સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ઇન્ડિયા પોસ્ટ દ્વારા તિરંગાની પ્રથમ ડ્રોન ડિલિવરીનું ઉદ્ઘાટન કર્યું


સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ હિમાચલ પ્રદેશમાં મંડી હેડ પોસ્ટ ઓફિસથી રેહરધર બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સુધી ઇન્ડિયા પોસ્ટે ડ્રોન દ્વારા તિરંગો પહોંચાડ્યો

प्रविष्टि तिथि: 14 AUG 2026 7:46PM by PIB Ahmedabad

દેશભક્તિ, જાહેર સેવા અને તકનીકી નવીનતાની એક અનોખી ઉજવણીમાં, ટપાલ વિભાગે આજે હિમાચલ પ્રદેશમાં મંડી હેડ પોસ્ટ ઓફિસથી રેહરધર બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સુધી ડ્રોન દ્વારા રાષ્ટ્રધ્વજ, તિરંગો પહોંચાડ્યો હતો, જે ઇન્ડિયા પોસ્ટ દ્વારા તિરંગાની પ્રથમ ડ્રોન ડિલિવરી દર્શાવે છે.

આ પહેલનું ઉદ્ઘાટન અને અમલીકરણ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું હતું. મંડી હેડ પોસ્ટ ઓફિસ પરથી ડ્રોન ટેક-ઓફનું લાઈવ પ્રસારણ જોતા, કેન્દ્રીય મંત્રીએ ટપાલ અધિકારીઓ અને ડ્રોન ઓપરેટર સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યારબાદ ડ્રોન રેહરધર બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે લેન્ડ થયું હતું, જ્યાં ટપાલ ટીમે તિરંગો ધરાવતું પાર્સલ મેળવ્યું હતું અને ઔપચારિક રીતે સેનાના નિવૃત્ત જવાન (army veteran) ને સોંપ્યું હતું, જેણે આ પ્રસંગમાં એક વિશેષ મહત્વ ઉમેર્યું હતું.

 

આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશના આકાશમાંથી તિરંગાની આ યાત્રા એક નવા ભારતની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે જે ભૌગોલિક સીમાઓને પાર કરીને દરેક નાગરિક સુધી પહોંચવા માટે દ્રઢ સંકલ્પબદ્ધ છે. તેમણે કહ્યું કે આ સ્વતંત્રતા દિવસ વધુ મહત્વ ધરાવે છે કારણ કે દેશ વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યો છે, જે રાષ્ટ્રીય ગૌરવ, સેવાની ભાવના અને વિકસિત ભારત માટે ભારતની આકાંક્ષાઓને એકસાથે લાવે છે.

કેન્દ્રીય મંત્રીએ એ પણ રેખાંકિત કર્યું કે તિરંગો માત્ર દરેક ઘરમાં જ નહીં, પરંતુ દરેક ભારતીયના હૃદયમાં પણ હોવો જોઈએ. આ જ ભાવનાથી, ઇન્ડિયા પોસ્ટ દેશભરના નાગરિકો સુધી ડિલિવરી માટે રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવીને 'હર ઘર તિરંગા' અભિયાનમાં યોગદાન આપી રહ્યું છે, જેથી લોકો પોતાના ઘરેથી જ રાષ્ટ્રીય ગૌરવની ઉજવણીમાં ભાગ લઈ શકે.

મંડીથી રેહરધર સુધીની ડ્રોન ડિલિવરી એ દર્શાવે છે કે કેવી રીતે ઉભરતી ટેકનોલોજી ઇન્ડિયા પોસ્ટના વ્યાપક ભૌતિક નેટવર્કને પૂરક બનાવી શકે છે અને લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીને મજબૂત કરી શકે છે, ખાસ કરીને દૂરના અને મુશ્કેલ વિસ્તારોમાં. ડ્રોન-આધારિત મેઇલ ટ્રાન્સમિશનની શક્યતાઓ તપાસીને, ટપાલ વિભાગ એવા નવીન ઉકેલો શોધી રહ્યું છે જેથી પરંપરાગત પરિવહનના સાધનો જ્યાં પડકારરૂપ હોય ત્યાં પણ ટપાલ અને જાહેર સેવાઓ નાગરિકો સુધી પહોંચી શકે.

ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન, સમાવેશી અને જોડાયેલા વિકસિત ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, ટપાલ વિભાગે હિમાચલ પ્રદેશ અને અસમમાં 150 નિર્ધારિત રૂટ પર ડ્રોન-આધારિત મેઇલ ટ્રાન્સમિશન શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય મુશ્કેલ વિસ્તારોમાં કનેક્ટિવિટી મજબૂત કરવાનો અને કાર્યક્ષમ મેઇલ ડિલિવરીને સુગમ બનાવવાનો છે અને તે "ડાક સેવા, જન સેવા" ના કાયમી મૂલ્યો અને નાગરિકોને જોડવા તથા રાષ્ટ્રની સેવા કરવા માટે નવીનતા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાના તેના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2299676) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Tamil , Telugu