વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી પીયૂષ ગોયલે ભારતીય અને ઉઝબેક વ્યવસાયોને સહ-રોકાણ અને સહ-ઉત્પાદન કરવા માટે આમંત્રણ આપ્યું; ભારત-ઉઝબેકિસ્તાન બિઝનેસ ફોરમ ખાતે દ્વિપક્ષીય વેપાર બમણો કરવા આહ્વાન કર્યું


શ્રી ગોયલે ખાણકામ અને ટેક્સટાઇલ્સમાં રોકાણની તકો પર પ્રકાશ પાડ્યો; જણાવ્યું કે દ્વિપક્ષીય રોકાણ સંધિ ભારત-ઉઝબેકિસ્તાન ભાગીદારીને વેગ આપશે

શ્રી ગોયલે આરોગ્યસંભાળ, કૃષિ, ડિજિટલ ટેકનોલોજી અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગમાં ભારત-ઉઝબેકિસ્તાન સહયોગ વિસ્તૃત કરવા આહ્વાન કર્યું

પોસ્ટેડ ઓન: 03 AUG 2026 2:11PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે ભારત અને ઉઝબેકિસ્તાનના વ્યવસાયોને સહ-રોકાણ, સહ-ઉત્પાદન અને સહ-નવીનતા (કો-ઇનોવેટ) કરવા માટે આમંત્રણ આપ્યું હતું, તેમજ આગામી ત્રણ વર્ષમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને બમણો કરવા માટે સુયોજિત પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું. નવી દિલ્હી ખાતે ભારત-ઉઝબેકિસ્તાન બિઝનેસ ફોરમને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે પરસ્પર વિશ્વાસ, સન્માન અને સમૃદ્ધિ માટેના સહિયારા વિઝન પર આધારિત બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વેપાર, રોકાણ અને આર્થિક સહયોગના વિસ્તરણ માટે અપાર તકો પૂરી પાડે છે.

પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત અને ઉઝબેકિસ્તાન માત્ર સમૃદ્ધ સહિયારા ઇતિહાસ અને ઊંડા સાંસ્કૃતિક સંબંધોથી જ જોડાયેલા નથી, પરંતુ વિશાળ વ્યવસાયિક ક્ષમતાથી પણ જોડાયેલા છે જે મોટાભાગે હજુ સુધી અણસ્પર્શેલી રહી છે. તેમણે અવલોકન કર્યું હતું કે દ્વિપક્ષીય વેપાર અંદાજે 1.5 બિલિયન યુએસ ડોલરને વટાવી ગયો છે, પરંતુ તે બંને અર્થતંત્રો સાથે મળીને જે હાંસલ કરી શકે છે તેનો માત્ર એક નાનો હિસ્સો જ દર્શાવે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે ભારત ઉઝબેકિસ્તાનને માત્ર એક મોટું અને વધતું જતું બજાર જ પૂરૂં પાડતું નથી, પરંતુ એક વિશ્વસનીય ભાગીદાર, કુશળ અને યુવા કાર્યબળ અને નવીનતા-સંચાલિત વૃદ્ધિ માટેનું એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે તાજેતરમાં સંપન્ન થયેલી દ્વિપક્ષીય રોકાણ સંધિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે આ કરાર રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરશે અને બંને દેશોના વ્યવસાયોને એકબીજાના અર્થતંત્રોમાં રોકાણ કરવા અને લાંબા ગાળાની ભાગીદારી બાંધવા માટે પ્રોત્સાહિત કરશે.

શ્રી ગોયલે મજબૂત પૂરકતાઓ ધરાવતા કેટલાય ક્ષેત્રોની ઓળખ કરી જે દ્વિપક્ષીય સહયોગ માટે નોંધપાત્ર અવકાશ પૂરો પાડે છે. તેમણે જણાવ્યું હતું કે ઉઝબેકિસ્તાન ખાણકામ ક્ષેત્રે ભારતીય રોકાણ માટે નોંધપાત્ર તકો રજૂ કરે છે. તેમણે ટેક્સટાઇલ ક્ષેત્રે સહયોગની સંભાવનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં કપાસના ઉત્પાદનમાં ઉઝબેકિસ્તાનની શક્તિ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ભારતની નેતાગીરી નોંધવામાં આવી હતી, જેમાં વસ્ત્ર ઉત્પાદન, ડિઝાઇન અને વૈશ્વિક બજારોમાં સંયુક્ત રીતે વિસ્તાર કરવાની તકો છે.

