રાષ્ટ્રપતિ સચિવાલય

71માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ

Posted On: 25 JAN 2020 7:39PM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ,

  1. 71મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ, હું દેશ અને વિદેશમાં વસતા ભારતના તમામ લોકોને, હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

 

  1. આજથી સાત દશક પહેલાં, 26 જાન્યુઆરીએ, આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. તેનાથી પહેલાં જ આ તારીખનું વિશેષ મહત્ત્વ સ્થાપિત થઈ ગયું હતું. પૂર્ણ સ્વરાજનો સંકલ્પ લીધા બાદ આપણા દેશવાસીઓ, 1930 થી 1947 સુધી, દર વર્ષે 26 જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ ઊજવતા હતા.

તેથી વર્ષ 1950માં એ જ ઐતિહાસિક દિવસે, આપણે ભારતના લોકોએ, બંધારણના આદર્શોમાં આસ્થા વ્યક્ત કરતાં, એક પ્રજાસત્તાક રૂપે પોતાની યાત્રા શરૂ કરી. અને ત્યારથી દર વર્ષે 26 જાન્યુઆરીએ આપણે પ્રજાસત્તાક દિવસ ઊજવીએ છીએ.

 

  1. આધુનિક પ્રજાસત્તાક શાસન વ્યવસ્થાના ત્રણ અંગ હોય છે – વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. આ ત્રણેય અંગો સ્વાયત્ત હોવા છતાં પણ એકબીજાથી જોડાયેલાં હોય છે અને એકબીજા પર આધારિત પણ હોય છે. પરંતુ હકીકતમાં તો લોકોથી જ રાષ્ટ્ર બને છે. આપણે ભારતના લોકો જ આપણા પ્રજાસત્તાકનું સંચાલન કરીએ છીએ. આપણા સહિયારા ભવિષ્ય વિશે નિર્ણય લેવાની વાસ્તવિક શક્તિ આપણા ભારતના લોકોમાં જ સમાયેલી છે.

 

  1. આપણા બંધારણે, આપણને સૌને એક સ્વાધીન લોકતંત્રના નાગરિક રૂપે, અમુક અધિકારો પ્રદાન કર્યા છે. પરંતુ બંધારણ અંતર્ગત જ, આપણે સૌએ એ જવાબદારી પણ લીધી છે કે આપણે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા તથા ભાઈચારાના મૂળભૂત લોકતાંત્રિક આદર્શો પ્રત્યે સદૈવ પ્રતિબધ્ધ રહીએ. રાષ્ટ્રના નિરંતર વિકાસ અને પરસ્પર ભાઈચારા માટે, આ જ સૌથી ઉત્તમ માર્ગ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં જીવન મૂલ્યો અપનાવવાથી, આ બંધારણીય આદર્શોનું પાલન કરવું આપણા સૌના માટે વધુ સરળ બની જાય છે. આમ કરવાથી આપણે સૌ, મહાત્મા ગાંધીની 150મી જયંતીને વધુ સાર્થક આયામ આપી શકીશું.

 

  1. મારા પ્રિય દેશવાસીઓ, જનકલ્યાણ માટે સરકારે અનેક અભિયાનો ચલાવ્યાં છે. એ વાત વિશેષ રૂપે ઉલ્લેખનીય છે, કે નાગરિકોએ સ્વેચ્છાએ એ અભિયાનોને લોકપ્રિય જનઆંદોલનોનું રૂપ આપ્યું છે. જનતાની ભાગીદારીને કારણે સ્વચ્છ ભારત અભિયાને બહુ ઓછા સમયમાં પ્રભાવશાળી સફળતા હાંસલ કરી છે. ભાગીદારીની આ જ ભાવના, અન્ય ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલા પ્રયાસોમાં પણ જોવા મળી રહી છે – પછી તે રાંધણ ગેસની સબસિડી છોડવાની હોય, કે પછી ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવાનું હોય. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સિધ્ધિઓ ગૌરવ કરવા યોગ્ય છે. લક્ષ્યને પૂરું કરતાં, 8 કરોડ લાભાર્થિઓને આ યોજનામાં સામેલ કરી દેવામાં આવ્યા છે. આમ થવાથી જરૂરિયાતમંદ લોકોને હવે સ્વચ્છ ઈંધણની સુવિધા મળી રહી છે. પ્રધાનમંત્રી સહજ વીજળી હર ઘર યોજના એટલે કે સૌભાગ્ય યોજનાથી લોકોના જીવનમાં નવી રોશની આવી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિના માધ્યમથી લગભગ 14 કરોડથી વધુ ખેડૂત ભાઈબહેનો દર વર્ષે 6 હજાર રૂપિયાની લઘુતમ આવક મેળવવાના હકદાર બન્યા છે. તેનાથી આપણા અન્નદાતાઓને સન્માનપૂર્વક જીવન જીવવામાં મદદ મળી રહી છે.

