મંત્રીમંડળ

મંત્રીમંડળે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સુષ્મા સ્વરાજના અવસાન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 13 AUG 2019 1:49PM by PIB Ahmedabad

6 ઓગસ્ટ,2019ના રોજ નવી દિલ્હી ખાતે આવેલી એઇમ્સ હોસ્પિટલમાં ભૂતપૂર્વ કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રીમતિ સુષ્મા સ્વરાજના દુઃખદ અવસાન પ્રત્યે મંત્રીમંડળે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમનું અવસાન થવાથી દેશે એક પ્રતિષ્ઠિત નેતા અને ઉત્કૃષ્ટ સંસદસભ્ય ગુમાવ્યા છે.

કેબિનેટે પસાર કરેલા ઠરાવની વિગતો નીચે મુજબ છેઃ-

14મી ફેબ્રુઆરી, 1952ના રોજ હરિયાણામાં અંબાલા ખાતે જન્મેલા શ્રીમતિ સુષ્મા સ્વરાજ અંબાલા કેન્ટ ખાતે આવેલી સનાતમ ધર્મ કોલેજમાંથી સ્નાતક થયા હતા અને ચંદિગઢની પંજાબ યુનવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમને કાનપુરની એગ્રિકલ્ચર યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી પણ એનાયત કરાઇ હતી.  1973માં તેમણે ભારતની સુપ્રીમ કોર્ટમાં એડ્વોકેટ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

શ્રીમતિ સુષ્મા સ્વરાજ યુવાવસ્થામાં જ જાહેર જીવનમાં પ્રવેશ્યા હતા અને 1977માં 25 વર્ષની ઉંમરે હરિયાણા વિધાનસભાની ચૂંટણી જીત્યાં હતા અને હરિયાણાની રાજ્ય સરકારમાં તેઓ શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બન્યાં હતા. તેઓ ફરી વખત હરિયાણા વિધાનસભામાં ચૂંટાયા હતા અને 1987થી 1990ના સમયગાળા દરમિયાન શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી બન્યા હતા.

1990માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 1996માં 11મી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઇને માહિતી અને પ્રસારણ વિભાગના કેન્દ્રિય કેબિનેટ મંત્રી બન્યા હતા. 1998માં તેઓ ફરી વખત 12મી લોકસભામાં ચૂંટાયા હતા અને માહિતી અને પ્રસારણ વિભાગના કેન્દ્રિય કેબિનેટ મંત્રી અને દૂરસંચાર વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. ત્યારબાદ એપ્રિલ 2000માં તેઓ ફરી વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા અને સપ્ટેમ્બર 2000થી જાન્યુઆરી 2003 સુધી માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા હતા અને ત્યારબાદ જાન્યુઆરી 2003થી મે 2004 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સંસદીય બાબતોના મંત્રી તરીકે કામગીરી સંભાળી હતી. એપ્રિલ 2006માં રાજ્યસભામાં તેઓ ફરી વખત ચૂંટાયા હતા. 2009માં તેઓ 15મી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ડિસેમ્બર 2009થી મે, 2014 સુધી તેઓ વિરોધપક્ષના નેતા બન્યા હતા. 2014માં તેઓ 16મી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે મે, 2014થી મે,2019 સુધી વિદેશ બાબતોના કેન્દ્રિય કેબિનેટ મંત્રી તરીકે સેવાઓ આપી હતી.

શ્રીમતિ સુષ્મા સ્વરાજને હંમેશા તેમની અપવાદરૂપ વકૃત્વ કુશળતા અને સંવેદનશીલ માનવીય અભિગમ માટે યાદ કરવામાં આવશે. તેઓ એક સક્ષમ વહીવટકર્તા અને માનવીય સ્પર્શ ધરાવતા પ્રેમાળ વ્યક્તિ હતા, જેમણે વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલા ભારતીયોની મદદ કરીને દરેકના હૃદય જીતી લીધા હતા. તેમના આ ગુણો માટે 2017માં અમેરિકન દૈનિક સમાચારપત્ર વૉલ સ્ટ્રીટ જનરલ દ્વારા ભારતના શ્રેષ્ઠ લોકપ્રિય રાજનેતા જાહેર કરવામાં આવ્યાં હતા.

કેબિનેટે શ્રીમતિ સુષ્મા સ્વરાજે વિવિધ ક્ષમતાઓમાં રાષ્ટ્ર પ્રત્યે અદા કરેલી સેવાઓ પ્રત્યે પ્રશંસા નોંધ લીધી હતી. વધુમાં કેબિનેટે સરકાર અને સમગ્ર રાષ્ટ્ર વતિ તેમના પરિવારને હૃદયપૂર્વક સાંત્વના પાઠવી હતી.

DK/NP/J.Khunt/GP



(Release ID: 1581860) Visitor Counter : 320