પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર એનાયત કર્યા

Posted On: 28 FEB 2019 6:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે એક કાર્યક્રમમાં વર્ષ 2016, 2017 અને 2018 માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારો એનાયત કર્યા હતાં.

પ્રધાનમંત્રીએ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિજ્ઞાન, ટેકનોલોજી અને નવાચારને સમાજની આકાંક્ષાઓ અને જરૂરિયાતો સાથે જોડવી પડશે. તેમણે કહ્યું હતું કે, આપણી વૈજ્ઞાનિક સંસ્થાઓને ભવિષ્યની જરૂરિયાતો સાથે જોડવી જોઈએ તથા સ્થાનિક સમસ્યાઓનું સમાધાન શોધવા માટે પ્રયાસ કરવા માટે પ્રેરિત કરવી જોઈએ.

પ્રધાનમંત્રીએ બિગ ડેટા, મશીન લર્નિંગ, બ્લોક ચેન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા નવા અને વિકસતાં ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, નેશનલ મિશન ઓન ઇન્ટર ડિસ્પ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ આ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસમાં સુધારો કરશે. તેમણે વિજ્ઞાનીઓને ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો લાભ લેવા અને ભારતને ઉત્પાદન, નોલેજ અને ટેકનોલોજી આધારિત ઉદ્યોગો માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવશે એવી ટેકનોલોજીઓ વિકસાવવા માટે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ વિજ્ઞાનીકોની વૈશ્વિક કક્ષાની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી તેમજ મર્યાદિત સંસાધનો સાથે કામ કરવા બદલ તેમને બિરદાવ્યાં હતાં. આ સંદર્ભમાં તેમણે ઇસરોનાં ભારતનાં મોટા પાયે સફળ થયેલા અંતરિક્ષ કાર્યક્રમો, ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર અને વિવિધ સીએસઆઇઆર પહેલોની પ્રશંસનીય વૃદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો.

પરંપરાથી પર થઈને વિચાર કરવાની જરૂરિયાત પર બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિજ્ઞાનીઓ અને સંશોધકોએ આંતર-શાખાકિય સંકલન માટેનો અભિગમ વિકસાવવો જોઈએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનાં અભિગમથી વિવિધ વૈજ્ઞાનિક પ્રશ્રો માટે ઝડપી અને શ્રેષ્ઠ સમાધાનો શોધવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સકારની નીતિનો ઉદ્દેશ દેશનાં નાગરિકો, લોકશાહી અને માગની લાભ લાભ લેવાનો છે. તેમણે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં નવાચારને પ્રોત્સાહન આપવા સરકારની વિવિધ પહેલોનો ઉલ્લેખ પણ કર્યો હતો.

વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદનાં સ્થાપક ડાયરેક્ટર ડૉ. શાંતિ સ્વરૂપ ભટનાગરનાં નામે એનાયત થતો શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર દર વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજીની વિવિધ શાખાઓમાં ઉત્કૃષ્ટ કામ કરનાર ભારતીયને એનાયત થાય છે.

 

RP



(Release ID: 1566723) Visitor Counter : 345