મંત્રીમંડળ

મંત્રીમંડળે પ્રવાસન ક્ષેત્રમાં ભારત અને રોમાનિયા વચ્ચેના સમજૂતી કરારોને મંજૂરી આપી

Posted On: 10 OCT 2018 1:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે પ્રવાસન ક્ષેત્રમાં ભારત અને રોમાનિયા વચ્ચેના સમજૂતી કરારોને પૂર્વવર્તી અસરથી મંજૂરી આપી દીધી છે. આ એમઓયુ પર સપ્ટેમ્બર 2018માં ભારતના ઉપ-રાષ્ટ્રપતિની રોમાનિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સમજૂતી કરારોના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છે:

  • પ્રવાસન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવો.
  • પ્રવાસનને લગતી માહિતી અને આંકડાઓનું આદાન-પ્રદાન કરવું. હોટેલો અને ટૂર ઓપરેટરો સહિત પ્રવાસન હિતધારકોની વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવું.
  • પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રમાં રોકાણ.
  • દ્વિમાર્ગી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ટૂર ઓપરેટરો/મીડિયા/ઓપિનિયન મેકરની મુલાકાતોનું આદાન-પ્રદાન કરવું.
  • પ્રમોશન, માર્કેટિંગ, પ્રવાસન સ્થળોના વિકાસ વ્યવસ્થાપનના ક્ષેત્રોમાં અનુભવોનું આદાન-પ્રદાન કરવું.
  • બંને દેશોને આકર્ષક પ્રવાસનના સ્થળો તરીકે પ્રોત્સાહિત કરવા માટે ફિલ્મ પ્રવાસનના માધ્યમથી દ્વિપક્ષીય સહયોગને વિકસિત કરવો.
  • સુરક્ષિત, સન્માનનીય અને સંતુલિત પ્રવાસનને પ્રોત્સાહન આપવું.
  • બંને દેશો વચ્ચે પ્રવાસન પ્રવૃત્તિને સુવિધા પ્રદાન કરવી

રોમાનિયા, ભારત માટે સક્ષમ પ્રવાસનનું બજાર છે (ભારતમાં વર્ષ 2017માં રોમાનિયામાંથી અંદાજે 11844 મુલાકાતીઓ આવ્યા હતા). આ સમજૂતી કરારો પર કરવામાં આવેલ હસ્તાક્ષર એ આ સ્રોત બજારમાંથી આવતા લોકોની વૃદ્ધિમાં કારણભૂત બનશે.

પૂર્વભૂમિકા:

ભારત અને રોમાનિયા મજબૂત રાજદ્વારી અને લાંબા આર્થિક સંબંધો ધરાવે છે. વર્તમાન સંબંધોને હવે વધુ મજબૂત બનાવવા અને આગળ જતા તેમનો વિકાસ કરવાની ઈચ્છા ધરાવતા બંને પક્ષો દ્વારા પ્રવાસન ક્ષેત્રમાં તેમના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રવાસન મંત્રાલય, ભારત સરકાર અને પ્રવાસન મંત્રાલય, રોમાનિયા સરકારની વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

NP/J.Khunt/GP/RP



(Release ID: 1549221) Visitor Counter : 83