ફાર્માસ્યુટિકલ અને આરોગ્યસંભાળ ક્ષેત્રોમાં, મંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વની ફાર્મસી તરીકે ઓળખાતું ભારત, પરવડે તેવી દવાઓ, તબીબી ઉપકરણો, નિદાન (ડાયગ્નોસ્ટિક્સ), ટેલિમેડિસિન, ડોકટરો અને પેરામેડિક્સની તાલીમ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓ દ્વારા ઉઝબેકિસ્તાનના આરોગ્યસંભાળ આધુનિકીકરણને સમર્થન આપી શકે છે. તેમણે આયુર્વેદ, યોગ અને યુનાની જેવી પરંપરાગત તબીબી પ્રણાલીઓમાં સહયોગને પુનર્જીવિત કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ઉઝબેક ક્ષેત્ર સાથે ઐતિહાસિક સંબંધો હતા.

કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ પર, શ્રી ગોયલે જણાવ્યું હતું કે ફૂડ પ્રોસેસિંગ, પેકેજિંગ, કોલ્ડ ચેઇન્સ અને એગ્રી-ટેકમાં સહયોગ વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓનું નિર્માણ કરવામાં મદદ કરી શકે છે જે પૂરક શક્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોની સેવા કરતી વખતે બંને દેશોના ખેડૂતોને લાભ પહોંચાડે છે.

મંત્રીએ માહિતી ટેકનોલોજી અને ડિજિટલ અર્થતંત્રમાં ઉઝબેકિસ્તાન સાથે સહયોગ કરવા માટે ભારતની સજ્જતા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ જાહેર પાયાની સુવિધાઓ (ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર) વિકસાવવામાં અને ફિનટેક, એગ્રી-ટેક અને મેડટેક જેવા ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવામાં ઉઝબેકિસ્તાન સાથે કામ કરવામાં ભારતને આનંદ થશે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે એન્જિનિયરિંગ ઘટકો, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ઓટોમોટિવ ઘટકો અને ઓટોમોબાઇલ્સ પણ ભવિષ્યના સહયોગ માટે આશાસ્પદ માર્ગો પૂરા પાડે છે.

મંત્રીએ નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શવકાત મિર્ઝિરાયેવે બંને દેશોના લોકોને વધુ નજીક લાવીને અને ભાગીદારી માટે સ્પષ્ટ રાજકીય દિશા પૂરી પાડીને દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિશીલતા આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સંબંધની પૂર્ણ ક્ષમતા ત્યારે જ સાકાર થઈ શકે જ્યારે બંને પક્ષોના વ્યવસાયો જોડાણને વધુ ઊંડું બનાવે, આર્થિક સંબંધોનો વિસ્તાર કરે, રોકાણ વધારે અને રોજગારીની વધુ તકોનું સર્જન કરે.

વેપાર દ્વારા જ દ્વિપક્ષીય સંબંધો આગળ વધવા જોઈએ તેના પર ભાર મૂકતા શ્રી ગોયલે વ્યવસાયોને કાયમી વ્યાપારી ભાગીદારી બાંધવાની તક ઝડપી લેવા વિનંતી કરી હતી. તેમણે વેપારના અવરોધોને દૂર કરવા, ધોરણો, મંજૂરીઓ, પરીક્ષણ અને પ્રમાણપત્ર પ્રક્રિયાઓની પરસ્પર માન્યતાને પ્રોત્સાહન આપવા, વધુ ડિજિટાઇઝેશન દ્વારા કસ્ટમ્સ પ્રણાલીઓને સંકલિત કરવા અને વાણિજ્યને સુગમ બનાવવા માટે વધુ કાર્યક્ષમ વેપાર માર્ગો બનાવવાનું આહ્વાન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે બંને સરકારો વધુ માળખાકીય, સમયબદ્ધ અને પરિણામ-લક્ષી આર્થિક ભાગીદારી તરફ કામ કરી રહી છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે નિયમનકારો અને માનક-નિર્ધારણ સત્તામંડળોએ પણ બંને પક્ષોના વ્યવસાયોને સુગમ બનાવવા માટે સહયોગ મજબૂત કરવો જોઈએ.

ઉદ્યોગપતિઓને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, "આ તમારી ક્ષણ છે. સહ-રોકાણ કરો, સહ-ઉત્પાદન કરો અને સહ-નવીનતા કરો. એવી ભાગીદારી બાંધો જે કાયમી હોય અને જે બંને પક્ષોની કંપનીઓને વ્યાપ, મજબૂતી તેમજ ઉઝબેકિસ્તાન તથા ભારતના લોકો અને બંને અર્થતંત્રો માટે સમૃદ્ધિ આપે."

મંત્રીએ મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરીને અને વધુ મજબૂત વેપાર, રોકાણ અને વ્યવસાયિક સહયોગ દ્વારા ભારત-ઉઝબેકિસ્તાન આર્થિક ભાગીદારીને વધુ ઊંડી બનાવવાની ભારતની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2293826) મુલાકાતી સંખ્યા : 59