સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને નોવલ કોરોનાવાયરસ (કોવિડ-19) સામે લેવામાં આવેલા પગલાં અને આગામી તૈયારીઓની સમીક્ષા કરી


“નિયમિત ધોરણે ક્વૉરેન્ટાઇન સુવિધાઓની મુલાકાત લઇને સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને દેખરેખ રાખવા માટે ખાસ ટીમોની નિયુક્તી”

Posted On: 18 MAR 2020 3:24PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં આજે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, સફદરગંજની ડૉ. આર.એમ.એલ. હોસ્પિટલ અને એઇમ્સ જેવી કેન્દ્ર સરકારની હોસ્પિટલોના એમએસ/નિદેશકો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકના આરંભમાં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કેન્દ્ર અને રાજ્યો સ્તરે તેમજ વિદેશમાં આવેલા ભારતીય દૂતાવસોમાં વિવિધ મંત્રાલયો સાથે નજીકના સંકલન સાથે લેવામાં આવેલા વિવિધ પગલાંની પ્રશંસા કરી હતી. કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન બાબતે વિવિધ રાજ્યોની સક્રિય દેખરેખ, અસરકારક સંપર્ક ટ્રેસિંગ અને આ બાબતે તેમની સજ્જતાને પણ તેમણે બિરદાવી હતી.

તેમણે OPD બ્લૉક, પરીક્ષણ કીટ્સની ઉપલબ્ધતા, વ્યક્તિગત સંરક્ષણ ઉપકરણો (PPE), દવાઓ અને પૂરતા પ્રમાણમાં આઇસોલેશન વૉર્ડ્સ જેવી હોસ્પિટલ વ્યવસ્થાપન સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલોને નિર્દેશ આપ્યા હતા કે તેઓ તમામ સ્વાસ્થ્ય વર્કર માટે પૂરતા પ્રમાણમાં રક્ષણાત્મક સામાન-સામગ્રીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે. વ્યક્તિગત સંરક્ષણ ઉપકરણો (PPE), માસ્ક, સેનિટાઈઝર, હાથમાં રાખવામાં આવતા થર્મોમીટર્સ વગેરેની પૂરતી માત્રામાં ખરીદી કરવામાં આવી છે અને માગને અનુલક્ષીને નિર્ધારિત સ્થળોએ આ સામગ્રી પૂરી પાડવામાં આવી છે તેમજ ભવિષ્યમાં ઉભી થનારી માગને ધ્યાનમાં રાખીને જથ્થો જાળવી રાખવામાં આવ્યો છે તે અંગે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ડૉ. હર્ષવર્ધને હવાઇમથકો/પરિવહનના અન્ય મુખ્ય સ્થળો સહિત તમામ જગ્યાએ વિદેશથી પરત લાવવામાં આવેલા ભારતીયો માટે ક્વૉરેન્ટાઇન સુવિધાઓની ખૂબ જ ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. આ સમીક્ષામાં તેમણે મુસાફરોનું વિભાજન, ક્વૉરેન્ટાઇન સુવિધાઓ સુધી તેમનું પરિવહન, હેલ્થ ચેકઅપ વગેરે વિવિધ પરિબળોને ધ્યાનમાં લીધા હતા. કવૉરેન્ટાઇન સુવિધામાં પૂરતા પ્રમાણમાં સુવિધાઓ અને સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાનું સુનિશ્ચિત કરવા માટે ક્વૉરેન્ટાઇન સુવિધાઓના નિયમિત નિરીક્ષણ અને દેખરેખ માટે ટીમો નિયુક્ત કરવા અંગે આરોગ્ય મંત્રીએ નિર્દેશો આપ્યા હતા અને જણાવ્યું હતું કે, આ સુવિધાઓમાં સુધારાના ઉદ્દેશ્ય સાથે તેઓ દરરોજ તેની સમીક્ષા કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ સંબંધિત રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે પરિસ્થિતિની વધુ સમીક્ષા કરી રહ્યા છે.

કટોકટી વ્યસ્થાપનમાં અસરકારક સંચાર અત્યંત મહત્વપૂર્ણ હોવાનું ટાંકતા ડૉ. હર્ષવર્ધને મલ્ટી-મીડિયા અભિયાનો શરૂ કરવાની સલાહ આપી હતી. આવા અભિયાનોમાં સુરક્ષાત્મક પગલાં, ગેરમાન્યતાઓ, મોટા જનસમૂહને માર્ગદર્શિકાઓ, સલાહસૂચનો, પરીક્ષણ લેબ વગેરેની માહિતીથી સજ્જ કરવા વગેરે બાબતો પર મુખ્યત્વે ધ્યાન આપવાની તેમણે સલાહ આપી હતી.

 

SD/GP/RP



(Release ID: 1606928) Visitor Counter : 203