પ્રધાનમંત્રીનું કાર્યાલય

રિયાદમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવ ફોરમ ખાતે પ્રધાનમંત્રીના મુખ્ય સંબોધનનો મૂળપાઠ

Posted On: 29 OCT 2019 11:05PM by PIB Ahmedabad

Your Royal Highness, મહાનુભવો, દેવીઓ અને સજ્જનો, મિત્રો, નમસ્કાર, ગુડ ઇવનિંગ

હું મહામહિમ રાજા અને બે પાવન મસ્જીદોના સંરક્ષક અને મારા ભાઈ Your Royal Highness ક્રાઉન પ્રિન્સનો આભાર વ્યક્ત કરવા માગીશ કે તેમણે મને આ ફોરમમાં ભાગ લેવાનું નિમંત્રણ આપ્યું. સાઉદી અરેબિયા અને અહિયાં સ્થિત પવિત્ર મસ્જીદ, દુનિયાના કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. આ ભૂમિ વૈશ્વિક અર્થતંત્રનો પણ ઊર્જા સ્ત્રોત રહી છે. આજે રિયાદના આ ઊર્જાવાન શહેરમાં તમારી વચ્ચે મને પણ હકારાત્મક ઊર્જાનો અનુભવ થઇ રહ્યો છે.

મિત્રો,

ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવ ફોરમના વિષયો એ બાબત સ્પષ્ટ કરે છે કે આ ફોરમનો ઉદ્દેશ્ય માત્ર અહિયાંના અર્થતંત્રની જ ચર્ચા કરવાનો નથી. પરંતુ વિશ્વમાં પ્રવર્તમાન પ્રવાહને સમજવાનો અને તેમાંથી વિશ્વ કલ્યાણના માર્ગો શોધવાનો પણ છે. એ જ કારણ છે કે, આ બહુઆયામી મંચ ઉદ્યોગ જગતના કેલેન્ડરનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. માત્ર ત્રણ વર્ષના ટૂંકા સમયગાળામાં જ આ ફોરમે લાંબી યાત્રા પૂરી કરી છે. મારા મીટર અને ભાઈ ક્રાઉન પ્રિન્સ આ સફળતાની માટે ઘણા અભિનંદનને પાત્ર છે. તેમના આ ફોરમને ડેવોસ ઓફ ધ ડેઝર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ગઈ સદીમાં સાઉદી અરેબિયાના લોકોની મહેનત અને કુદરતની રહેમતે રણની રેતીને સોનું બનાવી દીધું. જો ધારત તો સાઉદી અરબનું નેતૃત્વ આરામથી બેસી શકતું હતું, પરંતુ તમે આવનારી અનેક પેઢીઓના વિષયમાં વિચાર્યું, ભવિષ્યની ચિંતા કરી, સંપૂર્ણ માનવતાની કાળજી લીધી.

હું Your Royal Highness ક્રાઉન પ્રિન્સને એ વાત માટે પણ અભિનંદન આપું છું કે તેમણે આ ફોરમનું માત્ર નામ જ ફ્યુચર નથી રાખ્યું પરંતુ તેની સંપૂર્ણ સંકલ્પના ફોરવર્ડ લુકિંગ છે, ભવિષ્ય પ્રત્યે ઉન્મુખ છે. એવામાં, તેમના ભાઈ અને પાડોશી હોવાના નાતે, આ ઉમદા પહેલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકાસમાન અર્થવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે સ્વાભાવિક જ છે.

મિત્રો,

હું આપની વચ્ચે ભારતના લોકોની શુભેચ્છા લઇને આવ્યો છું. અમારો સાઉદી અરબથી સંબંધ હજારો વર્ષોનો રહ્યો છે. એવી મિત્રતા રહી છે, જેમ કે તમે લોકો કહો છો ને – સદકતુમ, કે એકબીજાને ત્યાં અમને પોતાપણું લાગે છે. અમારા ઐતિહાસિક સંબંધો અને સંપર્કોએ અમારી વ્યુહાત્મક ભાગીદારીનો મજબૂત પાયો પણ નાખ્યો છે. અને આજે અમે ક્રાઉન પ્રિન્સની સાથે વાતચીત દરમિયાન વ્યુહાત્મક ભાગીદારી સમિતિની સ્થાપના કરીને અમારા સંબંધોને એક નવી ઊંચાઈ પ્રદાન કરી છે. શાહી રાજા અને Your Royal Highness ક્રાઉન પ્રિન્સના માર્ગદર્શન વડે અમે સંબંધોમાં અનપેક્ષિત પ્રગતિ અને પોતિકાપણું લાવી શક્યા છીએ. હું તેમના પ્રયાસો માટે, ભારત પ્રત્યે તેમના પોતીકાપણા માટે તેમનો આભાર વ્યક્ત કરું છું.

