પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દક્ષિણ એશિયામાં કોવિડ-19નો સામનો કરવા સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ સાથે ચર્ચા કરી
પ્રધાનમંત્રીએ સાર્ક દેશો માટે કોવિડ-19 ઇમરજન્સી ફંડ સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરી
Posted On:
15 MAR 2020 6:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે દક્ષિણ એશિયાનાં દેશોમાં કોવિડ-19 સામે સંયુક્તપણે અભિયાન ચલાવવા માટે સર્વસામાન્ય વ્યૂહરચના બનાવવાની ચર્ચા કરી હતી.
સહિયારો ઇતિહાસ – સંયુક્તપણે ઉજ્જવળ ભવિષ્ય
પ્રધાનમંત્રીએ આટલા ટૂંકા સમયગાળામાં કોન્ફરન્સમાં જોડાવા બદલ નેતાઓને આભાર માન્યો હતો. સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં લોકો વચ્ચે પ્રાચીન સમયથી સંપર્ક અને આ તમામ દેશોનાં સમાજો એકબીજા સાથે જોડાયેલા હોવાની બાબત પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દક્ષિણ એશિયાનાં તમામ દેશોને કોરોનાવાયરસનાં પડકારનો સામનો કરવા સંયુક્તપણે તૈયારી કરવાની ફરજ પડી છે.
ભવિષ્યનો માર્ગ
સાર્ક સંગઠનનાં સભ્ય દેશો સાથસહકારની ભાવનાને જોઈને પ્રધાનમંત્રી મોદીએ તમામ દેશો પાસેથી સ્વૈચ્છિક યોગદાન પર આધારિત કોવિડ-19 ઇમરજન્સી ફંડ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી હતી, જેમાં ભારતે આ ફંડ માટે 10 મિલિયન ડોલરની જાહેરાત કરી છે. આ ફંડનો ઉપયોગ કોઈ પણ ભાગીદાર દેશ તાત્કાલિક પગલાં ભરવાનાં ખર્ચને પૂર્ણ કરવા માટે કરી શકશે. તેમણે જાણકારી આપી હતી કે, ભારતે ડૉક્ટરો અને નિષ્ણાતોની રેપિડ રિસ્પોન્સ ટીમ બનાવી છે, જેની પાસે ટેસ્ટિંગ કિટ અને અન્ય ઉપકરણ છે. જો જરૂર પડે, તો આ સભ્ય દેશોની મદદ કરવા આ ટીમ ભારત મોકલશે.
પ્રધાનમંત્રીએ પડોશી દેશોની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો માટે ઓનલાઇન ટ્રેનિંગ કેપ્સૂલ માટેની વ્યવસ્થા કરવાની ઓફર પણ કરી હતી. તેમણે વાયરસનાં સંભવિત વાહકો પર નજર રાખવામાં મદદરૂપ થવા અને તેઓ જે લોકોનાં સંસર્ગમાં આવે તેમના પર નજર રાખવામાં સહાયક થવા ભારતની ઇન્ટિગ્રેટેડ સર્વેલન્સ પોર્ટલ પાછળ કામ કરતું સોફ્ટવેર પણ ઓફર કર્યું હતું. તેમણે સૂચન કર્યું હતું કે, સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર જેવી હાલની વ્યવસ્થાનો ઉપયોગ શ્રેષ્ઠ પદ્ધતિઓમાં થઈ શકશે.
તેમણે દક્ષિણ એશિયાનાં દેશોની અંદર કોવિડ-19 રોગચાળાને નિયંત્રણમાં લેવા સંકલિત સંશોધન કરવા કોમન રિસર્ચ પ્લેટફોર્મ ઊભું કરવાનું સૂચન પણ કર્યું હતું. તેમણે કોવિડ-19નાં લાંબા ગાળાના આર્થિક પરિણામો પર તથા એની અસરથી આંતરિક વેપાર અને સ્થાનિક મૂલ્ય સાંકળને કેવી શ્રેષ્ઠ રીતે બચાવી શકાય એ અંગે નિષ્ણાતો દ્વારા વિચારણા કરવાનું સૂચન પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ સર્વસામાન્ય સાર્ક પેન્ડેમિક પ્રોટોકોલ (સાર્કનાં સભ્ય દેશો વચ્ચે રોગચાળાની સામાન્ય આચારસંહિતા) બનાવવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી, જે સરહદો અને દેશોની અંદર લાગુ કરી શકાશે, ખાસ કરીને દક્ષિણ એશિયાનાં દેશોમાં આ પ્રકારનાં ઇન્ફેક્શનનું નિવારણ કરવા અને આંતરિક અવરજવરને મુક્ત રાખવા.
નેતાઓએ પ્રધાનમંત્રીઓને આ પહેલ લેવા બદલ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ તમામ દેશોએ સંયુક્તપણે આ લડત લડવા ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, સાર્ક દેશો દ્વારા પડોશી દેશો સાથેનું જોડાણ આખી દુનિયા માટે ઉદાહરણરૂપ બનવું જોઈએ.
