રેલવે મંત્રાલય
ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય
ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ
प्रविष्टि तिथि:
31 JUL 2026 5:20PM by PIB Ahmedabad
ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદય (Live Heart)નું સફળતાપૂર્વક પરિવહન કર્યું છે. સુરતથી અમદાવાદ સુધી ટ્રેન નં. 20901 મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરવામાં આવશે.
આ અત્યંત સંવેદનશીલ અને સમયબદ્ધ જીવનરક્ષક અભિયાન ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય પોલીસ, રેલવે સુરક્ષા દળ (RPF) તથા તબીબી ટીમો વચ્ચેના ઉત્તમ સંકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે.

જીવંત હૃદયને અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 થી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સુધી સુરક્ષિત અને અવરોધરહિત રીતે પહોંચાડવા માટે RPF અને ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા વિશેષ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. તેના પરિણામે અંગને નિર્ધારિત સમયમર્યાદામાં હોસ્પિટલ સુધી પહોંચાડી શકાયું, જેથી પ્રત્યારોપણ પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય.
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, “ભારતીય રેલવે માટે આ અત્યંત ગૌરવ અને સંતોષની ક્ષણ છે કે વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયને સુરક્ષિત અને સમયસર પહોંચાડવામાં સફળતા મળી છે. આવા જીવનરક્ષક મિશનમાં દરેક ક્ષણ અમૂલ્ય હોય છે. ભારતીય રેલવે, RPF, ગુજરાત રાજ્ય પોલીસ અને તબીબી ટીમો વચ્ચેના ઉત્તમ સંકલનથી આ અભિયાન સફળ બન્યું છે. કોઈ વ્યક્તિનું જીવન બચાવવામાં ભારતીય રેલવેની ભૂમિકા નિભાવવી એ અમારા માટે માત્ર જવાબદારી જ નહીં, પરંતુ સેવા અને માનવતાપ્રતિની સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે.”
વંદે ભારત એક્સપ્રેસની ઝડપી ગતિ, સમયપાલન અને વિશ્વસનીયતાએ આ જીવનરક્ષક અભિયાનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ સિદ્ધિ દર્શાવે છે કે ભારતીય રેલવે હવે માત્ર મુસાફરો અને માલસામાનના પરિવહન પૂરતી મર્યાદિત નથી, પરંતુ જરૂરિયાત સમયે કટોકટીની આરોગ્ય સેવાઓમાં પણ મહત્વપૂર્ણ સહયોગી તરીકે કાર્ય કરી રહી છે.
આ ઐતિહાસિક મિશનની સફળતામાં ભારતીય રેલવેના વિવિધ વિભાગો, RPF, ગુજરાત રાજ્ય પોલીસ, તબીબો, અંગ પ્રત્યારોપણ સંકલનકારો તેમજ સંબંધિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તમામ એજન્સીઓ વચ્ચેના અસરકારક અને ઝડપી સંકલનને કારણે આ પડકારજનક જીવનરક્ષક અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું.
આ ઐતિહાસિક સિદ્ધિ ભારતીય રેલવેની ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય સેવાઓ ઉપરાંત માનવ જીવનની રક્ષા પ્રત્યેની તેની અડગ પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરે છે.
(रिलीज़ आईडी: 2292787)
आगंतुक पटल : 10