સાથીઓ,

ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવમાં આજે મને, “વ્હોટ ઈઝ નેક્સ્ટ ફોર ગ્લોબલ બીઝનેસ (વૈશ્વિક વિશ્વ માટે હવે પછી શું)” અને તેમાં પણ ભારતમાં ઉભરી રહેલા અવસરો અને સંભાવનાઓ, અમારી અપેક્ષાઓ અને લક્ષ્યો પર પોતાની વાત રજૂ કરવાનો અવસર મળ્યો છે. ભારતે આગામી પાંચ વર્ષોમાં પોતાના અર્થતંત્રને બમણું કરીને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. એવા સમયમાં તો આ વિષય વધારે પ્રાસંગિક અને મહત્વપૂર્ણ બની જાય છે.

સાથીઓ,

આજે જ્યારે ભારતમાં અમે વિકાસને ગતિ આપવા માંગીએ છીએ તો અમારે પ્રચલિત પ્રવાહોને સારી રીતે સમજવા પડશે. એટલા માટે આજે હું તમારી સમક્ષ વૈશ્વિક વેપારને પ્રભાવિત કરનારા પાંચ મોટા પ્રવાહોના વિષયમાં વાત કરવા માંગીશ. પહેલો પ્રવાહ છે – ટેકનોલોજી અને નવીનીકરણનો પ્રભાવ, બીજો – વૈશ્વિક વૃદ્ધિ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ, ત્રીજો – માનવ સંસાધન અને કાર્યના ભવિષ્યમાં આવી રહેલું પરિવર્તન, ચોથો – પર્યાવરણ પ્રત્યે કાળજી અને પાંચમો પ્રવાહ છે – વેપારને અનુકુળ શાસન.

મિત્રો!

ટેકનોલોજી અને નવીનીકરણના વધતા પ્રભાવના આપણે સૌ સાક્ષી છીએ. પરિવર્તનક્ષમ ટેકનોલોજી જેવી કે કૃત્રિમ બુદ્ધિમત્તા, જીનેટીક્સ અને નેનો ટેકનોલોજી, સંશોધનથી આગળ વધીને આજે રોજબરોજના જીવનનો હિસ્સો બનતી જઈ રહી છે. ટેકનોલોજીના આ પરિવર્તનનો તે સમાજોને સૌથી વધુ ફાયદો થયો છે જેમાં નવી ટેકનોલોજીએ અપનાવવા અને તેની ઉપર આગળ વધુ નવીનીકરણની સંસ્કૃતિ વિકસિત થઇ છે. ભારતમાં અમે આ સંસ્કૃતિને મજબૂત કરવા માટે અનેક સ્તરો પર પ્રયાસ કર્યા છે. પછી તે યુવાનો માટે સ્ટાર્ટ અપ ચેલેન્જીસ હોય કે પછી હેકેથોન હોય. કે પછી શાળાના બાળકો માટે અટલ ટીંકરીંગ લેબ્સ હોય, જ્યાં તેઓ ઇનોવેશન પોતે અનુભવે છે. આજે ભારતમાં સંશોધન અને વિકાસથી લઈને ટેક-એન્ટરપ્રિન્યોરશીપનું એક વ્યાપક ઇકોસિસ્ટમ તૈયાર થઇ રહ્યું છે. અમારા આ પ્રયાસોના પરિણામો પણ આવવાના શરુ થઇ ગયા છે. આજે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ બની ગયું છે. ભારતના ટીયર 2 અને ટીયર 3 શહેરોમાં પણ સ્ટાર્ટ અપ્સ ઉભરીને બહાર આવ્યા છે. ભારતમાં 1 બિલિયન અમેરિકી ડોલરથી વધુ મુલ્ય ધરાવતા યુનિકોર્નની સંખ્યા વધતી જઈ રહી છે. અમારા અનેક સ્ટાર્ટ અપ્સ વૈશ્વિક સ્તર પર રોકાણ કરવા લાગ્યા છે. ભારતીય સ્ટાર્ટ અપ્સ દરેક ભૂમિકા નિભાવી રહ્યા છે, ફૂડ ડીલીવરીથી લઈને વાહનવ્યવહાર, મહેમાનગતિ, મેડીકલ ઉપચાર અને પ્રવાસન સુધી. અને એટલા માટે વિશ્વના તમામ રોકાણકારો, ખાસ કરને સાહસ ભંડોળોને મારો અનુરોધ છે કે તમે અમારા સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમનો લાભ ઉઠાવો. મને પૂરો ભરોસો છે કે ભારતમાં નવીનીકરણમાં કરવામાં આવેલું રોકાણ સૌથી વધુ લાભ અપાવશે. અને આ લાભ માત્ર ભૌતિક નહી હોય પરંતુ, યુવાનોને સશક્ત પણ બનાવશે.

મિત્રો!

વૈશ્વિક વૃદ્ધિ અને વ્યાપારના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ સતત વધતું જઈ રહ્યું છે. હું માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક તકને બમણી કરનાર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વેપારને રોકાણ માટેના વ્યાપક અવસરો પુરા પાડે છે. તો બીજી બાજુ વેપારની વૃદ્ધિ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી પણ છે.

સાથીઓ,

આજે દુનિયામાં ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અવસર સૌથી વધુ વિકાસશીલ દેશોમાં છે. એશિયામાં જોઈએ તો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દર વર્ષે 700 બિલિયન ડોલરના રોકાણની જરૂરિયાત છે. ભારતમાં અમે આગામી કેટલાક વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1.5 ટ્રિલિયન ડોલરના રોકાણનું લક્ષ્ય રાખ્યું છે. અને વળી આજે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં મર્યાદિત રીતે નથી વિચારતા પરંતુ અમારો પ્રયાસ સંકલિત પહોંચનો છે. વન નેશન વન પાવર ગ્રીડ, વન નેશન વન ગેસ ગ્રીડ અને વન વોટર ગ્રીડ, વન નેશન વન મોબીલીટી કાર્ડ, વન નેશન વન ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક, એવા અનેક પ્રયાસો વડે અમે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંકલિત કરી રહ્યા છીએ. અમે પ્રત્યેક ભારતીયને ઘર આપવાનો, અને દરેક ઘર સુધી વીજળી અને નળનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની પોતાની એક ગતિ અને માપદંડને પણ અમે અભૂતપૂર્વ રીતે વધાર્યો છે. અને એટલા માટે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૃદ્ધિ બે અંકમાં રહેશે, અને તેમાં ક્ષમતા સંતૃપ્તિની કોઈ સંભાવના નથી. તેના કારણે રોકાણકારોને વળતો ફાયદો પણ નિશ્ચિત રહેશે.

સાથીઓ,

ત્રીજો પ્રવાહ એટલે કે માનવ સંસાધન અને કામના ભવિષ્યમાં આવી રહેલું પરિવર્તન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે આંતરરાષ્ટ્રીય રોકાણના નિર્ણયો ગુણવત્તાયુક્ત માનવબળની ઉપલબ્ધતા પર નિર્ભર કરે છે. સાથે જ, કૌશલ્યપૂર્ણ માનવબળ કોઇપણ કંપનીના મુલ્યનિર્ધારણનો માપદંડ બની ગયા છે. એવામાં ઝડપથી લોકોને કૌશલ્યબદ્ધ કરવા એ અમારી સામે એક બહુ મોટો પડકાર છે. જે રીતે કાર્ય કરવાની પદ્ધતિમાં પરિવર્તન આવી રહ્યું છે, તેનાથી આવનારા વર્ષોમાં આપણે લોકોને અનેક વાર રી-સ્કીલ કરવા પડશે. શીખો, ભૂલો અને ફરી શીખોના ચક્ર જરૂરી બની જશે.

મિત્રો!

ભારતના કૌશલ્યપૂર્ણ માનવસંસાધનને વિશ્વભરમાં આદર અને પ્રતિષ્ઠા મળ્યા છે. ભારતીય પ્રતિભાઓએ અહિયાં સાઉદી અરેબિયામાં શિસ્તબદ્ધ, કાયદાનું પાલન કરનારા, પરિશ્રમી અને કુશળ કાર્યબળના રૂપમાં પોતાની અનોખી ઓળખ ઉભી કરી છે. ભારતમાં કૌશલ્યનો વિકાસ કરવા માટે અમે એક વ્યાપક દ્રષ્ટિકોણ તૈયાર કર્યો છે અને તેની ઉપર સતત કામ કરી રહ્યા છીએ. સ્કીલ ઇન્ડિયા ઇનિશિએટિવના માધ્યમથી અમે આગામી ત્રણ ચાર વર્ષોમાં 400 મિલિયન લોકોને જુદા જુદા કૌશલ્યની તાલીમ આપીશું. ભારતમાં રોકાણ કરનારી કંપનીઓને આનાથી ખાતરીપૂર્વકનું કૌશલ્યપ્રાપ્ત માનવબળ મળી રહેશે.

સાથીઓ,

કૌશલ્ય ધરાવતા માનવબળનું આવાગમન સરળ બનાવવાથી સંપૂર્ણ વિશ્વની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થશે. હું માનું છું કે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરારોને માત્ર સામાન સુધી જ મર્યાદિત ના રાખવા જોઈએ પરંતુ માનવબળ અને પ્રતિભા સંચલનને પણ તેનો અભિન્ન હિસ્સો બનાવીને તેમાં સરળતા લાવવી જોઈએ.

મિત્રો!

ચોથો પ્રવાહ એટલે કે પર્યાવરણ પ્રત્યે કાળજી, તે માત્ર એક પ્રવાહ જ નથી પરંતુ આપણા સમયની પ્રમુખ જરૂરિયાત પણ બની ગઈ છે. જળવાયું પરિવર્તનનો પ્રભાવ અને સ્વચ્છ ઊર્જાનું મહત્વ એટલા વ્યાપક છે કે તેમને અવગણી શકાય તેમ નથી. આવનારા સમયમાં આપણી ઊર્જા વપરાશની ભાત વધુ બદલાશે. કોલસાથી તેલ અને તેલથી ગેસ અને પાછી પુનઃપ્રાપ્ય તરફનું વલણ વધતું જશે. ઊર્જાનો વપરાશ અને ઊર્જાની બચત બંને મહત્વપૂર્ણ હશે, અને સંગ્રહ પણ. જળવાયુ પરિવર્તનના પડકારો પણ વધતા જશે. તેને જ સમજીને ભારતમાં અમે ગેસ અને તેલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટી સંખ્યામાં રોકાણ વધારી રહ્યા છીએ. વર્ષ 2024 સુધી અમારી રીફાઇનરી, પાઈપલાઈન અને ગેસ ટર્મિનલમાં 100 બિલિયન ડોલર સુધીના રોકાણનું લક્ષ્ય છે. મને ખુશી છે કે સાઉદી અરામ્કોએ ભારતમાં વેસ્ટ કોસ્ટ રીફાઇનરી પ્રોજેક્ટ – કે જે એશિયાની સૌથી મોટી રીફાઇનરી હશે – તેમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. અમે હમણાં તાજેતરમાં જ ડાઉનસ્ટ્રીમ ક્ષેત્રમાં, ખાસ કરીને રીટેઇલીંગમાં રોકાણના નિયમોને ઉદાર બનાવ્યા છે, જેથી આ ક્ષેત્રમાં વેપાર કરવાની સરળતા વધારે વધશે. તે સિવાય અમે પુનઃપ્રાપ્યમાં 175 ગીગા વોટ ઊર્જા ઉત્પન્ન કરવાનું જે લક્ષ્ય રાખ્યું હતું, તેને પણ આવનારા વર્ષોમાં વધારીને 450 ગીગા વોટ સુધી લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારતના ઝડપી ગતિએ વધી રહેલ અર્થતંત્ર માટે ઊર્જામાં રોકાણ ખૂબ જરૂરી છે. અને અમે અહીં ઉપસ્થિત ઊર્જા કંપનીઓને આ અવસરોને લાભ ઉઠાવવાનો અનુરોધ કરીએ છીએ.

મિત્રો!

અને આખરે, પાંચમો પ્રવાહ એટલે સરકારની બદલાતી ભૂમિકા અને તેનો વેપારના ભવિષ્ય ઉપર પ્રભાવ પણ ખૂબ જ વ્યાપક છે. મારો ભાર હંમેશા લઘુત્તમ સરકાર મહત્તમ શાસન ઉપર રહ્યો છે. હું સમજુ છું કે સ્પર્ધાત્મક, નવીનીકરણયુક્ત અને બહુઆયામી વેપાર ક્ષેત્રની માટે એક પ્રોએક્ટીવ અને પારદર્શક સરકાર એ સારી સુવિધા પ્રદાન કરનારની ભૂમિકા નિભાવી શકે છે. સ્પષ્ટ નિયમો અને ન્યાયોચિત વ્યવસ્થાખાનગી ક્ષેત્રની વૃદ્ધિ માટે જરૂરી છે. આ જ વિચારધારા અને આ જ પહોંચ સાથે ભારતમાં છેલ્લા પાંચ વર્ષોમાં અમે અનેક મોટા માળખાગત સુધારાઓ કર્યા છે. સીધા વિદેશી મૂડીરોકાણ નીતિને સુગમ અને ઉદાર બનાવવાના કારણે આજે ભારત વિદેશી રોકાણનું સૌથી મોટું ગંતવ્ય સ્થાન બની ગયું છે. વીતેલા 5 વર્ષોમાં ભારતમાં 286 બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ થયું છે. તે વીતેલા 20 વર્ષોમાં ભારતના કુલ એફડીઆઈ પ્રવાહ કરતા લગભગ અડધું છે. દેવાળિયા અને નાદારી કાયદો હોય કે દેશવ્યાપી એક ટેક્સેશન વ્યવસ્થા, અમે અઘરામાં અઘરા નિર્ણયો લીધા છે. આજે ભારતનું કર માળખું અને આઇપિઆર રીજાઈમ વિશ્વના સૌથી સારા વેપારી રીજાઈમની સાથે તુલનાત્મક છે. આવા જ સુધારાઓના કારણે દરેક વૈશ્વિક રેન્કિંગમાં ભારત સતત વધુ સારું પ્રદર્શન કરતું જઈ રહ્યું છે. લોજીસ્ટીક પ્રદર્શન ઇન્ડેક્સમાં 10 ક્રમાંકનો કૂદકો, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 24 ક્રમનો સુધારો, વિશ્વ બેંકના વેપાર કરવાની સરળતા ઇન્ડેક્સમાં 2014માં અમે 142 પર હતા. તેનાથી ઉપર ઉઠીને આજે 2019માં અમે 63માં નંબર પર છીએ. સતત ત્રીજા વર્ષે પણ અમે દુનિયાના ટોચના 10 સુધારાઓમાં છીએ. અમે 1500થી વધુ એવા જૂના કાયદાઓને પણ નાબૂદ કરી નાખ્યા છે જે વિકાસમાં અડચણ ઉભી કરી રહ્યા હતા.

સાથીઓ,

છેલ્લા ચાર પાંચ વર્ષોમાં વધારાના 350 મિલિયન કરતા વધુ લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે. ભારતમાં આજે લગભગ દરેક નાગરિકની પાસે યુનિક આઈડી, મોબાઇલ ફોન અને બેંકનું ખાતું છે. આ વ્યવસ્થાના કારણે સીધા લાભ હસ્તાંતરણમાં પારદર્શકતા આવવાથી 20 બિલિયન ડોલર કરતા વધુનું લીકેજ બંધ કરી શકાયું છે. એટલે કે 20 બિલિયન ડોલરની બચત થઇ. સ્વાસ્થ્ય એ કોઇપણ સરકારની મહત્વપૂર્ણ જવાબદારી છે. આ ક્ષેત્રમાં સેવાની ગુણવત્તા વધારવા માટે ભારતે અનેક પગલા લીધા છે. વિશ્વનો સૌથી મોટો સરકારી આરોગ્ય કાળજી કાર્યક્રમ આયુષ્માન ભારત 500 મિલિયન એટલે કે અમેરિકા, કેનેડા અને મેક્સિકોની કુલ વસતિ કરતા વધુ લોકોને આરોગ્ય કવરેજ આપે છે. એટલું જ નહી, આ યોજનાના લીધે ભારતમાં આરોગ્ય કાળજી રોકાણની અપાર સંભાવનાઓ વધી ગઈ છે. આજે ભારત સૌથી મોટું આરોગ્ય કાળજી ગ્રાહક અને ગુણવત્તાયુક્ત આરોગ્ય કાળજી પૂરું પાડનાર પણ છે. સ્વાસ્થ્ય સેવાઓમાં ટેકનોલોજીના ઉપયોગે ક્રાંતિ લાવી દીધી છે. તેનાથી માત્ર આર્થિક અવસરો જ ઉત્પન્ન નથી થયા પરંતુ કરોડો લોકોની ઉત્પાદકતા પણ વધી છે.

