કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

બાગાયતી પાકોમાં ભારતની ઊંચી છલાંગ, કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વર્ષ 2025-26ના ત્રીજા આગોતરા અંદાજો જાહેર કર્યા


દેશની બાગાયતી ખેતીમાં વસંત: ફળો અને શાકભાજીથી લઈને ફૂલો સુધી દરેક ક્ષેત્રમાં બમ્પર વધારો - કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ

બાગાયતી પાકોની બમ્પર પેદાશ: ઉત્પાદન વધીને 3869.15 લાખ ટન પહોંચ્યું - શ્રી શિવરાજ સિંહ

મોદી સરકારની નીતિઓ અને ખેડૂતોની મહેનતનો કમાલ, બાગાયતી ઉત્પાદનમાં 4.36% નો ઐતિહાસિક ઉછાળો - શ્રી શિવરાજ સિંહ

ફળ-શાકભાજી, રોપણ પાકો, સુગંધિત અને ઔષધીય છોડના ઉત્પાદનમાં દેશે રચ્યો નવો કીર્તિમાન - શ્રી શિવરાજ સિંહ

બટાકા અને ટામેટાની પણ બમ્પર પેદાશ: બટાકાના ઉત્પાદનમાં લગભગ 12% નો મોટો ઉછાળો - શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

શ્રી શિવરાજ સિંહે કૃષિ ક્ષેત્રને આપી મોટી ખુશખબર: બાગાયતી ઉત્પાદનમાં 161.77 લાખ ટનના ભારે વધારાનું અનુમાન

પોસ્ટેડ ઓન: 17 NOV 2026 12:25PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વર્ષ 2025-26 માટે બાગાયતી પાકોના વિસ્તાર અને ઉત્પાદનના ત્રીજા આગોતરા અંદાજો જાહેર કરતા દેશના ખેડૂતોને મોટી ખુશખબર આપી છે. આ તાજા આંકડાઓ અનુસાર, દેશમાં કુલ બાગાયતી ઉત્પાદન વધીને 3869.15 લાખ ટન થવાની અપેક્ષા છે, જે વર્ષ 2024-25 ના 3707.38 લાખ ટનની સરખામણીમાં 161.77 લાખ ટન એટલે કે 4.36 ટકા વધુ છે. કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આ શાનદાર ઉપલબ્ધિ પર પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બાગાયતી ક્ષેત્રમાં આ અભૂતપૂર્વ ઉત્પાદન દેશના અન્નદાતાઓની અથાક મહેનત અને સરકારની ખેડૂત-હિતલક્ષી નીતિઓનું સુફળ છે.

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ રેકોર્ડ ઉત્પાદન માત્ર દેશની પોષણ સુરક્ષાને મજબૂત નહીં કરે, પરંતુ તેનાથી આપણા બાગાયતી ખેડૂતોની આવકમાં પણ સીધો વધારો થશે. તેમણે કૃષિ ક્ષેત્રમાં આવી રહેલા આ સકારાત્મક પરિવર્તન અને ઉત્પાદનમાં થયેલા વધારા માટે દેશના તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને વિશેષ રૂપે અભિનંદન આપતા કહ્યું કે તે અન્નદાતાઓની સખત મહેનત દર્શાવે છે. શિવરાજ સિંહે કહ્યું કે આજે ભારતીય ખેતીના સ્વરૂપમાં એક મોટું અને ઉત્સાહજનક વૈવિધ્યીકરણ (diversification) જોવા મળી રહ્યું છે, જ્યાં ખેડૂતો પરંપરાગત પાકોથી આગળ વધીને ફળ, શાકભાજી, ફૂલો, મસાલા, રોપણ પાકો (જેમ કે કાજુ, નાળિયેર, કોકો) તથા સુગંધિત અને ઔષધીય છોડની ખેતી તરફ ઝડપથી વળી રહ્યા છે. વ્યાવસાયિક અને રોકડિયા પાકો તરફ ખેડૂતોના આ વધતા વલણે માત્ર તેમની આવકના નવા સ્ત્રોત નથી ખોલ્યા, પરંતુ કૃષિ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભરતા અને ઉન્નતિની નવી સંભાવનાઓને જન્મ આપ્યો છે.

કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણના જણાવ્યા અનુસાર, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય સરકારી એજન્સીઓ પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે જાહેર કરાયેલા આ આંકડાઓની સૌથી ખાસ વાત એ છે કે ઓછા વિસ્તારમાં પણ રેકોર્ડ પેદાશ નોંધાઈ રહી છે. વર્ષ 2025-26 માં બાગાયતી પાકોનો કુલ વિસ્તાર લગભગ 297.21 લાખ હેક્ટર રહેવાનું અનુમાન છે, જ્યારે 2024-25 માં તે 301.36 લાખ હેક્ટર હતો. આમ છતાં ફળો, શાકભાજી, ફૂલો, રોપણ પાકો અને સુગંધિત અને ઔષધીય છોડના ઉત્પાદનમાં જબરદસ્ત વધારાનું અનુમાન આવ્યું છે.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ફળોની વાત કરીએ તો કેળા, કેરી, પપૈયા, સફરજન, દાડમ અને ફણસની સારી પેદાશને કારણે ફળોનું કુલ ઉત્પાદન વર્ષ 2024-25 ના 1176.49 લાખ ટનથી 54.18 લાખ ટન (4.60 ટકા) વધીને 2025-26 માં 1230.66 લાખ ટન થવાની અપેક્ષા છે.

શ્રી શિવરાજ સિંહે જણાવ્યું કે શાકભાજીના વિસ્તારમાં પણ ખેડૂતોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. શાકભાજીની ખેતીનો વિસ્તાર 117.91 લાખ હેક્ટરથી વધીને 119.31 લાખ હેક્ટર થવાનું અનુમાન છે, જ્યારે ઉત્પાદન 2177.97 લાખ ટનથી 4.35 ટકા વધીને 2272.68 લાખ ટન સુધી પહોંચવાની સંભાવના છે. મુખ્યત્વે બટાકા, ટામેટા, રીંગણ, દૂધી, કાકડી, કોબીજ, શીંગો અને વટાણાના ઉત્પાદનમાં સારો વધારો થયો છે. બટાકા અને ટામેટાનું રેકોર્ડ ઉત્પાદન થવાની અપેક્ષા છે. બટાકાનું ઉત્પાદન ગયા વર્ષના 585.71 લાખ ટનની સરખામણીમાં 11.95 ટકા વધીને 655.70 લાખ ટન થવાનું અનુમાન છે, જ્યારે ટામેટાનું ઉત્પાદન 205.99 લાખ ટનથી વધીને 214.11 લાખ ટન રહેવાની અપેક્ષા છે. આ ઉપરાંત ડુંગળીનું ઉત્પાદન 288.96 લાખ ટન રહેવાનું અનુમાન છે.

તેમણે જણાવ્યું કે ફૂલો, રોપણ પાકો અને સુગંધિત અને ઔષધીય છોડમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ફૂલોના ઉત્પાદનમાં લગભગ 14.45 ટકાના મોટા વધારા સાથે તે 42.65 લાખ ટનથી વધીને 48.82 લાખ ટન રહેવાની સંભાવના છે, જ્યારે ફૂલો હેઠળની ખેતીનો વિસ્તાર પણ વધીને 4.10 લાખ હેક્ટર થઈ ગયો છે.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, આ અંદાજમાં રોપણ પાકો જેમ કે સોપારી, નાળિયેર, કાજુ, નાગરવેલના પાન અને કોકોના વિસ્તાર અને પેદાશ બંનેમાં વધારો થયો છે, જેનાથી તેમનું કુલ ઉત્પાદન 7.56 ટકા વધીને 182.64 લાખ ટન થવાનું અનુમાન છે. સુગંધિત અને ઔષધીય છોડનું ઉત્પાદન પણ 9.01 લાખ ટનથી વધીને 9.28 લાખ ટન થવાની સંભાવના છે.

સોપારી અને મસાલા વિકાસ નિર્દેશાલયના આંકડાઓ મુજબ, હળદર, લસણ, મીઠો લીમડો (કઢી પત્તા) અને એલચીની બહેતર પેદાશના જોરે વર્ષ 2025-26 માં મસાલાનો કુલ વિસ્તાર 47.56 લાખ હેક્ટર અને ઉત્પાદન 123.54 લાખ ટન થવાની અપેક્ષા છે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2337348) મુલાકાતી સંખ્યા : 37