પ્રધાનમંત્રીનું કાર્યાલય

સ્વચ્છ ભારત અભિયાન માટે પ્રધાનમંત્રી ‘ગ્લોબલ ગોલકિપર એવોર્ડ’થી સન્માનિત

Posted On: 25 SEP 2019 7:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 24 સપ્ટેમ્બર, 2019નાં રોજ બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉડેન્શન તરફથી સ્વચ્છ ભારત અભિયાન માટે ગ્લોબલ ગોલકીપરનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભા (યુએનજીએ)નાં સત્ર દરમિયાન યોજાયો હતો.

પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવામાં અને પોતાનાં રોજિંદા જીવનનો ભાગ બનાવવા માટે પ્રયાસ કરનાર ભારતીયોને અર્પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ પુરસ્કાર સ્વીકાર્યા પછી કહ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાનની સફળતાનો શ્રેય ભારતીયોને જાય છે, જેમણે આ અભિયાનને પોતાનું આંદોલન બનાવ્યું છે અને ઇચ્છિત પરિણામો મળે એ સુનિશ્ચિત કર્યું હતું.

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીનાં વર્ષ પર પુરસ્કાર મળવાની બાબતને અંગત જીવન માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ ગણાવીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન એ વાતનો પુરાવો છે કે, 130 કરોડ ભારતીયો કોઈ પણ પડકાર ઝીલી શકવાની દૃઢતા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે મહાત્મા ગાંધીનાં સ્વપ્નનું સ્વચ્છ ભારત બનાવવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં 11 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ થયું છે. આ અભિયાનથી દેશનાં ગરીબો અને મહિલાઓને સૌથી વધુ લાભ થયો છે. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા ઉપરાંત 11 કરોડ શૌચાલયોનાં નિર્માણથી ગામડાઓમાં આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતાનો વ્યાપ વધારવા વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત અન્ય દેશો સાથે તેની કુશળતા અને અનુભવોને વહેંચવા તૈયાર છે, જેથી વિશ્વ ભરમાં સ્વચ્છતા વધારવા માટેના સહિયારો પ્રયાસ થઈ શકશે.

પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને જલ જીવન મિશન જેવા અભિયાનોને મિશન મોડમાં અમલમાં મુકી નિવારણાત્મક આરોગ્ય સેવાની દિશામાં ભારતનાં પ્રયાસોનો ઉલ્લેખ પણ કર્યો હતો.

 

DK/J. Khunt/RP



(Release ID: 1586125) Visitor Counter : 290