 

વધી રહેલા જળસંકટનો અસરકારક રીતે સામનો કરવા માટે જળશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી છે તથા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે જળ જીવન મિશન પણ સ્વચ્છ ભારત અભિયાનની જેમ જ એક જન આંદોલનનું રૂપ લેશે.

 

  1. સરકારની પ્રત્યેક નીતિની પાછળ, જરૂરિયાતમંદ લોકોના કલ્યાણની સાથેસાથે એ ભાવના પણ હોય છે કે – સૌથી પહેલાં આપણો દેશ. જી.એસ.ટી. અમલમાં આવવાથી એક દેશ, એક કર, એક બજારની અવધારણાને સાકાર સ્વરૂપ મળી શક્યું છે. તેની સાથે, ઈ-નામ યોજના દ્વારા પણ એક રાષ્ટ્ર માટે એક બજાર બનાવવાની પ્રક્રિયા મજબૂત કરવામાં આવી રહી છે, જેનાથી ખેડૂતોને લાભ થશે. આપણે દેશના દરેક ભાગના સંપૂર્ણ વિકાસ માટે નિરંતર પ્રયત્નશીલ છીએ – પછી તે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હોય, પૂર્વોત્તર ક્ષેત્રનાં રાજ્યો હોય કે પછી હિંદ મહાસાગરમાં આવેલા આપણાં દ્વીપ-સમૂહ હોય.

 

  1. દેશના વિકાસ માટે એક સુદ્રઢ આંતરિક સુરક્ષા વ્યવસ્થા હોવી પણ જરૂરી છે. તેના માટે સરકારે આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા નક્કર પગલાં લીધાં છે.

 

  1. આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ સુલભ હોવાની બાબતને સુશાસનનો આધારસ્તંભ માનવામાં આવે છે. છેલ્લાં સાત દશકો દરમ્યાન આપણે આ ક્ષેત્રોમાં એક લાંબી યાત્રા ખેડી છે. સરકારે પોતાના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમો દ્વારા સ્વાસ્થ્યના ક્ષેત્ર પર વિશેષ ભાર આપ્યો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા આયુષ્માન ભારત જેવા કાર્યક્રમોથી ગરીબોના કલ્યાણ પ્રત્યે સંવેદનશીલતા વ્યક્ત થાય છે અને તેમના સુધી અસરકારક સહાય પણ પહોંચી રહી છે.

 

આપણે સૌ જાણીએ છીએ તેમ, આયુષ્માન ભારત યોજના દુનિયાની સૌથી મોટી જનસ્વાસ્થ્ય યોજના બની ગઈ છે. જનસાધારણ માટે આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અને ગુણવત્તા, બન્નેમાં સુધારો આવ્યો છે. જનઔષધિ યોજના મારફતે, વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ ઉપલબ્ધ થવાથી, સામાન્ય પરિવારોમાં સારવાર માટે કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો થયો છે.

 

  1. પ્રિય દેશવાસીઓ, પ્રાચીન કાળમાં જ, એક સારી શિક્ષણ વ્યવસ્થાની આધારશિલા નાલંદા અને તક્ષશિલા જેવા મહાન વિશ્વવિદ્યાલયો રૂપે મૂકવામાં આવી હતી. ભારતમાં સદૈવ, જ્ઞાનને શક્તિ, પ્રસિધ્ધિ કે ધન કરતાં વધુ મૂલ્યવાન માનવામાં આવ્યું છે.


શૈક્ષણિક સંસ્થાઓને ભારતીય પરંપરામાં જ્ઞાનપ્રાપ્તિ માટેનું સ્થાન, અર્થાત્, વિદ્યાનું મંદિર માનવામાં આવે છે. લાંબા સમય સુધીના સાંસ્થાનિક શાસનના કારણે આવેલા પછાતપણાને દૂર કરવામાં, શિક્ષણ જ સશક્તિકરણના એક અસરકારક માધ્યમ રૂપે ઊભર્યું છે. આપણી આધુનિક શિક્ષણ વ્યવસ્થાના આધારનું નિર્માણ આઝાદીની તરત પછીના સમયમાં આરંભ થયું હતું. ત્યારે આપણી પાસે બહુ સીમિત સંસાધનો હતાં. તેમ છતાં, શિક્ષણના ક્ષેત્રમાં આપણી અનેક સિધ્ધિઓ ઉલ્લેખનીય છે. આપણો પ્રયાસ છે કે દેશનું કોઈપણ બાળક અથવા યુવાન, શિક્ષણ સુવિધાથી વંચિત ન રહે. સાથે જ, શિક્ષણ વ્યવસ્થામાં સુધારા કરીને આપણી શિક્ષણ વ્યવસ્થાને વિશ્વસ્તરીય બનાવવા માટે આપણે નિરંતર પ્રયાસ કરતા રહેવાના છે.

 

  1. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોની સિધ્ધિઓ પર આપણા સૌ દેશવાસીઓને ઘણું ગૌરવ છે. ઈસરોની ટીમ પોતાના મિશન ગગનયાનમાં આગળ ધપી રહી છે, અને સૌ દેશવાસીઓ આ વર્ષે ભારતીય સમાનવ અંતરિક્ષ યાન કાર્યક્રમની દિશામાં તેજ ગતિએ આગળ વધવાની ઉત્સાહપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે.

 

  1. આ વર્ષે ટોકિયોમાં ઓલિમ્પિક રમતોનું આયોજન થવા જઈ રહ્યું છે. પારંપારિક રૂપે અનેક રમતોમાં ભારત સારું પ્રદર્શન કરતું આવ્યું છે. આપણા ખેલાડીઓ અને એથ્લીટ્સની નવી પેઢીએ, હમણાંના વર્ષોમાં અનેક રમત સ્પર્ધાઓમાં દેશનું નામ રોશન કર્યું છે. ઓલિમ્પિક 2020ની રમત સ્પર્ધાઓમાં, ભારતીય ખેલાડીઓની સાથે
    કરોડો દેશવાસીઓની શુભકામનાઓ અને સમર્થનની શક્તિ પણ મોજૂદ હશે.

 

  1. પ્રવાસી ભારતીયોએ હંમેશાં દેશનું ગૌરવ વધાર્યું છે. મારી વિદેશ યાત્રાઓ દરમ્યાન મેં જોયું છે કે વિદેશોમાં રહેતા ભારતીયોએ ન માત્ર પોતાના પરિશ્રમથી ત્યાંની ધરતીને સમૃધ્ધ કરી છે, પરંતુ તેમણે વિશ્વ સમુદાયની નજરમાં ભારતની છબિને પણ નિખારી છે. અનેક પ્રવાસીઓએ વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે.

 

  1. મારા પ્રિય દેશવાસીઓ, દેશની સેનાઓ, અર્ધસૈનિક દળો અને આંતરિક સુરક્ષા દળોની હું મુક્ત કંઠે પ્રશંસા કરું છું. દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવામાં તેમનું બલિદાન, અદ્વિતીય સાહસ અને શિસ્તની અમર ગાથાઓ પ્રસ્તુત કરે છે.

આપણા ખેડૂતો, આપણા ડોક્ટર અને નર્સ, વિદ્યા અને સંસ્કાર આપતા શિક્ષકો, કર્મઠ વૈજ્ઞાનિકો અને એન્જિનીયર્સ, સચેત અને સક્રિય યુવાનો, આપણાં કારખાનાઓને પોતાના પરિશ્રમથી ચલાવતા શ્રમિક ભાઈઓ, ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપતા ઉદ્યમીઓ, આપણી સંસ્કૃતિ અને કલાને નિખારતા કલાકારો, ભારતના સેવા ક્ષેત્રને વિશ્વભરમાં સન્માનભર્યું સ્થાન અપાવનાર સૌ વ્યાવસાયિકો તેમ જ બીજાં અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનાર આપણા સૌ દેશવાસીઓ, અને ખાસ કરીને, અનેક અડચણો છતાં સફળતાના નવા માપદંડ સ્થાપિત કરનાર આપણી હોનહાર દીકરીઓ, આ સૌ આપણા દેશનું ગૌરવ છે.

