પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનાં લાભાર્થીઓએ પ્રધાનમંત્રી સાથે વાતચીત દરમિયાન પોતાની સફળતાની ગાથાઓ રજૂ કરી
Posted On:
11 APR 2018 7:40PM by PIB Ahmedabad
સમગ્ર દેશમાંથી પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનાં 100થી વધારે લાભાર્થીઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમનાં નિવાસસ્થાને મળ્યાં હતાં અને તેમની સફળતાની વાતો જણાવી હતી.
શ્રી નરેન્દ્ર મોદી સાથે અનૌપચારિક વાતચીત દરમિયાન ઘણાં લાભાર્થીઓ તેમને મંજૂર થયેલી મુદ્રા લોનનાં ઉપયોગ મારફતે તેમનાં જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું તેના વિશે જણાવ્યું હતું.
બોકારો, ઝારખંડની લાભાર્થી સુશ્રી કિરણ કુમારીને પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત રૂ. 2 લાખની લોન મળી હતી. તેમણે પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે, તેમણે કેવી રીતે પોતાની રમકડાં અને ગિફ્ટ શોપની શરૂઆત કરી હતી. અગાઉ તે તેમનાં પતિ સાથે શેરીઓમાં ફેરી કરીને રમકડાંનું વેચાણ કરતાં હતાં. લોન મળ્યાં પછી કિરણ કુમારી સફળ ઉદ્યોગસાહસિક તરીકે પોતાને સ્થાપિત કરી શક્યાં છે.
સુરતના સુશ્રી મુનિરાબાનુ શબ્બીર હુસૈન મલેકને રૂ. 1.77 લાખની લોન મળી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે કેવી રીતે એલએમવી ડ્રાઇવિંગની તાલીમ મેળવી અને અત્યારે ઓટો રિક્ષા ચલાવીને દર મહિને રૂ. 25,000ની કમાણી કરે છે.
કેરળનાં કન્નોરનાં શ્રી સિજેશે 8 વર્ષ વિદેશમાં કામ કર્યું હતું. ભારત પરત ફરીને તેમણે મેડિકલ યુનિટમાં સેલ્સ મેનેજર તરીકે કામ કર્યું હતું. તેમણે ઉત્સાહપૂર્વક પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે, તેઓ રૂ. 8.55 લાખની મુદ્રા લોનને કારણે હર્બલ દંત મંજનનાં ઉત્પાદનનું એકમ સ્થાપિત કરી શક્યાં હતાં. તેમણે પ્રધાનમંત્રીને કેટલાંક સેમ્પલ પણ ભેટ આપ્યાં હતાં.
તેલંગાણાનાં શ્રી સલેહુનદુમ ગિરિધર રાવે પ્રધાનમંત્રીને પોતાની ઉદ્યોગસાહસિકતાની વાત જણાવી હતી. તેમને મુદ્રા યોજના અંતર્ગત રૂ. 9.10 લાખની લોન મળી હતી, જેનો ઉપયોગ તેમણે પોતાનાં ડાઈ કાસ્ટિંગ અને મોલ્ડિંગનાં ઉદ્યોગને વધારવા માટે કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરનાં કઠુઆ જિલ્લાની સુશ્રી વીણા દેવી વણકર તરીકે કામ કરતાં હતાં તેમને રૂ. 1 લાખની મુદ્રા લોન મળી. અત્યારે તેઓ તેમનાં વિસ્તારમાં પશ્મિના શાલનાં અગ્રણી ઉત્પાદકોમાંનાં એક છે. આજે તેમણે પ્રધાનમંત્રીને મળીને એક શાલની ભેટ સ્વરૂપે પ્રદાન કરી હતી.
તે જ રીતે દેહરાદૂનનાં ભૂતપૂર્વ સૈનિક શ્રી રાજેન્દ્ર સિંહ છે. તેમણે પ્રધાનમંત્રીને સાવરણનાં ઉત્પાદન અને છૂટક વેપારીઓને વિતરણ કરવાનાં પોતાનાં વ્યવસાય વિશે જાણકારી આપી હતી. તેઓ આ વ્યવસાય રૂ. 5 લાખની મુદ્રા લોન મારફતે શરૂ કરી શક્યાં હતાં, તેમણે પોતાનો વ્યવસાય શરૂ કરવાની સાથે સાથે અન્ય કેટલીક વ્યક્તિઓ માટે રોજગારીનું સર્જન પણ કરી શક્યાં હતાં.
ચેન્નાઈનાં શ્રી ટી આર સજીવનને રૂ. 10 લાખની મુદ્રા લોન મળી હતી. તેમણે પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી કે તેઓ અત્યારે લોખંડને ગાળવા માટેનું જોબ વર્ક કરે છે.
જમ્મુનાં શ્રી સતિશ કુમારને રૂ. 5 લાખની લોન મળી હતી. અગાઉ તેઓ બેરોજગાર હતાં. અત્યારે તેમણે સ્ટીલનાં ઉત્પાદન અને ટ્રેડિંગનો વ્યવસાય શરૂ કર્યો છે. તેમણે આજે પ્રધાનમંત્રીને પોતાનાં અનુભવો જણાવ્યાં હતાં.
ઉત્તરાખંડમાં ઉધમસિંહ નગરથી આવેલા શ્રી વિપ્લવ સિંહ ફાર્મા કંપનીમાં કામ કરતાં હતાં, પણ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતાં હતાં. તેમણે રૂ. 5 લાખની મુદ્રા લોનની મદદથી જંતુનાશકો અને ખાતરનો પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે અને અત્યારે તેઓ અન્ય કેટલીક વ્યક્તિઓને રોજગારી આપી શકે છે. તેમણે આજે પ્રધાનમંત્રી સાથે પોતાનાં અનુભવો વહેંચ્યાં હતાં.
અન્ય કેટલાંક લાભાર્થીઓએ પણ પોતાનાં અનુભવો વહેંચ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ જેમણે મુદ્રા લોનનો સારો ઉપયોગ કર્યો છે એવા ઉદ્યોગસાહસિકોનાં પ્રયાસોને બિરદાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ 11 કરોડ લોકોએ લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાનો એક ઉદ્દેશ લોકો વચ્ચે આત્મવિશ્વાસ વધારવાનો છે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પરંપરાગત વિચારસરણી એવી રહી છે કે રોજગારીનું સર્જન સરકાર કરે અથવા ખાનગી ક્ષેત્ર. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાએ આજીવિકા અને સ્વરોજગારનાં માધ્યમ તરીકે “વ્યક્તિગત ક્ષેત્ર”નાં વિકાસમાં મદદ કરી છે.
પ્રધાનમંત્રી અને લાભાર્થીઓ વચ્ચેની અનૌપચારિક વાતચીત એક કલાકથી વધારે સમય ચાલી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં નાણાં મંત્રી શ્રી પી. રાધાક્રિષ્નન અને શ્રી શિવ પ્રતાપ શુક્લા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
GP/RP
(Release ID: 1528794)
Visitor Counter : 275