સહિયારો અનુભવ
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત માટે કોવિડ-19 માટેનો માર્ગદર્શક મંત્ર છે – “તૈયાર રહો, ગભરાવ નહીં.” તેમણે કેન્દ્ર સરકારે લીધેલા સક્રિય પગલાં વિશે જાણકારી આપી હતી, જેમાં ગ્રેડેડ રિસ્પોન્સ વ્યવસ્થા, દેશમાં પ્રવેશ કરતાં લોકોની ચકાસણી, ટીવી, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર જનતાને જાગૃતિ કરવા માટેના અભિયાનો, જોખમી જૂથો સુધી પહોંચવા વિશેષ પ્રયાસો કરવા, નિદાન સુવિધાઓ વધારવી અને રોગચાળાને નિયંત્રણમાં રાખવા દરેક તબક્કા માટે આચારસંહિતા વિકસાવવા સામેલ છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં જુદા-જુદા દેશોમાંથી લગભગ 1,400 ભારતીયોને સફળતાપૂર્વક સ્વદેશ પરત લાવવામાં આવ્યાં છે તેમજ સાથે-સાથે પડોશી દેશોને પ્રાથમિકતા આપવાની નીતિ અંતર્ગત પડોશી દેશોનાં કેટલાંક નાગરિકોને પણ સ્થળાંતરિત કર્યા છે.
અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાન માટે સૌથી મોટું જોખમ ઇરાન સાથે ખુલ્લી સરહદ છે. તેમણે પ્રસારની મોડલ પેટર્ન, ટેલીમેડિસિન માટે સામાન્ય માળખું ઊભું કરવા અને પડોશી દેશો વચ્ચે વિસ્તૃત સાથસહકારની દરખાસ્ત રજૂ કરી હતી.
રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે ભારત સરકારનો કોવિડ-19 કેસોનું સમાધાન કરવા ભારતે મોકલેલી તબીબી સહાય અને વુહાનમાંથી માલ્દિવ્સનાં નવ નાગરિકોને સફળતાપૂર્વક બહાર લાવવા બદલ આભાર માન્યો હતો. તેમણે માલ્દિવ્સમાં પ્રવાસન ઉદ્યોગ પર કોવિડ-19ની નકારાત્મક અસર વિશે અને એની દેશના અર્થતંત્ર પર ગંભીર અસર વિશે વાત કરી હતી. તેમણે સાર્ક સંગઠનનાં દેશોની આરોગ્ય ક્ષેત્રની ઇમરજન્સી સંસ્થાઓ વચ્ચે ગાઢ સાથસહકાર સ્થાપિત કરવાની, આર્થિક રાહત પેકેજ બનાવવાની અને આ વિસ્તાર માટે લાંબા ગાળાની રિકવરી યોજના બનાવવાની દરખાસ્ત રજૂ કરી હતી.
શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષાએ ભલામણ કરી હતી કે, સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ મુશ્કેલ સમયગાળામાંથી બહાર આવવા અર્થતંત્રને મદદ કરવા ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે. તેમણે કોવિડ-19નો સામનો કરવા શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવા અને પ્રાદેશિક બાબતોનું સંકલન કરવા સાર્ક દેશોનાં મંત્રીસ્તરીય જૂથની રચના કરવાની ભલામણ પણ કરી હતી.
બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી મોદીનો 23 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ભારતીય વિદ્યાર્થીઓ સાથે વુહાનમાં ક્વૉરેન્ટાઇન સમયગાળા દરમિયાન બહાર લાવવા બદલ આભાર માન્યો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં આરોગ્ય મંત્રીઓ અને સચિવો વચ્ચે ટેકનિકલ સંવાદ જાળવી રાખવાની દરખાસ્ત રજૂ કરી હતી.
નેપાળનાં પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓની કોવિડ-19 સામે લડવા નેપાળે લીધેલા વિવિધ પગલાં વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સાર્ક સંગઠનનાં સભ્ય દેશોની સંયુક્ત શાણપણ અને પ્રયાસોથી આ રોગચાળા સામે લડવા મજબૂત અને અસરકારક વ્યૂહરચના મદદરૂપ થઈ શકે છે.
ભૂટાનનાં પ્રધાનમંત્રી ડૉક્ટર લોતાય ત્શેરિંગે કહ્યું હતું કે, આ રોગચાળો ભૌગોલિક સરહદો પૂરતો મર્યાદિત નથી એટલે તમામ દેશોએ ખભેખભો મિલાવીને કામ કરવું મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, આ રોગચાળો નાનાં અને જોખમ ધરાવતા અર્થતંત્રોને અસમાનપણે અસર કરશે. તેમણે કોવિડ-19ની આર્થિક અસરો વિશે વાત કરી હતી.
ડૉક્ટર ઝફર મિર્ઝાએ દરખાસ્ત રજૂ કરી હતી કે, સાર્ક સચિવાલય આરોગ્ય સંબંધિત માહિતી, ડેટાનું આદાન-પ્રદાન અને રિયલ ટાઇમમાં સંકલન સ્થાપિત કરવા માટે રાષ્ટ્રીય સત્તામંડળોના કાર્યકારી જૂથને સ્થાપિત કરવું ફરજિયાત બનાવશે. તેમણે સાર્ક સંગઠનનાં સભ્ય દેશોના આરોગ્ય મંત્રીઓની કોન્ફરન્સ યોજના અને રિયલ ટાઇમમાં રોગની સ્થિતિ વિશે જાણકારી આપવા પ્રાદેશિક વ્યવસ્થા વિકસાવવાની દરખાસ્ત રજૂ કરી હતી.
RP
(Release ID: 1606482)
Visitor Counter : 242
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam