મંત્રીમંડળ
મંત્રીમંડળે મોસ્કો ખાતે ઇસરોના ટેક્નિકલ લાયઝન યુનિટને મંજૂરી આપી
Posted On:
31 JUL 2019 3:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે રશિયાના મોસ્કો ખાતે ઇસરો ટેક્નિકલ લાયઝન યુનિટ (ITLU)ની સ્થાપનાને મંજૂરી આપી છે.
નાણાકીય અસરોઃ
રશિયાના મોસ્કોમાં ITLUની સ્થાપનાના કારણે પગાર, કાર્યાલય ખર્ચ, ભાડું, કરવેરા વગેરે પેટે પ્રતિ વર્ષ સરેરાશ અંદાજે રૂ. 1.50 કરોડનો સરેરાશ ખર્ચ થવાનો અંદાજ છે.
વિગતોઃ
મોસ્કો ખાતે ઇસરો ટેક્નિકલ લાયઝન યુનિટ (ITLU) ઇસરોના પૂર્વનિર્ધારિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે રશિયા અને પડોશી દેશો સાથે વૈવિધ્યપૂર્ણ બાબતો પર સમયસર હસ્તક્ષેપ માટે અસરકારક તકનિકી સંકલન કરવા સક્ષમ બનાવશે. ઇસરોમાંથી ITLU ખાતે પ્રતિનિયુક્ત થનારા લાયઝન અધિકારી સંશોધન અને તકનિકી વિકાસ સંબંધિત તકનિકી માહિતી અને સંબંધિત દેશોમાં સંશોધકો, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે તેમની મુલાકાતના પરિણામો વિશે માહિતી પુરી પાડશે. તેઓ અવકાશ ટેક્નોલોજીમાં પરસ્પર સહકારથી કાર્યરત દ્રિપક્ષીય કાર્યક્રમોમાં સહાયતા પણ કરશે અને તેમને સોંપવામાં આવેલી બાબતો પર ઇસરો વતી કામગીરી હાથ ધરશે.
ફાયદાઓઃ
ઇસરો રશિયા અને પડોશી દેશોમાં પરસ્પર સંકલિત પરિણામો પ્રાપ્ત કરવા માટે અવકાશ સંસ્થાઓ/ઉદ્યોગો સાથે સહયોગ સાધવા સક્ષમ બનશે.
ઇસરોના ગગનયાન કાર્યક્રમને કેટલીક ચાવીરૂપ ટેક્નોલોજીના વિકાસ અને વિશિષ્ટ સુવિધાઓ ધરાવતાં એકમો સ્થાપવાની જરૂર છે, જે અવકાશમાં જીવનની સહાયતા માટે આવશ્યક છે.
માનવ સહિત અવકાશ કાર્યક્રમ ગગનયાન માટે 15મી ઓગસ્ટ, 2022ની સમયમર્યાદા ધ્યાનમાં રાખતાં, આંતરરાષ્ટ્રીય અવકાશ સંસ્થાઓ પાસેથી ટેક્નિકલ સહકાર મેળવવો જરૂરી છે, જેમણે ચોક્કસ ક્ષેત્રમાં પહેલેથી તેમની ટેક્નિકલ ક્ષમતાઓ પ્રદર્શિત કરી છે. અવકાશના ક્ષેત્રમાં રશિયા અગ્રણી દેશ હોવાના કારણે વિવિધ સંબંધિત ક્ષેત્રોમાં રશિયા સાથે વ્યાપક પ્રમાણમાં સહકારની બાબત ધ્યાનમાં લેવામાં આવી છે.
અમલીકરણ રણનીતિઃ
ITLU મોસ્કો ઓફિસનું સંચાલન “કાઉન્સેલર (અવકાશ)” તરીકે નિયુક્ત થયેલા ઇસરોના વૈજ્ઞાનિક/એન્જિનિયર દ્વારા કરવામાં આવશે અને તેમને સ્થાનિક ભરતી કરાયેલા કર્મચારીઓ દ્વારા મદદ પુરી પડાશે. આ પ્રક્રિયા તેની મંજૂરીની તારીખથી છ મહિનાઓની અંદર પૂર્ણ થવાનું આયોજન છે.
અસરોઃ
લાયઝન અધિકારી સંશોધન અને ટેક્નોલોજીમાં વિકાસ અંગે ટેક્નિકલ માહિતી અને સંબંધિત દેશોમાં સંશોધકો, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે થયેલી મુલાકાતોમાંથી પ્રાપ્ત થયેલા પરિણામો અંગે જાણકારી પુરી પાડશે. તેઓ અવકાશ ટેક્નોલોજીમાં પરસ્પર સહકારથી કાર્યરત દ્રિપક્ષીય કાર્યક્રમોને પણ સહાયતા કરશે અને તેમને સોપવામાં આવેલી બાબતો પર ઇસરો વતી કામગીરી હાથ ધરશે.
પૃષ્ઠભૂમિઃ
અવકાશ વિભાગે અમેરિકાના વૉશિંગ્ટન અને ફ્રાન્સના પેરિસમાં અનુક્રમે અમેરિકા અને યુરોપમાં વિવિધ સરકાર અને અવકાશ સંસ્થાઓ સાથે સંપર્ક સ્થાપવાના મુખ્ય ઉદ્દેશ સાથે ઇસરો ટેક્નિકલ લાયઝન યુનિટ (ITLU) નામના ટેક્નિકલ લાયઝન યુનિટની સ્થાપના કરી છે. લગભગ અવકાશ યુગની શરૂઆતથી જ અવકાશ ક્ષેત્રે સહકાર ભારત અને રશિયા વચ્ચે કડીરૂપ રહ્યો છે. રશિયા સાથે સહકાર ગાઢ બનાવવાની સાથે સાથે ભારત રશિયાની નજીક આવેલા દેશો સાથે તેનો અવકાશ ક્ષેત્રે સહકાર વિસ્તાર્યો છે. આ બાબત વ્યાપક પ્રમાણમાં અવિરત સહકાર અને આંતરરાષ્ટ્રીય ટેક્નિકલ સહકારનું સ્તર વધારવા પરસ્પર સહાયતાની માંગ દર્શાવે છે.
DK/NP/J.Khunt/GP/RP
(Release ID: 1580938)
Visitor Counter : 359
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam