PIB Backgrounder
ભારતની અવકાશ સાર્વભૌમત્વને મજબૂત બનાવવું
નવીનતા અને વિકાસને વેગ આપવો
प्रविष्टि तिथि:
14 AUG 2026 4:13PM by PIB Ahmedabad
અવકાશ નેતૃત્વ તરફ ભારતની હરણફાળ
ભારતની અવકાશ યાત્રા મૂળભૂત ક્ષમતાઓ નિર્માણ કરવાથી લઈને અદ્યતન, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અવકાશ ટેકનોલોજી પૂરી પાડવા સુધી વિકસિત થઈ છે. છેલ્લા એક દાયકામાં, સુધારાઓએ આ ક્ષેત્રને ખાનગી સાહસો, સ્ટાર્ટ-અપ્સ અને વૈશ્વિક ભાગીદારી માટે ખુલ્લું મૂક્યું છે. ભારત હવે પોતાના લોન્ચ સિસ્ટમ્સ, સેટેલાઇટ્સ, સ્પેસ એપ્લિકેશન્સ અને માનવ અવકાશ ઉડાન (human spaceflight)માં પોતાની ક્ષમતાઓનો વિસ્તાર કરી રહ્યું છે. ભારત જ્યારે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે તેની અવકાશ આકાંક્ષાઓ અવકાશના ભવિષ્યને આકાર આપતા એક આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર રાષ્ટ્રને પ્રતિબિંબિત કરે છે.

- ભારતની સ્પેસ ઇકોસિસ્ટમ ઝડપથી વિસ્તરી છે, જેમાં નોંધાયેલા સ્પેસ સ્ટાર્ટ-અપ્સ 2014 માં 1 થી વધીને 2026 (ઓગસ્ટ સુધી)માં આશરે 440 થયા છે.
- આ વિસ્તરતી ઇકોસિસ્ટમ ભારતની અવકાશ અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહી છે, જે ઓગસ્ટ 2026 સુધીમાં USD 9 અબજ મૂલ્યની છે. આગામી દાયકામાં તે USD 40–45 અબજ સુધી પહોંચવાનું અનુમાન છે.
- ભારતના અવકાશ ક્ષેત્રમાં ખાનગી રોકાણ લગભગ છ ગણું વધ્યું છે, જે 2021-22 માં USD 100.5 મિલિયનથી વધીને 31 માર્ચ, 2026 સુધીમાં USD 618.5 મિલિયન થઈ ગયું છે, જેમાંથી એકલા 2026 દરમિયાન USD 187 મિલિયન નોંધાયું છે.
- 2026ના મધ્ય સુધીમાં, 52 નોન-ગવર્નમેન્ટ એન્ટિટીઝ (NGEs)ને 113 અધિકૃતતાઓ આપવામાં આવી હતી, જેમાંથી 18 સ્ટાર્ટ-અપ્સ સેટેલાઇટ કામગીરી, પેલોડ સ્થાપના અને લોન્ચ સેવાઓ માટે છે.
અર્થ ઓબ્ઝર્વેશન પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (EO-PPP)
EO-PPPએ IN-SPACe દ્વારા શરૂ કરવામાં આવેલું એક અગ્રણી જાહેર-ખાનગી માળખું છે. તે આશરે ₹1,200 કરોડના ખાનગી રોકાણની પ્રતિબદ્ધતાઓ દ્વારા સમર્થિત, ભારતનું પ્રથમ ખાનગી માલિકીનું 'અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કોન્સ્ટેલેશન' વિકસાવવા માટે સરકારી દેખરેખ અને ખાનગી ઉદ્યોગને એકસાથે લાવે છે.
- ભારતની વધતી જતી લોન્ચ ક્ષમતાઓ વૈશ્વિક માંગને આકર્ષિત કરી રહી છે, જેમાં વિદેશી ઉપગ્રહોનું લોન્ચિંગ 2014 પહેલા 35થી વધીને જાન્યુઆરી 2026 સુધીમાં 399 થઈ ગયું છે.
- ભારતની વૈશ્વિક ભાગીદારી તેના વધતા અવકાશ નેતૃત્વને મજબૂત બનાવે છે, જેમાં 61 દેશો અને 5 બહુપક્ષીય સંગઠનોમાં સંશોધન, ટેકનોલોજી, સંયુક્ત મિશન અને ક્ષમતા નિર્માણને આવરી લેતા 300 થી વધુ સ્પેસ સહકાર કરારો છે.
વ્યુહરચનાત્મક પગલાં દ્વારા સુધારાઓને ઉત્તેજન આપવું
ભારતના અવકાશ સુધારાઓએ ખાનગી ભાગીદારી, રોકાણ, નવીનતા અને ટેકનોલોજી-સંચાલિત વિકાસ માટે એક સક્ષમ વાતાવરણ ઊભું કર્યું છે. આ પગલાંઓએ આ ક્ષેત્રને પરંપરાગત સરકારની આગેવાની હેઠળની અવકાશ પ્રવૃત્તિઓથી આગળ વધાર્યું છે.
- ભારતે 2020 માં પોતાના અવકાશ ક્ષેત્રને ખાનગી ભાગીદારી માટે ખુલ્લું મૂક્યું હતું, જેનાથી ઉપગ્રહો, લોન્ચ સિસ્ટમ્સ અને સ્પેસ એપ્લિકેશન્સમાં ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સ સક્ષમ બન્યા હતા. આ વ્યાપક રાષ્ટ્રીય સ્પેસ ઇકોસિસ્ટમ તરફ એક મોટો ફેરફાર દર્શાવે છે.
- ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023એ સ્પેસ વેલ્યુ ચેઇનમાં ખાનગી ભાગીદારીને વધુ વિસ્તૃત કરી. તેણે ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) અને ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)ની ભૂમિકાઓ અને જવાબદારીઓને પણ વ્યાખ્યાયિત કરી.
- ISROની વાણિજ્યિક શાખા, NSIL, લોન્ચ, સેટેલાઇટ અને સ્પેસ-આધારિત સેવાઓ પૂરી પાડે છે અને ISRO ટેકનોલોજીને ભારતીય ઉદ્યોગોમાં સ્થાનાંતરિત કરે છે. તેની આવક નાણાકીય વર્ષ 2021–22 માં ₹321.77 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024–25 માં ₹3,000 કરોડથી વધુ થઈ ગઈ છે, જે ભારતના અવકાશ કાર્યક્રમના વધતા વાણિજ્યીકરણને પ્રતિબિંબિત કરે છે.
- આજની તારીખે, NSILએ ISRO/અંતરિક્ષ વિભાગ ખાતે વિકસાવવામાં આવેલી 83 ટેકનોલોજી ભારતીય ઉદ્યોગોને સ્થાનાંતરિત કરવા માટે 118 ટેકનોલોજી ટ્રાન્સફર એગ્રીમેન્ટ્સ પર હસ્તાક્ષર કર્યા છે.
- IN-SPACe સિંગલ-વિન્ડો મિકેનિઝમ દ્વારા ખાનગી અવકાશ પ્રવૃત્તિઓને સક્ષમ બનાવે છે. તેણે 31 જાન્યુઆરી 2026 સુધીમાં ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સને ISRO ની 71 ટેકનોલોજી ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડી છે.
- ફેબ્રુઆરી 2024 માં સ્પેસ સેક્ટર માટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) નિયમોને ઉદાર બનાવવામાં આવ્યા હતા. સેટેલાઇટ ઉત્પાદન અને કામગીરી માટે સ્વચાલિત રીતે 74% સુધી, લોન્ચ વ્હીકલ્સ અને સ્પેસપોર્ટ માટે 49%, અને સેટેલાઇટ તથા ગ્રાઉન્ડ-સેગમેન્ટના ઘટકો માટે 100% FDI ની મંજૂરી છે.
- 'નોર્મ્સ, ગાઇડલાઇન્સ એન્ડ પ્રોસિજર્સ' (NGP) 2024 એ પારદર્શક અધિકૃતતા અને પાલન જરૂરિયાતો સ્થાપિત કરી છે. આ માળખું નિયામક આગાહી અને વેપાર કરવાની સરળતાને વધારે છે.
- લક્ષીત ધિરાણ ભારતની ખાનગી સ્પેસ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે. IN-SPACe સીડ ફંડ સ્કીમ પ્રારંભિક તબક્કાના સ્પેસ સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ કરે છે, ₹1,000 કરોડનું વેન્ચર કેપિટલ ફંડ ગ્રોથ કેપિટલ પૂરું પાડે છે, અને ₹500 કરોડનું ટેકનોલોજી એડોપ્શન ફંડ સ્પેસ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને સક્ષમ બનાવે છે. વધુમાં, સેટેલાઇટ બસ ક્ષમતાઓના વિકાસને ટેકો આપવા માટે 'સેટેલાઇટ બસ એઝ એ સર્વિસ' (SBaaS) યોજના માટે ₹75 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ સુધારાઓ વધુ સ્પર્ધાત્મક અને ગતિશીલ સ્પેસ ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. તેઓ ભારતીય ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સને સ્પેસ વેલ્યુ ચેઇનમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવી રહ્યા છે.

પૃથ્વીથી પરે પહોંચતી અવકાશ ક્ષમતા
ભારતનો અવકાશ કાર્યક્રમ સેટેલાઇટ વિકાસથી આગળ વધીને ચંદ્ર, મંગળ અને સૂર્યમંડળમાં જટિલ મિશનો તરફ આગળ વધ્યો છે. સિદ્ધિઓ સંશોધન, નેવિગેશન, વિજ્ઞાન અને અદ્યતન સ્પેસ ઓપરેશન્સમાં વધતી જતી ક્ષમતાઓ દર્શાવે છે.
આત્મનિર્ભર સ્પેસ ટ્રાન્સપોર્ટેશન
ભારતે ચાર સ્વદેશી લોન્ચ વાહન કાર્યરત કર્યા છે:
- પોલર સેટેલાઇટ લોન્ચ વાહન (PSLV)
- જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વાહન (GSLV)
- જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વાહન માર્ક III (GSLV Mk III)
- સ્મોલ સેટેલાઇટ લોન્ચ વાહન (SSLV)
આ લોન્ચ વાહન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે વાણિજ્યિક લોન્ચ ઉપરાંત પૃથ્વી નિરીક્ષણ, સંચાર, નેવિગેશન, અવકાશ વિજ્ઞાન અને સંશોધનને ટેકો આપે છે. છેલ્લા ત્રણ વર્ષોમાં (જુલાઈ 2023 થી જૂન 2026), ભારતે 11 રાષ્ટ્રીય ઉપગ્રહો અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે નવ ઉપગ્રહો લઈને 12 લોન્ચ વાહન મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
ભારત પોતાની લોન્ચ ક્ષમતાનો વિસ્તાર કરી રહ્યું છે
વધતી જતી રાષ્ટ્રીય અને વાણિજ્યિક સ્પેસ માંગને પહોંચી વળવા માટે ભારત પોતાના લોન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવી રહ્યું છે. શ્રીહરિકોટામાં હાલમાં બે કાર્યરત લોન્ચ પેડ છે, જેમાં નેક્સ્ટ જનરેશનના લોન્ચ વાહન માટે ત્રીજું સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. કુલાસેકરપટ્ટિનમ, તમિલનાડુ પણ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વાહન (SSLVs) અને ખાનગી ક્ષેત્રના લોન્ચિંગ માટે ભારતના બીજા રોકેટ લોન્ચ સાઇટ તરીકે ઉભરી રહ્યું છે. આ તમામ સુવિધાઓ સાથે મળીને પ્રક્ષેપણ ક્ષમતા, આવર્તન અને કાર્યકારી ક્ષમતામાં વધારો કરશે, જેનાથી વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અવકાશ પ્રક્ષેપણ કેન્દ્ર તરીકે ભારતની સ્થિતિ વધુ મજબૂત બનશે.
ચંદ્ર સંશોધન — ચંદ્રયાન કાર્યક્રમ
- ચંદ્રયાન-1 (2008): ભારતનું પ્રથમ ચંદ્ર મિશન હતું અને તેણે ચંદ્રની સપાટી પર પાણીના અણુઓ અને હાઇડ્રોક્સિલની શોધ કરી હતી. તેણે વૈશ્વિક ચંદ્ર વિજ્ઞાનમાં યોગદાન આપનાર તરીકે ભારતને સ્થાપિત કર્યું.
- ચંદ્રયાન-2 (2019): 100 કિમીની ઊંચાઈ પરથી સંચાલિત થયું હતું અને 30 સેમી સુધીના રિઝોલ્યુશન પર ચંદ્રની તસવીરો લીધી હતી, જે ચંદ્ર ઓર્બિટર પ્લેટફોર્મ પરથી અત્યાર સુધીની સૌથી વધુ રિઝોલ્યુશન વાળી ઓપ્ટિકલ ઈમેજ છે.
- ચંદ્રયાન-3 (2023): ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ-લેન્ડ કરનાર પ્રથમ દેશ અને ચંદ્ર પર સોફ્ટ-લેન્ડ કરનાર ચોથો દેશ બનાવ્યો.

ભવિષ્યના ચંદ્ર મિશન
- ચંદ્રયાન-4: આ મિશન ચંદ્રના સેમ્પલ એકત્ર કરવા, ચંદ્રની સપાટી પરથી ઉપર ઉઠવું (ascent) અને પૃથ્વી પર સેમ્પલ પરત લાવવાનું પ્રદર્શન કરશે. આ મિશન માટેની આયોજિત સમયમર્યાદા 2027 છે.
- ચંદ્રયાન-5/LUPEX: ISRO-JAXAનું સંયુક્ત મિશન, ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ નજીક ચંદ્ર પાણી સહિતના ચંચળ પદાર્થો (volatiles)નો અભ્યાસ કરશે.
ચંદ્રથી આગળ: મંગળ, સૂર્ય અને ગહન અંતરિક્ષ (Deep Space)

- માર્સ ઓર્બિટર મિશન (મંગળયાન): 24 સપ્ટેમ્બર 2014ના રોજ મંગળની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન બન્યું હતું. આ સ્પેસક્રાફ્ટે તેના આયોજિત છ મહિનાના મિશન કરતાં ઘણો વધુ, 8 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું.
- એસ્ટ્રોસેટ (AstroSat): એક્સ-રે, ઓપ્ટિકલ અને યુવી સ્પેક્ટ્રલ બેન્ડ્સમાં એકસાથે ખગોળીય સ્ત્રોતોનો અભ્યાસ કરવાના ઉદ્દેશ્યથી ભારતનું પ્રથમ સમર્પિત ભારતીય ખગોળશાસ્ત્ર મિશન.
- આદિત્ય-L1 (2023): સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ અવકાશ-આધારિત મિશન છે, જે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર સૂર્ય-પૃથ્વી L1 પોઇન્ટ પર સ્થિત છે. 27 TB થી વધુ સોલર ડેટા સાર્વજનિક રૂપે જાહેર કરવામાં આવ્યો છે.
- એક્સપોસેટ (XPoSat): જાન્યુઆરી 2024માં લોન્ચ કરાયેલ એક્સપોસેટે એક્સ-રે પોલરાઇઝેશન એસ્ટ્રોનોમીમાં ભારતની ક્ષમતાઓનો વિસ્તાર કર્યો. તે તીવ્ર કોસ્મિક સ્ત્રોતોના વિગતવાર અભ્યાસને સક્ષમ બનાવે છે.
- સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX): જાન્યુઆરી 2025માં, ભારતે સ્વાયત્ત અવકાશ ડોકિંગ અને અનડોકિંગનું પ્રદર્શન કરનાર ચોથો દેશ બનવાની સિદ્ધિ મેળવી.
એક્સિઓમ-4 (Axiom-4): માનવ અવકાશ ઉડાન ક્ષમતાઓને આગળ ધપાવવી
ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા, Axiom-4 મિશનમાં ISS (આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન) ની યાત્રા કરનારા ભારતના પ્રથમ આંતરિક્ષયાત્રી બન્યા જે 25 જૂન 2025 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમની ભાગીદારીએ ભારતને માનવ અવકાશ ઉડાન અને માઇક્રોગ્રેવિટી સંશોધનમાં મૂલ્યવાન અનુભવ પૂરો પાડ્યો. એક્સિઓમ-4 નો 15 જુલાઈ 2025 ના રોજ સફળતાપૂર્વક સમાપન થયું, જેણે ગગનયાન સહિત ભવિષ્યના ક્રૂડ મિશન (crewed missions) માટે ભારતના ઓપરેશનલ અનુભવને મજબૂત બનાવ્યો.
નાવિક (NavIC) — ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ
નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન (NavIC) સમગ્ર ભારતમાં અને તેની સીમાથી 1,500 કિમી સુધી પોઝિશનિંગ, નેવિગેશન અને ટાઇમિંગ પ્રદાન કરે છે. તે ભારતની નેવિગેશન સ્વાયત્તતાને મજબૂત કરે છે અને વ્યૂહાત્મક તથા નાગરિક અનુપ્રયોગોને ટેકો આપે છે.
- બીજી પેઢીના પ્રથમ બે NavIC ઉપગ્રહો NVS-01 અને NVS-02 અનુક્રમે મે 2023 અને જાન્યુઆરી 2025માં લોન્ચ કરવામાં આવ્યા હતા.
- જ્યારે NVS-03 લોન્ચ માટે તૈયાર છે અને NVS-04 તથા NVS-05 અદ્યતન નિર્માણ હેઠળ છે. બીજી પેઢીના ઉપગ્રહો સિસ્ટમની વિશ્વસનીયતા અને નિરંતરતામાં વધારો કરશે.
- નાવિક (NavIC)ને પાવર-ગ્રીડ સિંક્રોનાઇઝેશન, રીયલ-ટાઇમ ટ્રેન ટ્રેકિંગ, ભૂ-ટેગિંગ (geo-tagging) અને મોબાઈલ ચિપસેટ્સમાં સંકલિત કરવામાં આવી રહ્યું છે.
- તેનો સ્વીકાર મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજિંદી સેવાઓમાં ઉપગ્રહ-આધારિત પોઝિશનિંગનો વિસ્તાર કરી રહ્યો છે.
ભારતની વિસ્તરતી ક્ષમતાઓ અવકાશ વિજ્ઞાન અને સંશોધનમાં નવી સીમાઓ ખોલી રહી છે. તેઓ દેશની તકનીકી ક્ષમતાઓ અને અવકાશમાં વૈશ્વિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે.
ભારતની આગામી અવકાશ યાત્રા
ભારત માનવ અવકાશ ઉડાન, ઊંડા-અંતરિક્ષ સંશોધન અને અદ્યતન સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. આગામી મિશનો સતત માનવ હાજરી અને જટિલ ઓર્બિટલ કામગીરી માટે ક્ષમતાઓનું નિર્માણ કરશે.
- ગગનયાન માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ જાન્યુઆરી 2019માં મંજૂર કરવામાં આવ્યો હતો. ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS-01) માટેના પૂર્વગામી ફ્લાઇટ્સ સહિત કુલ 8 મિશનોને આવરી લેતા સપ્ટેમ્બર 2024 માં તેના ક્ષેત્રનો વિસ્તાર કરીને ₹20,193 કરોડના કુલ ખર્ચ સાથે સુધારો કરવામાં આવ્યો હતો.
- તેનો ઉદ્દેશ્ય 3 ભારતીય આંતરિક્ષયાત્રીઓની ટીમને ત્રણ દિવસના મિશન માટે 400 કિમીની ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાનો છે.
- વ્યોમમિત્ર (Vyommitra) હાફ-હ્યુમનોઇડ સહિત વિવિધ ટેકનોલોજીને માન્ય કરવા માટેનું પ્રથમ માનવરહિત પ્રાયોગિક મિશન 2026ના ચોથા ક્વાર્ટર (Q4) માં લક્ષિત છે. માનવરહિત મિશન 2027 સુધીમાં લક્ષિત છે.
- ભારતનું આયોજિત પાંચ-મોડ્યુલ સ્પેસ સ્ટેશન ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) 2035 સુધીમાં કાર્યાત્મક બનાવવા માટે લક્ષિત છે, જેમાં BAS-01નું લોન્ચિંગ 2028 સુધીમાં આયોજિત છે. તે લાંબા ગાળાની માનવ અવકાશ ઉડાન, માઇક્રોગ્રેવિટી સંશોધન અને અદ્યતન સ્પેસ ઓપરેશન્સને સપોર્ટ કરશે.
- SPADEX-2 અને SPADEX-3: ભવિષ્યના ચંદ્રયાન-4, ગગનયાન અને BAS મિશનો માટે ઓર્બિટલ ડોકિંગ ટેકનોલોજીને આગળ વધારવા માટે આ મિશનોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ સ્પેસક્રાફ્ટ ડોકિંગ, સેમ્પલ ટ્રાન્સફર, ક્રૂ ટ્રાન્સફર અને પાવર, ફ્લુઇડ તથા પ્રોપેલન્ટ ટ્રાન્સફર જેવી ક્ષમતાઓને સક્ષમ કરશે.
- શુક્ર ઓર્બિટર મિશન (Venus Orbiter Mission): માર્ચ 2028માં લોન્ચ માટે લક્ષિત, આ મિશન શુક્રના ભૂસ્તરશાસ્ત્ર, વાતાવરણ અને આયનોસ્ફિયરનો અભ્યાસ કરશે. તે અદ્યતન એરોબ્રેકિંગ અને થર્મલ-મેનેજમેન્ટ ટેકનોલોજી દર્શાવશે.
અદ્યતન ટેકનોલોજીઓ ભારતની અવકાશ ક્ષમતાઓની આગામી પેઢીને આકાર આપી રહી છે
- ISRO 200-ટન થ્રસ્ટ ધરાવતું સેમી-ક્રાયોજેનિક એન્જિન વિકસાવી રહ્યું છે. તે વધુ શક્તિશાળી લોન્ચ વાહન અને ઉચ્ચ પેલોડ ક્ષમતાને સક્ષમ બનાવશે.
- લોન્ચ વાહન માર્ક-3 (LVM3) માટે સેમી-ક્રાયોજેનિક બૂસ્ટર સ્ટેજ વિકસાવવામાં આવી રહ્યું છે. તે LVM3 ની પેલોડ વહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.
- ISRO વર્ટિકલ ટેક-ઓફ અને વર્ટિકલ લેન્ડિંગ (VTVL) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બૂસ્ટર રિકવરીનું પ્રદર્શન કરી રહ્યું છે. આ રોકેટ-સ્ટેજ પુનઃઉપયોગીતા સક્ષમ કરશે અને ભવિષ્યના લોન્ચિંગ ખર્ચમાં ઘટાડો કરશે.
- ISRO LOX-મિથેન પ્રોપલ્શનનો ઉપયોગ કરીને આંશિક રીતે પુનઃઉપયોગી નેક્સ્ટ જનરેશન લોન્ચ વાહન (NGLV) વિકસાવી રહ્યું છે. તે વધુ પેલોડ ક્ષમતા પૂરી પાડશે અને વારંવાર, ખર્ચ-અસરકારક લોન્ચિંગને ટેકો આપશે.
- ISRO રિયૂઝેબલ લોન્ચ વાહન (RLV) પ્રોગ્રામ માટે પાંખોવાળું 'વિંગ્ડ ઓર્બિટલ રી-એન્ટ્રી વાહન' વિકસાવી રહ્યું છે. તે પુનઃઉપયોગી અવકાશ પરિવહન માટે ઓર્બિટલ રી-એન્ટ્રી અને રનવે લેન્ડિંગનું પ્રદર્શન કરશે.
- ISRO એર-બ્રિથિંગ પ્રોપલ્શન અને ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વહાન વિકસાવી રહ્યું છે. આ ટેકનોલોજી વધુ કાર્યક્ષમ વાતાવરણીય ઉડાન અને અદ્યતન પુનઃઉપયોગી લોન્ચ સિસ્ટમ્સને સક્ષમ બનાવી શકે છે.
આગામી તબક્કો માનવ અવકાશ ઉડાન, ગ્રહીય સંશોધન અને અદ્યતન અવકાશ ટેકનોલોજીમાં ભારતની ભૂમિકાને વધુ ઊંડી બનાવશે. આ પ્રયાસો એક અગ્રણી વૈશ્વિક અવકાશ સત્તા બનવાની ભારતની આકાંક્ષાને ટેકો આપશે.
સંદર્ભ
Department of Space
Ministry of Science & Technology
PIB Backgrounder
Lok Sabha
Indian Space Research Organisation
Vice President's Secretariat
Prime Minister's Office
Click here for the pdf file.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2299476)
आगंतुक पटल : 13