પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દવા ઉદ્યોગના અગ્રણીઓ સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ દવા ઉદ્યોગને કોવિડ-19 માટે RNA પરીક્ષણ કીટ્સના ઉત્પાદન પર યુદ્ધના ધોરણે કામ કરવા કહ્યું

સરકાર APIનો પૂરવઠો તેમજ દેશમાં જ તેનું ઉત્પાદન જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે: પ્રધાનમંત્રી

આવશ્યક દવાઓનો પૂરવઠો જાળવી રાખવો અને તેના કાળાબજાર તેમજ સંગ્રહખોરી અટકાવવી હિતાવહ છે: પ્રધાનમંત્રી

Posted On: 21 MAR 2020 7:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દવા ઉદ્યોગના અગ્રણીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના પડકારનો સામનો કરવા માટે દવાના ઉત્પાદકો અને વિતરકોની ભૂમિકા અંત્યત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, આ ઉદ્યોગે માત્ર આવશ્યક દવાઓ, મેડિકલ કીટ્સ અને ઉપકરણોનો પૂરવઠો જળવાઇ રહે એટલું જ સુનિશ્ચિત નથી કરવાનું પરંતુ, સાથે સાથે તેમણે નવા અને નવીનતાપૂર્ણ ઉકેલો સાથે આગળ આવવાનું છે.

તેમણે કહ્યું કે, સરકાર સક્રિય દવા સામગ્રી (API)નો પૂરવઠો દેશમાં જળવાઇ રહે તે માટે આ ઉદ્યોગને મદદ કરવા પ્રતિબદ્ધ છે. તેમજ દેશમાં જ આવી APIના ઉત્પાદનના મહત્વનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અત્યંત મહત્વની દવાઓ અને તબીબી ઉપકરણોનું ઉત્પાદન દેશમાં જ સુનિશ્ચિત કરવા માટે, સરકારે અનુક્રમે રૂ. 10,000 કરોડ અને રૂ. 4,000 કરોડની યોજનાઓને મંજૂરી આપી દીધી છે.

પ્રધાનમંત્રીએ કોવિડ-19 માટે RNA નિદાન કીટ્સનું યુદ્ધના ધોરણે ઉત્પાદન કરવા માટે કામ કરવા આ ઉદ્યોગના અગ્રણીઓને વિનંતી કરી હતી.

તેમણે કહ્યું હતું કે, દવાઓના છુટક વિક્રેતાઓ અને ફાર્માસિસ્ટ્સ પર સતત દેખરેખ રાખવામાં આવે છે જેથી દવાઓના કાળાબજાર અને સંગ્રહખોરી ટાળી શકાય અને આવશ્યક દવાઓનો પૂરવઠો જળવાઇ રહે. તેમણે સૂચન કર્યું હતું કે, જ્યારે પણ શક્ય હોય ત્યારે, દવાના જથ્થાબંધ પૂરવઠાને પણ ટાળવો જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જરૂરિયાતના આ સમયમાં, આ ઉદ્યોગ અવિરત કામ કરે તેમજ દવા ઉદ્યોગમાં કામદારોની કોઇ અછત ઉભી ન થાય તે સુનિશ્ચિત કરે હિતાવહ છે. તેમણે સૂચન કર્યું હતું કે, ફાર્મસીઓ પર સામાજિક અંતર જાળવી રાખવા માટે હોમ-ડિલિવરીનું મોડેલ અપનાવવું જોઇએ અને વાયરસનો ફેલાવો અટકાવવા માટે ડિજિટલ પેમેન્ટ તંત્રના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવું જોઇએ.

ફાર્માસ્યુટિકલ સંગઠનોએ આવા કટોકટીના સમયમાં અસરકારક નેતૃત્વ બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સંગઠનોએ કહ્યું હતું કે, તેઓ આવશ્યક દવાઓ અને ઉપકરણોને પૂરવઠો જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે અને આ વાયરસની રસી તૈયાર કરવા માટે પણ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, દવા ઉદ્યોગ માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નીતિથી આ ક્ષેત્રને ખૂબ મોટો વેગ મળશે.

પ્રધાનમંત્રીએ આ ઉદ્યોગના સમર્પણ અને પ્રતિબદ્ધતાની તેમજ જે જુસ્સા સાથે તેઓ કામ કરી રહ્યા છે તેની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમનામાં લોકોના ભરોસાના કારણે, લોકોમાં વૈજ્ઞાનિક માહિતીનો પ્રસાર કરવામાં પણ તેમની ભૂમિકા ઘણી મહત્વની છે.

ફાર્માસ્યુટિકલ સચિવે આવશ્યક ચીજોનો પૂરવઠો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકારના અવિરત પ્રયાસો, હવાઇમથકો અને બંદરોના અધિકારીઓ સાથે સતત કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. આરોગ્ય સચિવે ફાર્માસ્યુટિકલ સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, અત્યાર સુધી કોઇપણ પ્રકારની અછત વર્તાઇ નથી અને સુરક્ષાત્મક વસ્ત્રો ઉત્પાદન સંગઠનો સાથે જોડાણ અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ, રસાયણ અને ખાતર મંત્રી, અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, ભારત સરકારના આરોગ્ય, કાપડ, દવા વિભાગના સચિવો, ફાર્માસ્યુટિકલ અલાયન્સ, ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર એસોસિએશન, ઓર્ગેનાઇઝેશન ઓફ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ્સ, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, બલ્ક ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન અને એસોસિએશન ઓફ મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રી સહિત ફાર્માસ્યુટિકલ સંગઠનોના વરિષ્ઠ પ્રતિનિધીઓએ આ વાર્તાલાપમાં ભાગ લીધો હતો.

RP(Release ID: 1607565) Visitor Counter : 201