઇન ક્યુબિકલનું ફરી બુકિંગ કરાવવા માટે બુકિંગનો વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે
  4. ક્વૉરન્ટાઇન માટે એનઓસી (ના-વાંધા પ્રમાણપત્ર)ના ડોક્યુમેન્ટની ખરાઈ અને મંજૂરી મેળવવા માટે છૂટછાટનો ગાળો 3 દિવસથી લંબાવીને 7 દિવસ કરવામાં આવશે.

વાણિજ્ય વિભાગ

વિવિધ નીતિનિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવા માટે સમયમર્યાદા વધારવામાં આવશે. વાણિજ્ય મંત્રાલય આ વિશે વિગતવાર અધિસૂચનાઓ જાહેર કરશે.

 

SD/GP/RP

 



(Release ID: 1607987) Visitor Counter : 371