રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવેએ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં જૂન 2026માં માલસામાનના વહનમાં 4%ની મજબૂત વૃદ્ધિ અને મુસાફરોના ટ્રાફિકમાં સતત વૃદ્ધિ નોંધાવી


દેશના ગ્રોથ એન્જિન તરીકેની તેની ભૂમિકાને મજબૂત કરતા, ભારતીય રેલવેએ જૂન 2026માં 142 મિલિયન ટન માલસામાનનું વહન કર્યું

ગત મહિનામાં ખાતરનું લોડિંગ 19.1%, અન્ય બાકીની ચીજવસ્તુઓ 17.3%, લોખંડની અયસ્ક (આયર્ન ઓર) 9.4% અને પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પુરવઠો 7% વધ્યો

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં માલસામાનનું લોડિંગ 419 મિલિયન ટનને પાર કરી ગયું, જે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પ્રદર્શન કરતાં વધુ છે

ઉનાળા દરમિયાન, 164 વંદે ભારત અને 72 અમૃત ભારત સેવાઓ દેશની સેવા કરતી રહી અને મુસાફરોની સંખ્યા લગભગ 64 કરોડ સુધી પહોંચી, જે જનતાને સલામત, વિશ્વસનીય અને સસ્તી મુસાફરી પૂરી પાડે છે

प्रविष्टि तिथि: 02 JUL 2026 3:29PM by PIB Ahmedabad

ભારતીય રેલવેએ જૂન 2026 દરમિયાન તેનું મજબૂત ઓપરેશનલ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું, જેમાં માલસામાનના પરિવહન અને મુસાફરોની સેવાઓ બંનેમાં સતત વૃદ્ધિ નોંધાઈ હતી. ઉચ્ચ માલસામાનનું લોડિંગ, મુસાફરોના ટ્રાફિકમાં વધારો અને મુસાફરોની સેવાઓમાં સતત વધારો એ આર્થિક વૃદ્ધિને ટેકો આપવા, લોજિસ્ટિક્સને મજબૂત કરવા અને દેશભરમાં અનુકૂળ મુસાફરીના વિકલ્પો પ્રદાન કરવા તરફ ભારતીય રેલવેના સતત પ્રયાસો દર્શાવે છે.

માલસામાનના લોડિંગમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ

ભારતીય રેલવેએ જૂન 2026 દરમિયાન 142.21 મિલિયન ટન માલસામાનનું લોડિંગ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 136.71 મિલિયન ટન હતું, આમ 4 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. માલસામાનની કમાણીમાં પણ સારી વૃદ્ધિ નોંધાઈ છે, જેનાથી આશરે ₹430 કરોડની વધારાની આવક થઈ છે, જે જૂન 2025 કરતાં 3 ટકાનો વધારો દર્શાવે છે.

મહિના દરમિયાન કેટલીક મોટી ચીજવસ્તુઓમાં પ્રોત્સાહક વૃદ્ધિ નોંધાઈ હતી. અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોમાંથી સતત માંગને પ્રતિબિંબિત કરતા, ખાતરનું લોડિંગ 19.1 ટકા, અન્ય બાકીની ચીજવસ્તુઓ 17.3 ટકા, લોખંડની અયસ્ક 9.4 ટકા, ઘરેલું કોલસો 4.9 ટકા, કુલ કોલસો 3.6 ટકા અને ક્લિન્કર 7.2 ટકા વધ્યું છે.

જૂન 2026માં આ મજબૂત પ્રદર્શન નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન નોંધાયેલી સતત વૃદ્ધિ પર આધારિત છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન, ભારતીય રેલવેએ 419.08 મિલિયન ટન માલસામાનનું લોડિંગ કર્યું હતું, જે નાણાકીય વર્ષ 2025-26 ના સમાન ગાળા દરમિયાન 413.05 મિલિયન ટન હતું. આ ત્રિમાસિક ગાળામાં અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં લોખંડની અયસ્કના લોડિંગમાં 7.44 ટકા, ક્લિન્કરમાં 6.54 ટકા અને અન્ય બાકીની ચીજવસ્તુઓમાં 12.16 ટકાનો વધારો થવાની સાથે કેટલાક મુખ્ય કોમોડિટી વિભાગોમાં પ્રોત્સાહક વૃદ્ધિ જોવા મળી હતી.

લાંબા સમય સુધી ચાલેલી ઉનાળાની ઋતુ દરમિયાન થર્મલ પાવર સ્ટેશનોની વધેલી જરૂરિયાતને પહોંચી વળવા માટે, ભારતીય રેલવેએ સ્થાનિક કોલસાના પરિવહનમાં વધારો કર્યો હતો, અને ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં જૂન 2026 દરમિયાન પાવર પ્લાન્ટ્સને 7 ટકા વધુ કોલસાનો પુરવઠો પૂરો પાડ્યો હતો, જેનાથી દેશભરમાં અવિરત વીજ ઉત્પાદનને ટેકો મળ્યો છે.

મુસાફરોના ટ્રાફિકમાં સતત વૃદ્ધિ

જૂન 2026 દરમિયાન મુસાફરોની અવરજવરમાં પણ સતત વૃદ્ધિ જોવા મળી હતી. ભારતીય રેલવેએ 63.81 કરોડ મુસાફરોનું વહન કર્યું હતું, જે ગયા વર્ષના સમાન મહિના દરમિયાન 62.37 કરોડ મુસાફરો હતા.

ટૂંકા અને લાંબા અંતરની મુસાફરીને આવરી લેતા નોન-સબઅર્બન વિભાગમાં 3.9 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં મુસાફરોની સંખ્યા 28.90 કરોડથી વધીને 30.04 કરોડ થઈ છે. ઉપનગરીય વિભાગમાં પણ 0.9 ટકાની હકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે, જે 33.46 કરોડથી વધીને 33.77 કરોડ મુસાફરો થઈ છે.

આધુનિક મુસાફરી સેવાઓનો વિસ્તાર

ભારતીય રેલવે પ્રીમિયમ ટ્રેન કામગીરીના વિસ્તરણ સાથે મુસાફરોની સેવાઓનું આધુનિકીકરણ કરવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં હાવડા અને કામાખ્યા વચ્ચે શરૂ કરાયેલી વંદે ભારત સ્લીપર સેવા સહિત વંદે ભારત સેવાઓની સંખ્યા વધીને 164 થઈ ગઈ છે. અમૃત ભારત ટ્રેન સેવાઓની સંખ્યા 72 પર પહોંચી ગઈ છે, જેમાં જૂન 2026 દરમિયાન ચાર નવી સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે દેશભરમાં સસ્તી અને આધુનિક લાંબા અંતરની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવે છે.

માલસામાનના લોડિંગ અને મુસાફરોના ટ્રાફિકમાં સતત વૃદ્ધિ એ કાર્યક્ષમ લોજિસ્ટિક્સ, વિશ્વસનીય મુસાફરી સેવાઓ અને આધુનિક રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સતત ક્ષમતા વૃદ્ધિ, સુધારેલી ઓપરેશનલ કાર્યક્ષમતા અને ગ્રાહક-કેન્દ્રીય પહેલો દ્વારા, ભારતીય રેલવે સમગ્ર દેશમાં સુરક્ષિત, વિશ્વસનીય અને મુસાફરોને અનુકૂળ પરિવહન સેવાઓ પૂરી પાડવાની સાથે ભારતની આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.

SM/BS/HD


(रिलीज़ आईडी: 2280324) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Odia , Tamil , Telugu , Kannada