 

  1. આ મહિનાની શરૂઆતમાં, મને દેશના આવા જ કેટલાક કર્મઠ લોકોને મળવાનો અને તેમની સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો, જેમણે વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે. સાદગી અને નિષ્ઠા સાથે ચૂપચાપ પોતાનું કામ કરતા આ લોકોએ, વિજ્ઞાન અને ઇનોવેશન, ખેતી અને વનસંપદાનો વિકાસ, શિક્ષણ, આરોગ્ય, રમતગમત, પ્રાચીન શિલ્પકલાઓને ફરીથી લોકપ્રિય બનાવવી, દિવ્યાંગ વ્યક્તિઓ, મહિલાઓ અને બાળકોના સશક્તિકરણ, તથા જરૂરિયાતમંદ લોકો માટે ભોજન અને પોષણની વ્યવસ્થા કરવા જેવા વિભિન્ન ક્ષેત્રોમાં અપાર યોગદાન આપ્યું છે. ઉદાહરણ રૂપે, જમ્મુ-કાશ્મીરમાં સુશ્રી આરિફા ખાને નમદા હસ્તકળાને ફરીથી લોકપ્રિય બનાવવા માટે, તેલંગાણામાં સુશ્રી રત્નાવલી કોટ્ટપલ્લીએ થેલેસિમિયાથી પીડાતા લોકોના ઉપચાર માટે, કેરળમાં શ્રીમતી દેવકી અમ્માએ પોતાના વ્યક્તિગત પ્રયાસથી વનસંપદા ઉત્પન્ન કરીને, મણિપુરમાં શ્રી જામખોજાંગ મિસાઓએ સામુદાયિક વિકાસ માટે કાર્ય કરીને, અને પશ્ચિમ બંગાળમાં શ્રી બાબર અલીએ બાળપણથી જ વંચિત વર્ગના બાળકોમાં શિક્ષણનો પ્રસાર કરીને પોતાના પ્રશંસનીય યોગદાન દ્વારા લોકોના જીવનમાં આશાનો સંચાર કર્યો છે. આવા તો અનેક લોકો છે, મેં તો તેમાંથી માત્ર અમુક જ નામ લીધાં છે. આવા લોકો એ સિધ્ધ કરે છે કે સામાન્ય વ્યક્તિ પણ પોતાના આદર્શો અને કર્મઠતા બળ પર, સમાજમાં બહુ મોટું પરિવર્તન લાવી શકે છે. બહુ મોટી સંખ્યામાં આવા અનેક સ્વૈચ્છિક સંગઠનો પણ છે, જે સરકારની સાથે મળીને, રાષ્ટ્રનિર્માણના અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

 

  1. પ્રિય દેશવાસીઓ, હવે આપણે એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશી ચુક્યાં છીએ. આ દાયકો નવા ભારતના નિર્માણ અને ભારતીયોની નવી પેઢીના ઉદયનો દશકો બનવા જઈ રહ્યો છે. આ શતાબ્દીમાં જન્મેલા યુવાનો, ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય વિચાર પ્રવાહમાં પોતાની ભાગીદારી નિભાવી રહ્યા છે. સમય વીતવાની સાથે, આપણા સ્વાધીનતા સંગ્રામના પ્રત્યક્ષ સાક્ષી રહેલા લોકો ધીમે-ધીમે આપણાથી વિખૂટા થઈ રહ્યા છે, પરંતુ આપણા સ્વાધીનતા સંગ્રામની આસ્થાઓ હંમેશાં આપણું માર્ગદર્શન કરતી રહેશે. ટેક્નોલોજીમાં થકયેલી પ્રગતિને કારણે, આજના યુવાનોને વ્યાપક જાણકારી ઉપલબ્ધ છે અને તેમનામાં આત્મવિશ્વાસ પણ વધુ છે. આપણી નવી પેઢી આપણા દેશના આધારભૂત મૂલ્યોમાં ગાઢ વિશ્વાસ ધરાવે છે. આપણા યુવાનો માટે દેશ હંમેશાં સર્વોપરિ રહે છે. મને આ યુવાનોમાં, એક ઊભરતા નવા ભારતની ઝલક જોવા મળે છે.

