સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સંરક્ષણ મંત્રીએ IASV ત્રિવેણીના ક્રૂને વિશ્વની પ્રથમ સંપૂર્ણ મહિલા ત્રિ-સેવાઓની પરિક્રમા પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા


'સમુદ્ર પ્રદક્ષિણા' એ ત્રિ-સેવાઓ અને 'નારી શક્તિ'ના પરસ્પર સહયોગનો પુરાવો છે; તે દરેક ભારતીયને પ્રેરણા આપશે: શ્રી રાજનાથ સિંહ

प्रविष्टि तिथि: 30 JUL 2026 1:12PM by PIB Ahmedabad

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે, 30 જુલાઈ, 2026ના રોજ ત્રણેય સેવાઓની નવ મહિલા અધિકારીઓનું સન્માન કર્યું હતું, જેઓ ઇન્ડિયન આર્મી સેલિંગ વેસલ (IASV) ત્રિવેણી પર સવાર થઈને પ્રથમ વખત યોજાયેલા ત્રિ-સેવા સર્વ-મહિલા વિશ્વ પરિક્રમા નૌકાયાન અભિયાન 'સમુદ્ર પ્રદક્ષિણા' ને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સ્વદેશ પરત ફર્યા હતા. નવી દિલ્હીમાં અધિકારીઓ સાથે વાતચીત કરતા, સંરક્ષણ મંત્રીએ ચાર મહાસાગરોમાં લગભગ 25,500 નોટિકલ માઇલનું અંતર કાપતી 314-દિવસની આ મુસાફરીને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ટીમની હિંમત અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરી હતી. તેમણે આ અભિયાનને નારી શક્તિના સાક્ષી અને ત્રણેય સેવાઓની એકતા તથા સમન્વયના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે વર્ણવ્યું જે દરેક ભારતીયને પ્રેરણા આપશે.

મહિલા અધિકારીઓએ શ્રી રાજનાથ સિંહ સાથે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે, આ પડકારજનક અભિયાન તેમની યાત્રાને યાદગાર અને સંતોષકારક બનાવી છે. તેમણે કહ્યું કે દેશને ગૌરવ અપાવવાના તેમના દૃઢ નિશ્ચયથી તેઓ પ્રેરિત રહ્યા, જેનાથી તેઓ વિશાળ શારીરિક અને માનસિક પડકારોનો સામનો કરી શક્યા. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તેમની સમર્પણ ભાવનાએ તેમને પ્રેરણા આપી છે અને તેમના પોતાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે. તેમણે કહ્યું કે તેમની સિદ્ધિ દર્શાવે છે કે મજબૂત વિશ્વાસ અને નિશ્ચય સાથે, જીવનમાં કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

અધિકારીઓની ક્ષમતા અને આત્મવિશ્વાસને "અદ્ભુત" ગણાવતા, શ્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે 'સમુદ્ર પ્રદક્ષિણા' ની સફળ પૂર્ણાહુતિએ એ રૂઢિચુસ્ત વિચારસરણીને તોડી ફેંકી છે જેમાં દાવો કરવામાં આવતો હતો કે મહિલાઓ કઠિન લશ્કરી મિશન પૂર્ણ કરી શકતી નથી. તેમણે અધિકારીઓને કહ્યું હતું કે, “તમે સાબિત કર્યું છે કે શારીરિક ક્ષમતા, માનસિક મજબૂતી અને નેતૃત્વના ગુણો લિંગના આધારે મર્યાદિત નથી. ભારતની દરેક દીકરી તમને જોઈને વિશ્વાસ કરી શકે છે કે તે પણ મહાસાગરો પાર કરી શકે છે અને દુનિયાને જીતી શકે છે.”

સંરક્ષણ મંત્રીએ આ અભિયાનને ‘ત્રિ-સેવા સંયુક્તતા’નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના અધિકારીઓએ એક જ જહાજ પર, એક જ ધ્વજ હેઠળ, એક જ સંયુક્ત લક્ષ્યની પ્રાપ્તિ માટે સાથે મળીને નૌકાયાત્રા કરી હતી. તેમણે ઉમેર્યું કે, “આ અભિયાન એ વાતનું પ્રમાણ છે કે જો આપણે સાથે મળીને આગળ વધીએ તો કોઈપણ ક્ષિતિજ એટલો વિશાળ નથી કે જેને જીતી ન શકાય.”

શ્રી રાજનાથ સિંહે આ ટીમે મુલાકાત લીધેલા દેશોમાં ભારતની એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા, સ્વદેશી ક્ષમતાઓ અને તકનીકી પ્રગતિનું પ્રદર્શન કરવા બદલ તેમની પ્રશંસા કરી અને જણાવ્યું કે "તમે વિશ્વને સંદેશ આપ્યો છે કે ભારત કોઈપણ ક્ષેત્રમાં કોઈનાથી પાછળ નથી."

આ વાતચીત દરમિયાન આર્મી સ્ટાફના વડા જનરલ ધીરજ સેઠ, સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ, વાઇસ ચીફ ઑફ ધ એર સ્ટાફ એર માર્શલ અશુતોષ દીક્ષિત, વાઇસ ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ વાઇસ એડમિરલ અજય કોચર અને ત્રણેય સેવાઓના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 22 જુલાઈ, 2026ના રોજ મુંબઈમાં IASV ત્રિવેણીની ટીમનું વર્ચ્યુઅલી સ્વાગત કર્યું હતું. તેમણે 11 સપ્ટેમ્બર, 2025ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્લેગ-ઓફ સમારોહની શોભા વધારી હતી.

આ અભિયાનની સફળતા સુનિશ્ચિત કરવામાં સુક્ષ્મ આયોજન, લગભગ બે વર્ષ સુધીની સઘન તાલીમ, સમર્પિત 24x7 કિનારા આધારિત સપોર્ટ નેટવર્ક તેમજ અનેક સંસ્થાઓ અને સહાયક એજન્સીઓની અડગ પ્રતિબદ્ધતાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ અભિયાને વિશ્વ પરિક્રમા માટે માન્ય તમામ આંતરરાષ્ટ્રીય માપદંડો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. જેમાં તમામ રેખાંશોને પાર કરવું, ઈન્ટરનેશનલ ડેટ લાઈનને, ઈન્ટરનેશનલ ડેટ લાઈનને પાર કરવી તેમજ ત્રણ ગ્રેટ કૅપ્સ—કૅપ લીવિન, કૅપ હોર્ન અને કૅપ ઑફ ગુડ હોપ—ની પરિક્રમા કરવી સામેલ છે.

વિકટ ડ્રેક પેસેજમાંથી સફળતાપૂર્વક પસાર થવા અને કૅપ હોર્નની પરિક્રમા કરવાથી આ ટીમને કૅપ હોર્નર્સની પ્રતિષ્ઠિત બિરાદરીની સભ્યપદ પ્રાપ્ત થઈ, જે સન્માન વિશ્વના સૌથી પડકારજનક સામુદ્રિક માર્ગોમાંથી એક પર વિજય મેળવનારા ખલાસીઓ માટે અનામત રાખવામાં આવે છે.

તેની નોંધપાત્ર સામુદ્રિક સિદ્ધિ ઉપરાંત, 'સમુદ્ર પ્રદક્ષિણા' એ સૈન્ય મુત્સદ્દીગીરીના એક શક્તિશાળી સાધન તરીકે પણ કામ કર્યું. વિશ્વભરના પોર્ટ કોલ્સ દરમિયાન, IASV ત્રિવેણીએ મિત્ર રાષ્ટ્રો સાથે સદ્ભાવના મજબૂત કરવાની સાથે ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, સામુદ્રિક પરંપરાઓ, લશ્કરી વ્યાવસાયિકતા અને કાયમી મૂલ્યોનું પ્રદર્શન કર્યું હતું.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2291626) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Telugu