સાથીઓ,

જે આ મંચ પરથી હું આપને વિશ્વાસ અપાવવા માગું છું કે ભારતમાં પ્રગતિની આ ગતિ વધારે ઝડપી બનશે. અમે દેશના વિકાસ સાથે જોડાયેલ દરેક નિર્ણય લઇ રહ્યા છીએ. ના તો અમારી નીતિઓમાં કોઈ ભ્રમણા છે અને ના તો અમારા લક્ષ્યમાં કોઈ શંકા. અમારા 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રના લક્ષ્યનો રોડમેપ તૈયાર છે. આ લક્ષ્ય માત્ર સંખ્યાત્મક વૃદ્ધિનો જ નથી પરંતુ દરેક ભારતીયના જીવનની ગુણવત્તા વધુ સારી કરવા માટેનું પણ છે. અમે વેપાર કરવાની સરળતામાં જ નહી પરંતુ જીવન જીવવાની સરળતામાં પણ સુધારો લાવી રહ્યા છીએ. રાજકીય સંતુલિતતા, આગાહીક્ષમ નીતિઓ અને મોટા વૈવિધ્યપૂર્ણ બજારના કારણે, ભારતમાં તમને રોકાણ સૌથી વધુ લાભદાયક રહેશે.

મિત્રો,

અમારા સાથી દેશોનો સહયોગ અમારી વિકાસ યાત્રાનો અભિન્ન હિસ્સો છે. બધા જ દેશોની સાથે પૂરકતા શોધીને, અને સુમેળ વધારીને, અમે વિન વિન ઉપાયની માટે કામ કરી રહ્યા છીએ. સાઉદી અરેબિયાના વિઝન 20૩૦ અને અર્થતંત્રને વૈવિધ્યપૂર્ણ કરવાની યોજનાઓમાં અમે તેમની સાથે કદમથી કદમ મિલાવીને ચાલીશું.

મિત્રો,

ભારતની સ્વતંત્રતાને 2022માં 75 વર્ષ પુરા થશે. અમે ત્યાં સુધીમાં ‘ન્યુ ઇન્ડિયા’ બનાવવાના અમારા લક્ષ્યને અમારી સમક્ષ રાખ્યું છે. તે ન્યુ ઇન્ડિયામાં દરેક ભારતીયની આંખોમાં નવા સપનાઓ હશે, દિલમાં નવા સંબલ હશે અને પગલાઓમાં નવી ઊર્જા હશે. તે નવા ભારતમાં નવું સામર્થ્ય અને નવી ક્ષમતા હશે.

મિત્રો,

તે સમર્થ અને શક્તિમાન ભારત માત્ર પોતાની માટે જ નહી પરંતુ સમગ્ર દુનિયાની માટે શાંતિ અને ઉલ્લાસનું સ્ત્રોત હશે. ઈતિહાસ સાક્ષી છે કે ભારત જ્યારે દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર હતું અને સૈન્યની દ્રષ્ટિએ પણ સબળ હતું, ત્યારે પણ અમે કોઈની ઉપર દબાણ નહોતું કર્યું, કોઈની ઉપર બળ પ્રયોગ નહોતો કર્યો. ભારતે પોતાની ક્ષમતા અને ઉપલબ્ધિઓને સંપૂર્ણ દુનિયા સાથે વહેંચી છે. કારણ કે અમે આખી દુનિયાને એક પરિવાર માન્યો છે – ‘વસુધૈવ કુટુંબકમ’. નવા ભારતમાં શક્તિ નવી હશે, પરંતુ તેના ચિંતનમાં તે જ સનાતન આત્મા ઝળકશે. અમારો વિકાસ વિશ્વમાં વિશ્વાસ ઉત્પન્ન કરશે. અમારી પ્રગતિ પરસ્પર પ્રેમ વધારશે. વિશ્વ કલ્યાણની આ યાત્રામાં ભારતની સાથે ભાગીદારી કરવા માટે હું તમને, સમગ્ર વિશ્વના વેપારને આમંત્રિત કરું છું. હું અને મારી ટીમ હંમેશા તમારી સહાયતા માટે તત્પર છે. તમે મને કઈક વિચારો વહેંચવાનો અવસર આપ્યો અને મને ધ્યાનપૂર્વક સાંભળ્યો. તેની માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી એકવાર ક્રાઉન પ્રિન્સનો, રાજ્યનો હૃદયથી આભાર વ્યક્ત કરતા મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર.

 

DS/RP



(Release ID: 1589771) Visitor Counter : 325