 

  1. રાષ્ટ્ર નિર્માણ માટે, મહાત્મા ગાંધીના વિચારો આજે પણ સંપૂર્ણપણે પ્રાસંગિક છે. ગાંધીજીના સત્ય અને અહિંસાના સંદેશ પર ચિંતન-મનન કરવું એ આપણી દિનચર્યાનો હિસ્સો હોવો જોઈએ. સત્ય અને અહિંસાનો તેમનો સંદેશ આપણા આજના સમયમાં વધુ આવશ્યક થઈ પડ્યો છે. કોઈ પણ ઉદ્દેશ્ય માટે સંઘર્ષ કરતા લોકોએ, ખાસ કરીને યુવાનોએ, ગાંધીજીના અહિંસાના મંત્રને હંમેશાં યાદ રાખવો જોઈએ, કે જે માનવતાને તેમની અણમોલ ભેટ છે.

કોઈ પણ કાર્ય ઉચિત છે કે અનુચિત, એ નક્કી કરવા માટે ગાંધીજીની માનવ કલ્યાણની કસોટી, આપણા લોકતંત્રને પણ લાગુ પડે છે. લોકતંત્રમાં સત્તા અને વિપક્ષ, બન્નેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે. રાજનૈતિક વિચારોની અભિવ્યક્તિની સાથોસાથ, દેશના સમગ્ર વિકાસ અને બધા દેશવાસીઓના કલ્યાણ માટે બન્નેએ હળીમળીને આગળ વધવું જોઈએ.

 

  1. પ્રિય દેશવાસીઓ, પ્રજાસત્તાક દિવસ આપણા બંધારણનો ઉત્સવ છે. આજના દિવસે, હું બંધારણના મહત્ત્વના શિલ્પી એવા બાબાસાહેબ આંબેડકરના એક વિચારની આપ સૌને યાદ અપાવવા માગું છું. તેમણે કહ્યું હતું –

 

જો આપણે માત્ર ઉપરછલ્લી રીતે જ નહિ, પરંતુ વાસ્તવમાં પણ લોકતંત્રને બચાવી રાખવા માગતા હોઈએ, તો આપણે શું કરવું જોઈએ? મારી સમજણ મુજબ, આપણું પહેલું કામ એ સુનિશ્ચિત કરવાનું છે, કે આપણા સામાજિક અને આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે, અડગ નિષ્ઠા સાથે, બંધારણીય ઉપાયોની જ મદદ લેવી જોઈએ.

બાબાસાહેબ આંબેડકરના આ શબ્દોએ, આપણા પથને સદૈવ પ્રકાશિત કર્યો છે. મને વિશ્વાસ છે કે તેમના આ શબ્દો, આપણા રાષ્ટ્રને ગૌરવના શિખર સુધી પહોંચાડવામાં હંમેશાં આપણું માર્ગદર્શન કરતા રહેશે.

 

  1. પ્રિય દેશવાસીઓ, સમગ્ર વિશ્વને એક જ પરિવાર માનવાની વસુધૈવ કુટુંબકમ્ની આપણી વિચારધારા, અન્ય દેશો સાથેના આપણા સંબંધોને મજબૂત બનાવે છે. આપણે આપણા લોકતાંત્રિક મૂલ્યો તથા વિકાસ અને સિધ્ધિઓને સમગ્ર વિશ્વ સામે પ્રસ્તુત કરતા આવ્યા છીએ.

પ્રજાસત્તાક દિનના ઉત્સવમાં વિદેશી રાષ્ટ્ર પ્રમુખોને આમંત્રિત કરવાની આપણી પરંપરા રહી છે. મને આનંદ છે કે આ વર્ષે પણ, આવતીકાલના આપણા પ્રજાસત્તાક દિનના ઉત્સવમાં, આપણા પ્રતિષ્ઠિત મિત્ર બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી હાયર બોલ્સોનારો આપણા સન્માનનીય અતિથિ રૂપે સામેલ થશે.

વિકાસના પથ પર આગળ વધતાં, આપણો દેશ અને આપણે સૌ દેશવાસીઓ, વિશ્વ સમુદાયને સહયોગ આપવા માટે પ્રતિબધ્ધ છીએ, જેથી આપણું અને સમગ્ર માનવતાનું ભવિષ્ય સુરક્ષિત રહે અને સમૃધ્ધ બને.

  1. હું ફરી એક વાર, આપ સૌને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌના સુખદ ભવિષ્યની કામના કરું છું.

 

જય હિંદ!

 

SD/GP/RP



(Release ID: 1600581) Visitor Counter : 342