પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં મેગા ડિસ્ટ્રીબ્યુશન કેમ્પ (સામાજિક અધિકારિતા શિબિર)માં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનસામગ્રી અને ઉપકરણો વહેંચ્યા


દરેક વ્યક્તિને લાભ થાય, દરેક વ્યક્તિને ન્યાય મળે એ સરકારની જવાબદારી છેઃ પ્રધાનમંત્રી

છેલ્લાં પાંચ વર્ષમાં આશરે 9,000 વિશાળ શિબિરોનું આયોજન થયું છેઃ પ્રધાનમંત્રી

Posted On: 29 FEB 2020 1:42PM by PIB Ahmedabad

અત્યાર સુધીની સૌથી મોટી સામાજિક અધિકારતા શિબિરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં એક વિશાળ વિતરણ કેમ્પમાં આશરે 27,000 વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને સહાયક સાધનો અને ઉપકરણોનું વિતરણ કર્યું હતું.

વિશાળ વિતરણ શિબિરનું આયોજન રાષ્ટ્રીય વયોશ્રી યોજના આરવીવાય અને ભારત સરકારનાં એડીઆઇપી યોજનાઓ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને સુવિધા પ્રદાન કરવા માટે થયું હતું.

અહીં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ સંસ્કૃતિની એક પ્રાચીન સૂક્તિને ટાંકી હતી स्वस्ति: प्रजाभ्यः परिपालयंतां. न्यायेन मार्गेण महीं महीशाः એટલે કે દરેકની સાથે સમાન વ્યવહાર કરવો અને ન્યાય કરવો સરકારની ફરજ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ સૂક્તિ જ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસની વિચારસરણીનો આધાર છે. આ ભાવના સાથે અમારી સરકાર સમાજની દરેક અને તમામ વ્યક્તિઓનાં કલ્યાણ અને વિકાસ માટે કામ કરે છે. મારી સરકારની પ્રથમ પ્રાથમિકતા 130 કરોડ ભારતીયોના રક્ષણની છે, પછી એ વરિષ્ઠ નાગરિકો હોય, દિવ્યાંગજનો હોય, આદિવાસીઓ હોય કે વંચિત કે પછાત વર્ગની હોય.

સહાયક સાધનસામગ્રી અને ઉપકરણોનાં વિતરણનાં આ વિશાળ શિબિર વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ શિબિર સરકારના તમામનાં જીવનને વધુ સુવિધાજનક બનાવવાનો પ્રયાસ છે.

તેમણે કહ્યું હતું કે, “અગાઉની સરકારોનાં શાસનકાળ દરમિયાન આ પ્રકારની વિતરણ શિબિરોનું આયોજન ભાગ્યે જ થતું હતું અને આ પ્રકારની વિશાળ શિબિરો તો અતિ દુર્લભ હતી. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન અમારી સરકારે દેશનાં વિવિધ ભાગોમાં આશરે 9,000 શિબિરોનું આયોજન કર્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારનાં છેલ્લાં પાંચ વર્ષમાં દિવ્યાંગજનોને રૂ. 900 કરોડથી વધારે મૂલ્યની સાધનસામગ્રી અને ઉપકરણોનું વિતરણ કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “નવી ભારતનું નિર્માણ કરવાની પ્રક્રિયામાં દિવ્યાંગ યુવાનો અને બાળકો સમાન ભાગીદારી બને એ જરૂરી છે. સરકાર તેમને ઔદ્યોગિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર કે રમતગમત અને રમતોનાં ક્ષેત્રમાં પ્રોત્સાહન આપી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, “અમારી પ્રથમ સરકાર છે, જેણે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનાં અધિકારો માટેનો કાયદો બનાવ્યો છે, જેના પગલે વિકલાંગતાની કેટેગરીઓની સંખ્યા 7થી વધીને 21 થઈ છે. અમે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં દિવ્યાંગજનો માટે અનામતનો ક્વોટા 3 ટકાથી વધારીને 5 ટકા કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં દેશમાં ઘણી બિલ્ડિંગોનું નિર્માણ થયું છે, 700થી વધારે રેલવે સ્ટેશનો અને એરપોર્ટનું નિર્માણ થયું છે, જેમાં દિવ્યાંગજનો માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. બાકીની બિલ્ડિંગોમાં પણ સુગમ્ય ભારત અભિયાન સાથે જોડવામાં આવશે.

લાભાર્થીઓની સંખ્યાની, વિતરણ થયેલા ઉપકરણોની સંખ્યા તથા સાધનસામગ્રી અને ઉપકરણોની કિંમતની દ્રષ્ટિએ દેશમાં આ અત્યાર સુધીની સૌથી મોટી વિતરણ શિબિર હતી.

આ વિશાળ શિબિરમાં વિવિધ પ્રકારની 56,000થી વધારે સાધનસામગ્રી અને ઉપકરણોનું વિતરણ 26,000થી વધારે લાભાર્થીઓને નિઃશુલ્ક થયું છે.

એનો ઉદ્દેશ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને રોજિંદા જીવનમાં ઉપયોગી સાધનસામગ્રી અને ઉપકરણો પૂરા પાડવાનો તેમજ તેમની સામાજિક-આર્થિક સ્થિતિને વધારવાનો છે.

 

RP



(Release ID: 1604761) Visitor Counter : 175