ગ્રામીણ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શિવરાજ સિંહ ચૌહાણે VB-G-RAM-G માટે રાજ્યોને ₹25,863 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં એક જ દિવસમાં VB-G-RAM-G નું સફળતાપૂર્વક અને સરળતાથી અમલીકરણ કરવામાં આવ્યું: શિવરાજ સિંહ ચૌહાણ

કોઈપણ રાજ્યમાં વેતન દર પ્રતિ દિવસ ₹300થી ઓછો રહેશે નહીં; સરકાર સમયસર વેતન ચુકવણી, પારદર્શિતા અને ગુણવત્તાયુક્ત અસ્કયામતો પર વિશેષ ભાર મૂકે છે

प्रविष्टि तिथि: 05 JUL 2026 1:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારતગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) [VB-G-RAM-G]ના અમલીકરણની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન, તેમણે આ યોજનાના અમલીકરણ માટે રાજ્યોને ₹25,863 કરોડનો પ્રથમ હપ્તો (મધર સેન્ક્શન) જાહેર કર્યો હતો.

બેઠકને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સરકારે 1 જુલાઈ 2026થી કોઈપણ અવરોધ વિના સમગ્ર દેશમાં VB-G-RAM-G લાગુ કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને એ નોંધતા આનંદ થાય છે કે આ યોજના સમગ્ર દેશમાં સફળતાપૂર્વક શરૂ થઈ ગઈ છે અને મનરેગા (MGNREGA) માંથી VB-G-RAM-G માં સંક્રમણ સરળ અને સીમલેસ રહ્યું છે. અત્યાર સુધી, કોઈ તકનીકી અથવા ઓપરેશનલ સમસ્યાઓ નોંધાઈ નથી.

તેમણે કહ્યું કે ગરીબ શ્રમિકોની સેવા કરવી એ ભગવાનની સેવા કરવા બરાબર છે. સરકારનો ઉદ્દેશ્ય ગ્રામીણ શ્રમિકો માટે ગૌરવપૂર્ણ રોજગાર, સમયસર વેતન ચુકવણી અને ટકાઉ ગ્રામીણ અસ્કયામતોનું નિર્માણ સુનિશ્ચિત કરવાનો છે.

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે મનરેગાને સમગ્ર દેશમાં લાગુ થવામાં લગભગ ત્રણ વર્ષ લાગ્યા હતા, જ્યારે VB-G-RAM-Gને એક જ દિવસમાં દેશવ્યાપી સ્તરે લાગુ કરવામાં આવી છે. તેમણે તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ, રાજ્યોના સહકાર અને દેશની વહીવટી ક્ષમતા દ્વારા શક્ય બનેલી એક મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતા, સુશાસન અને અસરકારક સંકલનને પ્રતિબિંબિત કરે છે.

પ્રારંભિક પ્રગતિની સમીક્ષા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે પ્રથમ સપ્તાહ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતોમાં કામ શરૂ થઈ ગયું છે અને લાખો ગ્રામીણ શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તેમણે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી કરવા બદલ આંધ્રપ્રદેશ, કેરળ અને રાજસ્થાનની વિશેષ પ્રશંસા કરી હતી. તેમણે ઓડિશા અને પશ્ચિમ બંગાળને બાકીની ગ્રામ પંચાયતોમાં વહેલી તકે કામ શરૂ કરવા વિનંતી કરી હતી અને ઝારખંડને આ યોજના અધિસૂચિત કરવા અને જરૂરી બજેટરી જોગવાઈઓ કરવા વિનંતી કરી હતી. જે રાજ્યોમાં RBI ખાતાઓ અથવા અન્ય ઔપચારિકતાઓ હજુ બાકી છે તેમને પણ સમયમર્યાદામાં તે પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે VB-G-RAM-G હેઠળ વેતન દરોમાં સરેરાશ 10% જેટલો વધારો કરવામાં આવ્યો છે. દેશના કોઈપણ રાજ્યમાં હવે વેતન દર પ્રતિ દિવસ ₹300થી ઓછો રહેશે નહીં. તેમણે કહ્યું કે આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગ્રામીણ શ્રમિકોની આવક અને સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આજે જાહેર કરાયેલ ₹25,863 કરોડનો પ્રથમ હપ્તો એ સુનિશ્ચિત કરવા માટે છે કે રાજ્યો પાસે પૂરતા ભંડોળ ઉપલબ્ધ હોય જેથી 15 દિવસની અંદર વેતનની ચુકવણી કરી શકાય. તેમણે તમામ રાજ્ય સરકારોને તેમનો મેચિંગ શેર સમયસર જાહેર કરવા વિનંતી કરી જેથી વેતન ચુકવણીમાં કોઈ વિલંબ ન થાય.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે VB-G-RAM-Gના અસરકારક અમલીકરણ માટે ભંડોળની કોઈ અછત રહેશે નહીં. રાજ્યો પાસેથી મળેલી માંગના આધારે પ્રથમ હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સમાવેશી અને સહભાગી ગ્રામીણ વિકાસ સુનિશ્ચિત કરવા માટે ગ્રામસભાઓ અને ગ્રામ પંચાયતોએ સ્થાનિક જરૂરિયાતો અનુસાર વિકાસ કાર્યોની પસંદગી કરવી જોઈએ.

પારદર્શિતા અને જવાબદારી પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે ફેસ ઓથેન્ટિકેશન, જીઓ-ટેગિંગ અને અન્ય ટેકનોલોજીકલ પગલાં સંપૂર્ણપણે લાગુ કરવા જોઈએ. તેમણે કહ્યું કે આ યોજનામાં કોઈપણ ગેરરીતિ કે છેતરપિંડી માટે કોઈ સ્થાન નથી અને સરકાર પારદર્શિતા, વિશ્વસનીયતા અને ગુણવત્તાયુક્ત અસ્કયામતોનું નિર્માણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે વધુમાં માહિતી આપી હતી કે મંત્રાલયે રાજ્યોને સતત સહયોગ પૂરો પાડવા માટે સંયુક્ત સચિવ રેન્કના અધિકારીઓની આગેવાની હેઠળ એરિયા ઓફિસર્સ તૈનાત કર્યા છે. આ અધિકારીઓ રાજ્યો સાથે નિયમિત સંકલન જાળવી રાખશે અને અમલીકરણ સંબંધિત મુદ્દાઓનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરશે.

સંબોધનમાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સમયસર વેતન ચુકવણી એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સહિયારી જવાબદારી છે. ભારત સરકારે સમયસર પ્રથમ હપ્તો જાહેર કરીને પોતાની જવાબદારી પૂરી કરી છે, ત્યારે રાજ્યો પાસેથી પણ તેમનો હિસ્સો તાત્કાલિક જાહેર કરવાની અપેક્ષા રાખવામાં આવે છે જેથી કરીને દરેક પાત્ર શ્રમિકને નિર્ધારિત સમય મર્યાદામાં વેતન મળી રહે.

આ બેઠકમાં ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, રાજ્ય મંત્રી શ્રી કમલેશ પાસવાન, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ, ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી રોહિત કંસલ, સંયુક્ત સચિવ સુશ્રી રોહિણી આર. ભાજીભાકરે અને મંત્રાલય તથા રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2281276) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Tamil , Telugu , Kannada , Malayalam